Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અદ્વિતીય, અવિસ્મરણીય, અવિચલ શ્રી અટલજી...

શ્રી અટલજીએ કેન્દ્રમાં રાષ્ટ્રવાદી સરકાર રચી શરૂ કરેલી ''વિચાર વિજય યાત્રા''ને નરેન્દ્રભાઈ મોદીએ ખરા અર્થમાં વ્યાપક બનાવી : પ્રખર રાજપૂરૂષ અટલ બિહારી વાજપેયીનો આવતીકાલે ૯૭મો જન્મદિવસઃ સમગ્ર દેશમાં ભાજપ સુશાસન દિવસ તરીકે ઉજવી તેમને ભાવવંદના કરશેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ દેશની એકતા ,અખંડિતતા અને સંસદીય લોકશાહીના ઉપાસક, ભારતમાતાના પનોતા પુત્ર શ્રી અટલ બિહારી વાજપેયીજીને જન્મદિવસે શત શત નમન કરતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે શ્રી અટલજી એટલે  ભારતીય રાજનીતિમાં એક મુઠ્ઠી ઊંચેરૂ, અજાતશત્રુ વ્યકિતત્વ. કવિ હૃદયના પણ દેશહિતમાં નિર્ણયોમાં હંમેશા અટલ રહેનારા એવા અટલજી આવતીકાલે ૨૫ ડિસેમ્બર લોકનેતા ભારતરત્ન શ્રી અટલ બિહારી બાજપેયીજીના ૯૭મા જન્મદિવસ તરીકે મહત્વનો છે. આજે અટલ બિહારી બાજપેયી સદેહે આપણી વચ્ચે હાજર નથી પણ તેમના વિચારો અને સમગ્ર જીવનની દરેક ઘટનાઓ ખુલ્લા પુસ્તકની માફક આપણી સામે આદર્શ બનીને એક મશાલની જેમ ઝળહળે છે. અટલજીએ  પાયાના પથ્થર બનીને જનસંઘથી ભાજપ સુધીની વિચાર વિજય યાત્રાને આગળ ધપાવી જેના પરિણામસ્વરૂપે તેમના રાજનૈતિક આદર્શોને ચરિતાર્થ કરવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એ યાત્રાને સફળતાપૂર્વક આગળ ધપાવી તેમના સંકલ્પો તથા અધૂરા કાર્યો પુરા કરવા  લોકકલ્યાણ અને વિકાસ ની વણથંભી યાત્રા ને આગળ વધારી રહ્યા છે. આવા  વિરાટ વ્યકિતત્વના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનું આચમન આજે પ્રેરણારૂપ બની રહેશે.

અટલજીના રાજકીય જીવનની વાત કરીએ તો છ દાયકા કરતા પણ વધારે સમય સુધી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં તેમના ઉપર કોઈ આક્ષેપ મુકવાની વાત તો દૂર ખાલી આંગળી ચીંધવી પણ અશક્ય છે. પોતાના  પક્ષ માટે તો ઠીક વિપક્ષ માટે પણ પ્રેરણાદાયી રાજપુરૂષ તરીકે જાણીતા અને માનીતા અટલજીનું રાજકીય જીવન હંમેશા સિદ્ધાંતવાદી, વિચારશીલ અને એકનિષ્ઠ રહ્યું છે. સામાન્ય રીતે લોકોની વિચારધારા સમયને આધીન હોય છે એટલે કે વ્યકિત જ્યારે વિપક્ષમાં હોય ત્યારે જે વાતનો વિરોધ કરતા હોય અને સત્તામાં આવે ત્યારે એ બાબતે ચૂપ થઇ અલગ વલણ લેતા હોય છે.  અટલજી આમાં અપવાદ રહ્યા. તેમના રાજકીય વિચારોનું વહેણ કયારેય બદલાયું નહી, પણ ઉલ્ટુ તેમણે પોતાનું સમગ્ર જીવન પોતાની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી વિચારધારા માટે અને દેશના દરેક સામાન્ય માણસ -છેવાડાના માણસ માટે સમર્પિત કરી દીધું.

અટલજીના રાજકીય જીવનમાં આવેલા ઉતારચડાવની વાત થાય છે ત્યારે તેઓ વડાપ્રધાનપદે હતા ત્યારે આવેલા નાટ્યાત્મક વળાંકો કેમ ભૂલી શકાય? દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ પ્રકારના બનાવો  ભૂતકાળ બની ગયા છે. એટલે જે મતદારો છેલ્લા એકાદ દાયકાથી જ મતદાન કરતા થયા હોય અથવા રાજકીય ઘટનાઓ સમજતા થયા હોય તેમને આ વાત બહુ વિચિત્ર લાગશે. પણ ૧૬ મે ૧૯૯૬ના રોજ અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા તેના તેરમા દિવસે જ વિચારધારાને વળગી રહેવાને કારણે તેનો કાર્યકાળ ખૂબ ટૂંકા સમય માં  સમાપ્ત થઇ ગયો હતો. ત્યારબાદ ૧૯૯૮માં ફરી એક વખત તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને તેર મહિના સુધી વડાપ્રધાન તરીકે રહ્યા. અટલજી માટે સત્તા ક્યારેય રાજનીતિનું કેન્દ્ર નથી રહી. તેમના માટે વિચારધારા જ સર્વોપરી હતી. નસેનસમાં દોડતો રાષ્ટ્રપ્રેમ અને દરેક લોકો પ્રત્યે સમાન આદરની વિચારધારા તેમના રોમેરોમમાં વણાઈ ગઈ હતી. તેમના જીવનનો એક જ ધ્યેય હતો અને એ હતો દેશની પ્રગતિ.  આ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ સતત વધતો જતો હતો આની સાથે સાથે એક છૂપો પડકાર પણ વધારેને વધારે વિકટ બની રહ્યો હતો કે દેશના ખૂણેખૂણે ફેલાયેલા દરેક કાર્યકરને એક જ વિચારધારા સાથે જોડી રાખવા. જો આવું ન થાય તો વટવૃક્ષની જેમ ફેલાયેલો પક્ષ દેશહિતમાં કામ કરવાને બદલે એક સંકુચિત પ્રાદેશિકવાદના સંકુચિત ચોકઠાંમાં બંધાઈ જાય. આવું ન થાય એ માટે અટલજીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીજી ની સાથે દેશપ્રેમ અને વિચારધારાનો ભેખ ધર્યો અને સમર્પિત કાર્યકરોની એક એવી પેઢી ઉભી કરી કે જે આવતા બેચાર દાયકા સુધી દેશનું નેતૃત્વ કરીને દેશને સાચી દિશામાં આગળ વધારી શકે. ૧૯૯૯માં અટલજી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે સંજોગો અલગ હતા અને એકલા ભારતીય જનતા પાર્ટીને બદલે આખા દેશમાં ફેલાયેલા નાના મોટા ચોવીસ જેટલા પક્ષને સાથે રાખીને આગળ વધવાનો સમય આવ્યો. ત્યારે પણ માત્ર સત્તાના સાથીદાર નહિ પણ સેવાના ભાગીદાર બનાવીને ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની રચના કરી અને દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સરકારનું સુકાન સંભાળ્યું. તે સમયે આપણી પચાસ વર્ષની લોકશાહીની સફરમાં આ પ્રકારની સરકારનો વિચાર અટલજીએ સાકાર કરી બતાવ્યો શરૂઆતમાં ઘણા લોકોને આ ગઠબંધનની સફળતા ઉપર શંકા હતી પણ પોતાના કર્મ થકી વિરોધીઓના માનસ ઉપર વિજય મેળવવાની આવડતને કારણે અટલજી આ અગ્નિ પરીક્ષામાં પણ સો ટચનું સોનુ સાબિત થઈને ખરા ઉતર્યા. અટલજીની રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની સરકારે એવા કાર્ય કરી બતાવ્યા કે જે આવતા અનેક વર્ષો સુધી કોઈ પણ સરકાર માટે એક આદર્શ માપદંડ સાબિત થાય.

 અટલજીની વાણીમાં જીવનભરના તપનો એવો રણકો હતો કે સામેની વ્યકિત તેમાં ખેંચાય વગર રહે જ નહીં. અટલજીએ પોતાના જીવન દરમિયાન દેશપ્રેમ અને પ્રખર રાષ્ટ્રવાદને આધારે વિકાસનો જે રસ્તો તૈયાર કર્યો તેના ઉપર આગળ જતા  તેના અનુગામી અને અંશ સમાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફાઈટર પ્લેન ઉતરી શકે એવો ડબલ એક્ષપ્રેસ હાઇવે તૈયાર કર્યો. તેના આપણે સૌ સાક્ષી છીએ. એક સમયે એક સીટ માટે પણ જે પાર્ટી સંઘર્ષ કરતી હતી તેને અટલજીએ પોતાની પ્રતિભા અને દેશપ્રેમના આધારે  લોકહ્રદયમાં સ્થાન અપાવ્યું અને પછી નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશમાં વિજયના વાવટા ફરકાવ્યા. આજે આપણે જે વિકાસ અને સ્થિર સરકાર જોઈ રહ્યા  છીએ એ અટલજીએ સ્થાપેલા સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદનું પ્રતિબિંબ જ છે. આજના દિવસે અટલજીની પવિત્ર આત્મા પાસે એટલી જ પ્રાર્થના કરી શકીએ કે તેમનામાં જેવો રાષ્ટ્રપ્રેમ ઘુઘવતો હતો તેની એક સરવાણી આપણામાં પણ સતત વહેતી રહે અને રાષ્ટ્ર નિર્માણના આ અવિરત મહાકાર્યમાં આપણને સતત પ્રેરિત કરતી રહે તેવી તેમના જન્મદિવસે-સુશાસન દિવસે તેઓશ્રીને ભાવવંદના સાથે અભ્યર્થના રાજુભાઇ ધ્રુવે કરી છે.

(12:49 pm IST)