Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજકોટ પીડીયુ કોલેજના ડો. નયના ભાલોડિયા બન્યા જયપુર ખાતેની મિસ ઇન્ડિયા કોમ્પિટીશનના વિજેતા

પોતાના સપનાને કદી મારશો નહિ, એક દિવસ ચોક્કસ આવશે જ જ્યારે તમે એ બધા સપના જીવી રહ્યા હશોઃ ડો. નયના

રાજકોટ તા. ૨૪: જયપુર ખાતે ફોરએવર સ્ટાર ઇન્ડિયા એવોર્ડ દ્વારા યોજાયેલી મિસ ઇન્ડિયા-૨૦૨૧ કોમ્પીટીશનમાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના એમડી પેથોલોજી ફાઇનલ યરમાં અભ્યાસ કરતાં ડો. નયના ભાલોડીયાએ મિસ ગુજરાતનો તાજ મેળવી સમગ્ર પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.
આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી કુલ ૧૦ હજાર રજીસ્ટ્રેશન થયા હતાં. તેમાંથી ૫૦૦૦ સ્પર્ધકને સિલેક્ટ કરાયા હતાં. એ પછી તમામ ભાગ લેનારના ઓનલાઇન ત્રણ રાઉંન્ડ લેવાયા હતાં. જેમાં ઓડિશનથી લઇને ફાઇનલ રાઉંન્ડ સુધી બધામાં નિર્ણાયકો ડો. નયનાના પરફોર્મન્સની ખુશથયા હતાં. એ પછી ૧૭ થી ૨૦ ડિસેમ્બરના રોજ જયપુરના મેરિયોટ હોલ ખાતે યોજાયેલ ફાઇનલ કોમ્પીટીશનમાં ડો. નયનાએ મિસ ગુજરાતનો ક્રાઉંન મેળવ્યો હતો.
પીડીયુ કોલેજના જેડીયુના પ્રેસી. ડો. રવિ કોઠારી સહિતની ટીમે અભિનંદન પાઠવ્યા હતાં. ડો. નયનાએ આ તાજના વિજેતા બની કહ્યું હતું કે-એક્ટીંગમાં જવાનું મારુ બાળપણનું સપનુ છે અને બ્યુટી કોન્ટેસ્ટ એ અભિનય કારકિર્દીમાં જવા માટેનો રસ્તો જ છે. પરંતુ અભ્યાસ સાથે આ સપનુ સાકાર કરવું એ મારા માટે પડકારરૂપ હતું. પણ કહેવાય છે કે જો દ્રઢનિશ્ચય કરો તો સફળતા મળે જ છે. મારા માટે આ વાત સાચી સાબિત થઇ છે. મારા સપનાને સાકાર કરવામાં મારા પરિવારજનો, પ્રોફેસર્સ, મિત્રોએ ખુબ સપોર્ટ કર્યો છે. મારી અથાક મહેનતથી હું આ મુકામ પર પહોંચી છું. હું એવા દરેક લોકો માટે પ્રેરણારૂપ બનવા ઇચ્છુ છું જે પોતાની મંજીલ સુધી પહોંચવાના સપના જોઇ રહ્યા છે. પોતાના સપનાને કદી મારશો નહિ, એક દિવસ ચોક્કસ આવશે જ જ્યારે તમે એ બધા સપના જીવી રહ્યા હશો.
ડો. નયના કહે છે હું સમગ્ર ભારતના લોકો માનસિક રીતે મજબૂત બને એ માટે પણ જાગૃતિ લાવવા ઇચ્છુ છું. કારણ કે આજની સોશિયલ મિડીયાની દુનિયામાં લોકો પોતાની મેન્ટલ હેલ્થની સંભાળ રાખવાનું જ ભુલી ગયા છે.

 

(11:47 am IST)