Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

રાજકોટના આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળીનો અદ્દભૂત નજારો રચાયો

મનપા દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે ભવ્‍ય આતશબાજી યોજાઈઃ હકડેઠઠ્ઠ મેદની : દિવાળીના પર્વમાં રાજકોટમાં થતી શાનદાર આતશબાજી ગુજરાતના અન્‍ય શહેરોમાં પણ થાય તેવી ઈચ્‍છાઃ સી. આર. પાટીલ

રાજકોટ,તા.૨૪: મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજીનુ આયોજન કરવામાં આવે છે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. ધનતેરસના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનુ આયોજન કરવામાં આવેલ, જેનું ઉદઘાટન સંસદ સભ્‍ય તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ  સી.આર.પાટીલના  હસ્‍તે કરવામાં આવેલ.

  આ પ્રસંગે  સંસદ સભ્‍ય તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલએ સૌને ધનતેરસ, દિવાળી અને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે, હું અહી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદઘાટનમાં આવ્‍યો હતો ત્‍યારે મને જણાવવામાં આવ્‍યું કે રાજકોટમાં ભવ્‍ય આતશબાજી કરવામાં આવે છે મેં આજ નજરે જોયું કે એક જ સ્‍થળ પર હજારોની સંખ્‍યામાં શહેરીજનો હોય અને શાનદાર ફટાકડાની આતશબાજી કરવામાં આવે આવું ભાગ્‍યે જ જોવા મળતું હોય, રાજકોટ શહેરમાં કરવામાં આવતી આ શાનદાર આતશબાજી ગુજરાતના અન્‍ય શહેરોમાં પણ કરવામાં આવે તેવી ઈચ્‍છા છે. કોરોનાકાળમાં બે વર્ષ બાદ ભવ્‍ય આતશબાજી કરવામાં આવી રહી છે. દિવાળી પર્વમાં ફટાકડા ફોડી આનંદ મેળવો તેમજ આવનારા સમયમાં પણ આવા ભવ્‍ય અને અદભુત કાર્યક્રમો કરી મનોરંજન કરવામાં આવે તેવી સૌને શુભેચ્‍છાઓ પાઠવું છુ.

  મેયર ડૉ. પ્રદીપ ડવએ સ્‍વાગત પ્રવચન આપતા જણાવ્‍યું હતું કે, આ પર્વ ઉમંગોનો પર્વ છે, રાજકોટ આવી જ રીતે સૌ નાગરિકોના સાથ-સહકારથી આગળ વધે તેવી શુભેચ્‍છા, હમણાં જ દેશના માન. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી નો ભવ્‍ય રોડ-શો યોજાયો હતો, રાજકોટને પર્વની અનેક મોટી ભેટ માન. પ્રધાનમંત્રીએ આપી છે. વિવિધ પ્રોજેક્‍ટના લોકાર્પણ-ખાતર્મુહુત કરવામાં આવ્‍યા છે. ખેલ મહાકુંભમાં રાજકોટ આગળ વધે તે માટે સ્‍પોર્ટ્‍સ સંકુલનું ખાતર્મુહુત કરવામાં આવ્‍યું છે. કેન્‍દ્ર સરકારશ્રી અને રાજ્‍ય સરકારશ્રીના સહયોગથી રાજકોટને AIIMS, ઇન્‍ટરનેશનલ એરપોર્ટ જેવી અનેક ભેટ મળી છે અને આગામી સમયમાં મળતી રહેશે. સમગ્ર ભારત સહિત વિશ્વમાં રાજકોટ ઝળહળશે તેવી ઈચ્‍છા સાથે સૌ નાગરિકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારના અનુસંધાને યોજયેલ ભવ્‍ય આતશબાજી આકાશી રંગોળીમાં બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા. હજારોની સંખ્‍યામાં હાજર રહી નાગરિકોએ શાનદાર આતશબાજી માણી હતી.

આ આતશબાજીમાં અવનવા ફટાકડાઓ ફોડી ડી.જે. સાથે સૌનું મનોરંજન કરવામાં આવ્‍યું હતું. 

 આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્‍નાકરજી, માન. ગુજરાત પ્રદેશ ભા.જ.પ. મહામંત્રી વિનોદભાઈ ચાવડા,  મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્‍થિતિમાં તથા મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજોયો હતો. આ પ્રસંગે સાસંદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા તેમજ અન્‍ય કોર્પોરેટરો, ભાજપના અન્‍ય હોદેદારો અને સંગઠનના સભ્‍યો સહિત બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:11 pm IST)