Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મૃત્‍યુ પામેલા વ્‍યકિતને જીવીત બતાવી બોગસ દસ્‍તાવેજ ઉભો કરવાના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ,તા.૨૪ : મૃત્‍યુ પામેલ વ્‍યકિતઓને જીવતી બતાવી બોગસ દસ્‍તાવેજ બનાવવાના ગુન્‍હામાં આરોપીની જામીન અરજીને રાજકોટની સેસન્‍સ કોર્ટ ફગાવી દીધી હતી.

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા વળધ્‍ધા પ્રભાબેન વા/ઓ. જીણાભાઈ નરશીભાઈ કાકડીયાએ પોતાના જેઠના ૩ પુત્રો સહિત અન્‍ય શખ્‍સો વિરૂધ્‍ધ મરણ જનાર વ્‍યક્‍તિઓના બોગસ આધારકાર્ડ બનાવી તેના આધારે રૂા. ૩૦૦/-ના સ્‍ટેમ્‍પ પેપર ખરીદ કરી તેના પર બોગસ વ્‍યક્‍તિના અંગુઠા વાળુ હક્ક કમીનું સોગંદનામુ કરી નોટરી પાસે નોટરાઇઝ કરાવી મામલતદાર, જસદણની કચેરીએ રજૂ કરી હક્ક કમી નોંધ દાખલ કરાવી. ખેતીની જમીન હડપ કરી જવાની પેરવી કરવામાં આવતા જસદણ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ થતા આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), ૨૦૧ મુજબનો ગુનો નોંધાયેલ છે, જેમાં આરોપી દિલીપ કાનજીભાઈ કાકડીયાએ સેસન્‍સ કોર્ટ રાજકોટમાં આગોતરા જામીન પર છુટવા માટે અરજી કરેલ હતી.

 અરજદાર દિલીપભાઇ કાનજીભાઇ કાકડીયાની જામીન અરજી રદ થવા ફરિયાદીએ ઓબ્‍જેકશન અને દિલીપ કાનજી વિરૂધ્‍ધના પુરાવાઓ રજુ કરતા જે દસ્‍તાવેજો/વાંધા અને ફરિયાદીના એડ્‍વોકેટ સમીર કે. છાયા અને સરકાર પક્ષે એડવોકેટ પરાગ એમ. શાહની   દલીલોને ધ્‍યાને લઇ અરજદાર દિલીપભાઇ કાનજીભાઇ કાકડીયા આવુ કરવાની ટેવવાળો હોય અગાઉ હંસાબેનની જમીનમાં શારદાબેનને હંસાબેન બનાવી વેચાણ દસ્‍તાવેજ કરી નાખેલ છે. ગુનાની ગંભીરતા અને પોલીસ પેપર તથા તપાસની ગતિને ધ્‍યાને લેતા દિલીપ કાનજી કાકડીયાની આગોતરા જામીન અરજી નામંજુર કરતો સેસન્‍સ જજ જે.ડી.સુથારએ હુકમ કરેલ છે. મુળ ફરિયાદીના એડવોકેટ તરીકે સમીર કે. છાયા અને સરકાર તરફે એડવોકેટ પરાગ એમ. શાહને વકીલ તરીકે રોકવામાં આવેલ હતા.

(4:13 pm IST)