Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

વિજ્ઞાન ગુર્જરી રાજકોટ યુનિટ દ્વારા ગણિતશાત્રી પ્રો.પી.સી.વૈદ્યના જીવનકવન અંગે વર્કશોપ

રાજકોટ : વિજ્ઞાન ગુર્જરી રાજકોટ યુનિટ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક-પ્રાધ્‍યાપક ગણમાં વિજ્ઞાન વિશેની રુચિ કેળવાય તેમજ ભારતીય વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓના વિશ્વ ફલક પરના પ્રદાનથી પરિચિત થાય તે માટે સતત કાર્યરત છે. તા. ૨૩ ગુજરાતના પનોતા પુત્ર શ્રી પી.સી. વૈદ્યનો જન્‍મદિવસ છે. તેઓએ ગણિત શિક્ષણમાં તેમજ સંશોધનમાં કરેલ આગવું પ્રદાન લોકો સુધી પહોંચે તે માટે રાજકોટ યુનિટ દ્વારા તા. ૧૮ના એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપમાં પ્રાથમિક, માધ્‍યમિક તેમજ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો, ડિપ્‍લોમા-ડિગ્રી એન્‍જિનિયરિંગ કોલેજ તેમજ સાયન્‍સ કોલેજના ગણિત વિજ્ઞાનના પ્રાધ્‍યાપકો ભાગ લઈ શકશે. પી.સી. વૈદ્યના જન્‍મદિવસ નિમિત્તે આગામી કાર્યક્રમનું ફલાયર લોન્‍ચ કરવામાં આવ્‍યુ. આ તબક્કે એ.વી.પી.ટી.આઇ. કોલેજ ના પ્રિન્‍સિપાલ ડી.બી. વાગડિયા, વિરાણી હાઇસ્‍કુલના પ્રિન્‍સિપાલ હરેન્‍દ્રસિંહ ડોડીયા, એચ. બી. પટેલ , ઇવેન્‍ટના સેક્રેટરી ડો. એચ. એચ. ભટ્ટ, ડો. અતુલ વ્‍યાસ, ઇવેન્‍ટ કોર્ડીનેટર પી.એન. જોશી, પ્રો.એચ.જી.અગ્રાવત, પ્રણવભાઈ શુક્‍લ, રાજેશભાઈ બામટા, પ્રો.ભગીરથ ભટ્ટ, પ્રો. સાવલિયા વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ વર્કશોપ માં શ્રી પી.સી. વૈદ્યના જીવન કવન, તેમનું વિશ્વ ફલક પર નું પ્રદાન, વિજ્ઞાન ભારતીનાં કાર્યો તેમજ વૈદિક ગણિત વિષે નાં તજજ્ઞો નાં વ્‍યાખ્‍યાનો રાખવામાં આવેલ છે. જે ગણિત, વિજ્ઞાન વિષયનાં શિક્ષણકાર્ય સાથે સંકળાયેલ તમામને ખુબ  ઉપયોગી નિવડશે. વર્કશોપમાં માત્ર ૨૦૦ રજીસ્‍ટ્રેશન લેવામાં આવનાર હોય વહેલા તે પહેલાનાં ધોરણે રજીસ્‍ટ્રેશન સ્‍વીકારવામાં આવશે વર્કશોપને સફળ બનાવવા માટે વિજ્ઞાન ગુર્જરીના રાજકોટ-એકમના પ્રમુખ ડો.  નિકેશ શાહ તેમજ કાર્યકર્તા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:34 pm IST)