Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

રાજકોટ લોહાણા મહાજન દ્વારા રર૩મી જલારામ જયંતિની ભવ્ય-દિવ્ય-અલૌકીક ઉજવણી થશે

રાજકોટનો રઘુવંશી સમાજ ઇતિહાસ રચશે : સતત બે દિવસ રાત્રે ૯ થી ૧ર સાંસ્કૃતિ-ધાર્મિક કાર્યક્રમોઃ પ્રખ્યાત ભજન ગાયક અશોકભાઇ ભાયાણી અને જાણીતા હાસ્ય ડાયરા કલાકાર માયાભાઇ આહીર જમાવટ કરશે * સ્વયંસેવકોમાં ઉત્સાહના ઘોડાપૂર : ૩૧ ઓકટોબર, સોમવારના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સર્વજ્ઞાતિ મહાપ્રસાદમાં સામાજીક એકતાના અદ્ભૂત દર્શન થશે * મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ તન, મન, ધનથી કામે લાગી ગઇ

 

 

રાજકોટ તા. ર૪ :.. વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને શહેરના અઢી લાખથી વધુ રઘુવંશીઓની માતૃસંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા ૩૧ ઓકટોબર, ર૦રર સોમવારના રોજ 'જલીયાણધામ', રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રર૩ મી જલારામ જયંતિની ભવ્ય-દિવ્ય-અલૌકિક ઉજવણી થશે. જેના ભાગરૂપે સર્વજ્ઞાતિ મહાપ્રસાદનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જયંતિના પવિત્ર દિવસે જલારામ જયંતિ મહોત્સવમાં મહાઆરતી અને મહાપ્રસાદ દરમ્યાન અકિલા પરિવારના મોભી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

રાજકોટના ઇતિહાસમાં લોહાણા મહાજનના નેજા હેઠળ પ.પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી પ્રથમ વખત થતી હોય, સમગ્ર રઘુવંશી સમાજમાં અને સેંકડો સ્વયંસેવકોમાં ઉત્સાહના ઘોડાપૂર ઉમટયા છે. રાજકોટના આંગણેથી વિશ્વના ખૂણે-ખૂણે પૂ. જલારામબાપાનો નાદ સંભળાય અને વિશ્વના તમામ રઘુવંશીઓ પૂ. જલાબાપાની ભકિતમાં લીન બને તેવું પવિત્ર અને ઐતિહાસિક વાતાવરણનું સર્જન કરવા માટે સમગ્ર રાજકોટનો રઘુવંશી સમાજ આતુર બન્યો છે. સર્વજ્ઞાતિ મહાપ્રસાદ દરમ્યાન પણ સામાજીક એકતાના અદ્ભૂત દર્શન થશે જે તમામ સમાજો માટે અને રાષ્ટ્રભાવના માટે ચોકકસપણે પ્રેરણારૂપ બનશે તેવું જ્ઞાતિશ્રેષ્ઠીઓ કહી રહ્યા છે.

રાજકોટ લોહાણા મહાજન આયોજીત જલારામ જયંતિ મહોત્સવ દરમ્યાન તારીખ ૩૦ અને ૩૧ ઓકટોબરના રોજ રાત્રે ૯ થી ૧ર વાગ્યા દરમ્યાન સતત બે દિવસ સાંસ્કૃતિક - ધાર્મિક કાર્યક્રમો પણ જમાવટ કરશે. તા. ૩૦ ઓકટોબર, રવિવારના રોજ પ્રખ્યાત ભજન ગાયકશ્રી અશોકભાઇ ભાયાણી દ્વારા  'રામનામ કે હિરેમોતી' શીર્ષક હેઠળ કાર્યક્રમ રાખેલ છે. તા. ૩૧ ઓકટોબર સોમવાર, જલારામ જયંતિના રોજ મહાઆરતી અને મહાપ્રસાદ બાદ વિખ્યાત હાસ્ય કલાકાર શ્રી માયાભાઇ આહીર પવિત્ર વાતાવરણમાં ધાર્મિક થીમ સાથે લાખો જલારામભકતોને ભકિતમાં તરબોળ કરશે.

જલારામ જયંતિના ઐતિહાસીક મહોત્સવને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પુજારા-પુજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો.હિમાંશુભાઇ ઠક્કર, ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર, ટ્રસ્ટીઓ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્ખર, મનિષભાઇ ખખ્ખર, તુષારભાઇ ગોકાણી, દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, શૈલેષભાઇ પાબારી, જતીનભાઇ કારીયા, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, અલ્પાબેન બચ્છા, ડો.આશીષભાઇ ગણાત્રા, ધવલભાઇ કારીયા, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા અગ્રણીઓ-જ્ઞાતિજનો-સંસ્થાના હોદ્દેદારો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:48 pm IST)