Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જેતપુરની ધોરણ-૧૨ની છાત્રા ભણવામાં હોશિયાર હતી પણ માથાના દુઃખાવા સામે હારી ગઇ અને મોત મેળવ્‍યું

‘ગૂડબાય એન્‍ડ સોરી...મમ્‍મી મને માફ કરી દેજો, ભાઇ તમે મમ્‍મી પપ્‍પાનું ધ્‍યાન રાખજો' : રાજકોટમાં હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતી હતીઃ ચિઠ્ઠી લખી ગળાફાંસો ખાઇ લીધોઃ પિતા જેતપુર શાળામાં શિક્ષકઃ લાડકવાયી દિકરીના પગલાથી પરિવારજનોમાં શોકની કાલિમા

રાજકોટ તા. ૨૪: માણસને જિંદગીમાં અનેક કસોટીઓનો સામનો કરવો પડતો હોય છે. એ પછી શારીરિક હોય કે બીજી પણ હોઇ શકે. જેતપુરના કેરાળી ગામની છાત્રા દેવાંશી પરષોત્તમભાઇ સરવૈયા (ઉ.વ.૧૮) રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી એમ્‍પલ ગર્લ્‍સ હોસ્‍ટેલમાં  રહી પ્રિમીયર સ્‍કૂલમાં ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતી હોઇ ગત સાંજે તેણે હોસ્‍ટેલના રૂમમાં ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ દેવાંશી ભણવામાં હોશીયાર હતી પણ માયગ્રેનને કારણે માથામાં થતો દુઃખાવો તેના માટે ત્રાસરૂપ બન્‍યો હોઇ ચિઠ્ઠી લખી મોત મેળવી લીધુ હતું.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ વી. એન. બોદર, વિજયભાઇ બાલસ, કિશોરભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસને એક સ્‍યુસાઇડ નોટ મળી હતી. જેમાં દેવાંશીએ લખ્‍યું હતું કે-ગૂડબાય એન્‍ડ સોરી, મને કાંઇ વાંધો જ નથી, પણ મને નથી ગમતું, માથુ બહુ જ દુખયા કરે છે. પપ્‍પા તમે કાંઇ ટેન્‍શન ન લેતાં. સોરી પપ્‍પા મને માફ કરી દેજો. ભાઇ અને મ્‍મી મને માફ કરી દેજો, ભાઇ મમ્‍મી પપ્‍પાનું ધ્‍યાન રાખજે. બાય...આઇ લવ યુ મોમ એન્‍ડ ડેડ એન્‍ડ ભાઇ.

પોલીસે આ ચિઠ્ઠી કબ્‍જે કરી હતી. આપઘાત કરનાર દેવાંશીના પિતા જેતપુર સરકારી શાળામાં શિક્ષક છે. દેવાંશી ભણવામાં હોશીયાર હતી. તે એક ભાઇથી નાની હતી.  પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ માથાના દુઃખાવાથી-માઇગ્રેનની સમસ્‍યાથી કંટાળીને તેણીએ આ પગલુ ભર્યાનું હાલ સામે આવ્‍યું છે. પરિવારજનો કે સથી છાત્રાઓએ દેવાંશીને અન્‍ય કોઇ તકલીફ હોય તેવું જણાવ્‍યું નથી. આશાસ્‍પદ અને લાડકવાયી દિકરીના આ પગલાથી પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

(11:26 am IST)