Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

આઇશ્રી પૂ.નાગબાઇમાની ૧૪ ફુટ ઉંચી પ્રતિમા સાથે અષાઢી બીજે શોભાયાત્રા

સમસ્ત ચારણીયા સમાજ દ્વારા પૂ.જગદંબા આઇશ્રી નાગબાઇ માતાજીનો પ્રાગટય મહોત્સવ ઉજવાશે : ભાઇ-બહેનો ચારણીય પહેરવેશ સાથે વિશાળ સંખ્યામાં જોડાશેઃ ડીજેના સંગાથે ગરબાની રમઝટ જામશેઃ ભુલકાઓ દેવી -દેવતાઓના પોશાકમાં આકર્ષણ જમાવશેઃ શોભાયાત્રાના સમાપન બાદ મહાપ્રસાદ

રાજકોટઃ તા.૨૪: ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર પૂ.જગદંબા આઇશ્રી નાગબાઇમાંનાં પ્રાગટય મહોત્સવ નિમિતે રાજકોટમાંં આગામી તા. ૧ જૂલાઇ,ના રોજ શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ધાર્મિક પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે-ગામડે ચારણીયા સમાજના ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે. પરીણામે ચારણીયા સમાજમાં પણ  જબરો ઉત્સાહ છવાયો હોવાનુ આગેવાનોએ જણાવ્યુ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી મૌખિક અને લેખિત આમંત્રણ મોકલીને પૂ. શ્રીનાગબાઇ માતાજીના જન્મોત્સવમાં નાનકડા નેશડાથી લઇને મોટા મહાનગર સુધીનાં વિસ્તારોનો ચારણીયા સમાજ મોટી સંખ્યામૉ જોડાઇ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા.૧ જૂલાઇના શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે કિશાનપરા ચોકથી પ્રારંભ થશે. ભવ્ય શોભાયાત્રમાં પૂ. જગદંબા આઇશ્રી નાગબાઇ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરૂ આકર્ષણ જમાવશે. શોભાયાત્રાના સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ. શ્રીનાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉંચી દિવ્ય પ્રતિમાં બીરાજમાન રહેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.ના સુર-તાલે આધ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરૂ આકર્ષણ જમાવશે.આ સાથે રથયાત્રા ફરતે યુવાનો ભગવી ધ્વજા સાથે તૈનાત રહી વ્યવસ્થા સંભાળશે.

આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો,બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજનાં પરંપરાગત પહેરવેશમાં સજજ કરશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની વેશભૂષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે.

રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે આગામી તા.૧ને શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે સવારે ૯.૩૦ વાગ્યે ચારણીયા સમાજના જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજનાં સામાજીક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓના હોદેદારો વગેરે  ખાસ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. કિસાનપરા ચોક ખાતે પૂ. શ્રી નાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમાના પુજન -અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જીલ્લા પંચાયત ચોકથી ડો. યાજ્ઞિક રોડ થઇ માલવિયા ચોકથી ત્રિકોણબાગ થઇને જ્યુબેલી ચોકથી આગળ આર.ડી.સી.બેન્ક રોડ થઇ ચૌધરી હાઇસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઇ રેસકોર્સમાં કિશાનપરા પાસે બપોરે ૧૨.૩૦ વાગ્યે સમાપન થશે. જયાં રેસકોર્સ ખાતે ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ સમુહ મહાપ્રસાદ યોજાશે.

તસ્વીરમાં સમસ્ત ચારણીયા સમાજના સર્વ શ્રી પ્રવિણભા ગોગીયા,પ્રવિણભા મોખરા,જયેશભા ગર, યાજ્ઞીકભા ગોગીયા, સુરેશભા ગોગીયા, કેતનભા આઠુ અને દિનેશભા ચારણીયા નજરે પડે છે. (૩૯.૫)

 

રથયાત્રાનો રૂટ

      સ્થળ                   સમય

    કિસાનપરા ચોકથી પ્રારંભ .......      ૦૯:૩૦

    જિલ્લા પંચાયત ચોક (અકિલા સર્કલ) .      ૧૦:૦૦

    ડો. યાજ્ઞિક રોઙ..............  ૧૦:૧૦

    રામકૃષ્ણ આશ્રમ............   ૧૦:૩૦

    સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ .................         ૧૦:૪૦

    માલવિયા ચોક............    ૧૦:૫૦

    ગેસ્ફોર્ડ સિનેમા રોડ............. ૧૧:૦૦

    ત્રિકોણબાગ.............       ૧૧:૧૦

    જવાહર રોડ.........         ૧૧:૨૦

    જયુબેલી ચોક................ ૧૧:૩૦

    આર.ડી.સી.બેન્ક રોડ...... ૧૧:૪૫

    ચૌધરી હાઇસ્કૂલ ચોક.............       ૧૨:૦૦

    કિસાનપરા ચોક ખાતે સમાપન............૧૨:૩૦

 

ચારણીયા સમાજને ઉમટી પડવાનું આહવાન

અષાઢી બીજનાં ધાર્મિક અને સામાજીક મહોત્સવમાં ગામે -ગામથી જ્ઞાતિજનોને માત્ર એક દિવસ કામ,ધંધા, રોજગાર બંધ રાખીને ઉમટી પડવા ચારણીયા સંગઠન દ્વારા આહવાન કરવામાં આવ્યું આ અંગે વધુ માહિતી માટે

હરેશભાઇ ચૌહાણ-મો. ૯૭૨૩૯૩૮૩૩૩ - પ્રવિણભાઇ ગોગીયા મો.૮૧૬૦૬૦૨૭૭૨ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:56 pm IST)