Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

રાજકોટમાં સુ-શાસન કાર્યક્રમમાં નરેન્દ્રભાઇ 'લાઇવ' જોડાય તેવી શકયતા

તડામાર તૈયારીઓ : તમામ પ્રાંતને જવાબદારી : એઇમ્સની મુલાકાત લેતા પ્રભારી મંત્રી જીતુભાઇ : ડીએચ ખાતે ૩૧મીએ પંચાયતના કરોડોના કાર્યક્રમો : વડાપ્રધાન સહાય યોજનાના અનેક લાભાર્થી : સમરસ થયેલ ૧૩૦ પંચાયતના સરપંચોનું સન્માન : લાખોના ચેક અપાશે :૩૧મીના કાર્યક્રમમાં ૧ હજાર લોકોને એકઠા કરવા ટારગેટઃ મામલતદારોને દોડધામ

રાજકોટ તા. ૨૪ : આવતીકાલથી તા. ૩૧ સુધી રાજકોટ સહિત રાજ્યભરમાં રાજ્ય સરકારનો ગુડ ગવર્નન્સ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, રાજ્યકક્ષાનો કાર્યક્રમ રાજકોટમાં થનાર છે, ૩૧મીએ આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોતે લોકાર્પણ - ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે, તેમનો એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી જબરો રોડ-શો પણ યોજાયો છે.

દરમિયાન કલેકટર અને પંચાયતના અધિકારી સૂત્રોના કહેવા મુજબ ૩૧મીએ ડીએચ કોલેજ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ પોતે પણ લાઇવ જોડાય તેવી શકયતા છે, આ માટે મંજૂરી મંગાઇ છે, ડીએચમાં ૩૧મીએ કરોડોના લોકાર્પણ - ખાતમુહૂર્ત - સહાયના જે કાર્યક્રમો છે તે તમામ પંચાયતના છે, સ્ટેજ ઉપર જુદી-જુદી વડાપ્રધાન સહાય તથા અન્ય સહાયના ૨૦થી ૨૫ લાભાર્થીઓને બોલાવી હાથોહાથ સહાય અપાશે, બાકીનાને ડાયરેકટ સહાયના ચેક આપી દેવાશે. રાજકોટ જિલ્લામાં ૫૪૩માંથી ૧૩૦ ગ્રામ પંચાયત સમરસ થઇ છે, તે તમામ સરપંચનું સન્માન અને ૮ લાખ સુધીના ચેકો અપાશે.

આ કાર્યક્રમમાં ૧ હજાર લોકો આવે તેવો ટારગેટ અપાયો હોય, મેદની એકઠી કરવા ભારે દોડધામ થઇ પડી છે, કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે ૧ હજાર લોકોને બોલાવવા પણ ભારે થઇ પડે તેવું છે.

૩૧મીના કાર્યક્રમમાં હજુ એઇમ્સ અંગે ફાઇનલ નથી થયું, દિલ્હીથી ઓપીડી શરૂ કરવા અંગે મંજૂરી મંગાઇ છે, જે ૧ થી ૨ દિવસમાં આવી જાય તેવી શકયતા છે.

દરમિયાન ગઇકાલે રાજકોટ આવેલા જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ એઇમ્સની મુલાકાત લીધી હતી, તમામ કામગીરી - બની રહેલ ત્રણ રોડનું નિરીક્ષણ કર્યું હતું, તેમની સાથે કલેકટર ઉપરાંત સીટી પ્રાંત-૩ તથા એઇમ્સના ડાયરેકટર વિગેરે જોડાયા હતા.(

(3:00 pm IST)