Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

વ્‍યાજખોરોએ છાત્રનું અપહરણ કર્યુઃ બેટથી ફટકારી ધમકાવ્‍યો-સોમવાર સુધીમાં તારો બાપ વ્‍યાજ ન ચુકવે તો તેનું અને તારું મર્ડર કરી નાંખશું!

વ્‍યાજ વસુલવા પોપટપરાના નૈમિષે રેલનગરના છાત્ર હર્ષ વ્‍યાસનું પેડક રોડ પર ફઇના ઘર નજીકથી અપહરણ કરી દૂકાનમાં પુરી બે સાગ્રીતો સાથે મળી બેટથી બેફામ ફટકાર્યોઃ હર્ષ પગે લાગ્‍યો અને પૈસા ચુકવી જ દેશે તેવી આજીજી કરવા લાગતાં દૂકાનમાંથી બહાર કાઢયો ત્‍યારે તક જોઇ મિત્રને બોલાવી લેતાં મુક્‍ત થયો : બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ટીમે ગુનો નોંધી ત્રણ આરોપીને સકંજામાં લીધા

 

રાજકોટ તા. ૨૫: વ્‍યાજખોરીનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં વ્‍યાજખોર શખ્‍સે રેલનગરમાં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને એંસી હજાર આઠ ટકા લેખે આપ્‍યા હોઇ તેની સામે દર મહિને ૬ હજાર લેખે રૂા. ૨,૪૦,૦૦૦ વસુલી લીધા પછી પણ વ્‍યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી. પણ હવે બે મહિનાના બાર હજાર વ્‍યાજના આ યુવાને ચુકવ્‍યા ન હોઇ તેના કારણે વ્‍યાજખોરે  આ યુવાનના ધોરણ-૧૧માં ભણતાં ૧૯ વર્ષના પુત્રને પેડક રોડ પર તે લગ્ન પ્રસંગમાં હતો ત્‍યાંથી ઉઠાવી જઇ અપહરણ કરી એક દૂકાનમાં ગોંધી રાખી બે સાગ્રીતો સાથે મળી બેટથી બેફામ ફટકાર્યો હતો અને વ્‍યાજના હપ્‍તા ચાલુ જ રાખવાના છે, તારા બાપને બોલાવ એ રૂપિયા લઇને નહિ આવે તો તને મારી નાખશું' કહી ફોનમાં બ્રાહ્મણ યુવાન સાથે વાત કરી તું પૈસા લઇને નહિ આવ તો તારા દિકરાને ગોળીએ દઇ દઇશ' તેવી ધમકી આપી હતી. અપહૃત છાત્રએ સોમવાર સુધીમાં પૈસા આપી દઇશું તેમ કહી હાથ જોડતાં પગે લાગતાં તેને મુક્‍ત કરાયો હતો. પોલીસે ત્રણ શખ્‍સોને સકંજામાં લીધા છે.

આ બનાવમાં સાધુ વાસવાણી કુંજ રોડ શીવાલી ચોક અમૃતધારા એપાર્ટમેન્‍ટ ફલેટ નં. બી-૫૦૧માં રહેતાં અને કર્ણાવતિ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ રેલનગરમાં ધોરણ-૧૧માં ભણતાં હર્ષ ચંદ્રેશભાઇ વ્‍યાસ (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે પોપટપરામાં રહેતાં નૈમિષ સોલંકી, કશ્‍યપ અને કાળુ વિરૂધ્‍ધ આઇપીસી ૩૬૫, ૩૮૬, ૩૪૨, ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪,  મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

હર્ષ વ્‍યાસે જણાવ્‍યું હતું કે હું માતા-પિતાનો એક જ દિકરો છું. મારા માતાનું નામ સ્‍મીતાબેન છે. મારા ફઇ શોભનાબેન કુમનભાઇ ધોળકીયાની દિકરી કિંજલના લગ્ન ૨૩/૨ના રોજ હતાં. અને ૨૪મીએ શુક્રવારે તેનું તેડુ હોઇ જેથી હું મારા ફઇકે જેઓ મીરા પાર્ક-૨ બ્‍લોક નં. ૭ પેડક રોડ પાણીના ટાંકા પાસે રહે છે તેની ઘરે રોકાયો હતો. જ્‍યાં બપોરે નૈમિષ સોલંકીએ ફોન કરી મને શેરીના ખુણે આવવાનું કહેતાં હું ત્‍યાં જતાં નૈમિશ કાળા એક્‍ટીવા સાથે હતો. તેણે મને કહેલું કે-બેસી જા, મારે તારે બાપા પાસેથી પૈસા લેવાના છે. જેથી હું તેના વાહનમાં બેસી જતાં તેણે ચાલુ વાહને કોઇને ફોન કર્યો હતો અને મને પાણીના ટાંકા પાસે લઇ ગયો હતો. જ્‍યાં નૈમિષનો મિત્ર કશ્‍યપ આવ્‍યો હતો. તે ગ્રે રંગની આઇ-૨૦ કાર લઇને આવ્‍યો હતો. તેમાં મને પરાણે પાછળની સીટમાં નૈમિષે બેસાડી દીધો હતો.

પોતાનું એક્‍ટીવા તેણે ત્‍યાં જ છોડી દીધુ હતું. ત્‍યારબાદ કશ્‍યપ કાર હંકારતો હતો અને નૈમિષ આગળ તેની બાજુમાં બેઠો હતો. કારને સંત કબીર રોડ ઇમિટેશન માર્કેટ પાસે લઇ જવાયેલ અને ઇમિટેશન માર્કેટમાં નીચેના માળે એક દૂકાનમાં મને લઇ જવાયો હતો. આશરે બપોરના ત્રણેક વાગ્‍યા હતાં. જ્‍યાં કાળુ નામનો એક શખ્‍સ પણ હતો. તેને નૈમિષ આ નામથી બોલાવતો હતો. દૂકાનમાં મને બેટથી નૈમિષે આડેધડ માર માર્યો હતો અને તેની સાથેના કશ્‍યપ  તથા કાળુએ મને પકડી રાખ્‍યો હતો. આ પછી નૈમિષે કહેલું કે તારા બાપને બોલાવ, છેલ્લા બે મહિનાના વ્‍યાજના રૂપિયા તેણે આપ્‍યા નથી, તે રૂપિયા લઇને આવે તો જ તને છોડીશ નહિતર પતાવી દઇશ.

આથી મેં તેને કહેલું કે મારા પિતાજીએ ૮૦ હજારની સામે તને ૨,૪૦,૦૦૦ તો આપી દીધા છે તો હવે ક્‍યાંથી હપ્‍તો આપે? આ સાંભળી નૈમિષે ફરીથી મને હાથ પર બેટ ફટકારી તમારે હપ્‍તા ચાલુ જ રાખવાના છે, તારા બાપને ગોતીને મારીશ, ફોન કર તારા બાપને' તેમ કહેતાં મેં મારા પિતાજીને ફોન લગતાં નૈમિષે વાત કરી હતી અને કહેલું કે તું અહિ આવ નહિતર તારા દિકરાને પતાવી દઇશ'. આ વાત કરી ફોન કાપી નાખ્‍યો હતો. ત્‍યારપછી મારા પિતા લાંબા સમય સુધી આવી શક્‍યા નહોતાં. જેથી નૈમિષે મને ફરીથી માર મારવાનું ચાલુ કર્યુ હતું અને પગ તથા હાથ પર આડેધડ બેટ મારવા લાગ્‍યો હતો. આ લોકો મને મારી નાંખશે તેવો ભય મને લાગવા માંડયો હતો. હું આજીજી કરતો હતો પણ માર મારવાનું આ લોકો બંધ નહોતાં કરતાં. હું ખુબ ડરી ગયો હતો. જેથી મેં તેને સોમવાર સુધીમાં વ્‍યાજનો હપ્‍તો આપી દઇશ તેમ કહેતાં અને તેને પગે લાગતાં આ લોકો મને કારમાં બેસાડી દીધો હતો અનેક ારમાં જ રાખી મુક્‍યો હતો. એ લોકો બહાર ઉભા હતાં.

ત્‍યાર પછી મેં મારા મિત્ર બીપીન મનુભાઇ વાઘેલાને ફોન કરતાં તે આવી ગયો હતો અને નૈમિષને સમજાવ્‍યો હતો. જેથી નૈમિષે મને ફરીથી ધમકી આપી હતી કે જો તારા બાપાએ સોમવાર સુધીમાં મને વ્‍યાજના હપ્‍તાના પૈસા નહિ આપ્‍યા તો મંગળવારે તારુ અને તારા પિતાનું મર્ડર કરી નાખવાનું છે. રોજે રોજ સાંજે તારા ફલેટ પાસે આવીને બેસીશ તો'ય મારો કોઇ વાળ વાંકો નહિ કરી શકે. તેમ કહી ધમકી આપી મને જવા દેતાં મને પંકજના એક્‍ટીવામાં બેસાડી જવા દીધો હતો. ત્‍યાં મારા પિતા પણ પેડક રોડ પર આવી ગયા હતાં. એ પછી અમે ફરિયાદ કરવા પહોંચ્‍યા હતાં.

હર્ષ વ્‍યાસે આગળ જણાવ્‍યું હતું કે ૨૦૧૮માં મારા પિતાએ નૈમિષ સોલંકી પાસેથી ૮૦ હજાર રૂપિયા ૮ ટકા માસિક વ્‍યાજે લીધા હતાં. દર મહિને છ હજાર મારા પિતા વ્‍યાજ ચુકવતાં હતાં. ડિસેમ્‍બર-૨૦૨૨ સુધીમાં મારા પિતાએ રૂા. ૨,૪૦,૦૦૦ ભરી દીધા છે. આમ છતાં નૈમિષ ફોન કરીને કહેતો હતો કે-તમારા કુલ રૂપિયા એમ ને એમ ઉભા છે, વ્‍યાજ તો ચાલુ જ રાખવું પડશે. મારા પિતા તેને રકમ ભરી દીધી છે છતાં શેનુ વ્‍યાજ આપવાનું તેમ પુછતાં તો કહેતો કે તો વાંધો નહિ રાજકોટમાં તમે ગમે ત્‍યાં રહો તમને અને તમારા પરિવારને ઉડાડી નાંખીશ, ભલે મારે જેલમાં જવું પડે તેવી ધમકી આપતો હતો. પણ અમે વધારાના પૈસા તેને આપ્‍યા નહોતાં આ કારણે તે વ્‍યાજની ઉઘરાણી માટે અને મારા પિતા પાસેથી બળજબરીથી નાણા મેળવવા માટે મારું અપહરણ કરી દૂકાનમાં ગોંધી રાખ્‍યો હતો અને બેટથી માર મારી ધમકી આપી હતી. તેમ વધુમાં હર્ષએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટ, હિતેષભાઇ ગઢવી, મહેશભાઇ મંઢ, હરેશભાઇ સારોડીયા, મહેશભાઇ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીઓને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે. (૧૪.૯)

હર્ષના  દાદા બિમાર હોઇ ૨૦૧૮માં ૮ ટકે ૮૦ હજાર લીધા'તા તેની સામે ૨,૪૦,૦૦૦ ચુકવ્‍યા છતાં વ્‍યાજની ઉઘરાણી થતી હતી

ઞ્જજેનું અપહરણ કરી મારકુટ કરવામાં આવી તે છાત્ર હર્ષએ જણાવ્‍યું હતું કે ૨૦૧૮માં મારા દાદા અમૃતલાલ વ્‍યાસને પેરેલીસસ એટેક આવતાં હોસ્‍પિટલમાં દાખલ કરવા પડયા હતાં. ત્રણેક લાખનું બીલ થયું હોઇ અમારા ભાણેજના રેસ્‍ટોરન્‍ટ પાસે નૈમિષ સોલંકી બેઠક ધરાવતો હોઇ જેથી મારા પિતાની તેની સાથે ઓળખાણ હોવાથી ૮૦ હજાર ૮ ટકા વ્‍યાજે લીધા હતાં. જે રકમનું અત્‍યાર સુધી ૨,૪૦,૦૦૦ વ્‍યાજ ભર્યુ છે. બે મહિનાના ૬-૬ હજાર લેખે બાર હજાર ન ભર્યા હોઇ નૈમિષે મારુ અપહરણ કર્યુ હતું અને ગોંધી રાખી બેટથી ફટકાર્યો હતો.

(2:58 pm IST)