Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

નવાગામ બસ સ્‍ટેશન સામે હર્ષદ મહેતાની ઓફીસમાં દરોડોઃ વરલી ફીચરનો જુગાર રમતા ૧૪ ઝડપાયા

કુવાડવા રોડ પોલીસના હેડ કોન્‍સ અરવિંદભાઇ મકવાણા અને કોન્‍સ નિલેશભાઇ સરવૈયાની બાતમીઃ હર્ષદ અને વિશાલ ઝાપડા જુગાર રમાડતા'તાઃ રોકડ સહિત ૬૬ હજાર મતા કબ્‍જે

રાજકોટ, તા.૨૫: નગાગામ બસ સ્‍ટેશનની સામે આવેલી એક ઓફીસમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ઓફીસના માલીક સહિત ૧૪ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ નવાગામ બસ સ્‍ટેશનની સામે વચ્‍છરાજ હોટલની પાછળના ભાગે આવેલી બે માળની ઓફીસમાં ઉપરના માળે એક હોલમાં હર્ષદ ખોડીદાસભાઇ મહેતા વરલી ફીચરનો જુગાર રમાડતો હોવાની હેડ કોન્‍સ અરવીંદભાઇ મકવાણા તથા કોન્‍સ નિલેશભાઇ સરવૈયાને બાતમી મળતા સ્‍ટાફ સાથે બે માળની ઓફીસના ઉપરના માળે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા ઓફીસ માલીક હર્ષદ ખોડીદાસભાઇ મહેતા (રહે.રાજમોતી મીલ સામે મનહરાપરા શેરી નં.૫) તથા નવાગામ આણંદપર શેરી નં.૪ના વિશાલ મનસુખભાઇ ઝાપડા, લાલપરી તળાવ પાસેના લીંબા કરશનભાઇ સોલંકી, ઉકા ગાંડુભાઇ મોરતરીયા, નવાગામ આણંદપરના તાવા બલુભાઇ અઘારીયા, અણધારી ગામના વિનોદ મેરમભાઇ સરવૈયા, નવાગામ આણંદપરના હસમુખ રવજીભાઇ પાધરીયા, કોઠારીયા રોડ નંદા હોલ શેરી નં.પના શૈલેષ રત્‍નાભાઇ શિંગાળા, માર્કેટીંગ યાર્ડ, સાગરનગરના અજીતસિંહ શીવુભા ઝાલા, હુડકો ચોકડી પાસે ઝુપડામાં રહેતા ભરત સુરજભાઇ ભીલ, માર્કેટીંગ યાર્ડ હુડકો કવાટર્સના જસવંત ભુદરભાઇ રાણપરા, નવાગામ બસ સ્‍ટેશન પાસેના મહેશ સવજીભાઇ ખવાસ અને કુવાડવા ગામના રાજુ જીવણભાઇ બાહુકીયાને પકડી લઇ આંકડા લખેલી ત્રણ ડાયરી, ૧૪ ચીઠ્ઠી અને રૂા.૨૦,૩૫૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

પોલીસે દરોડો પાડતા આનંદનગર કોલોનીનો વિપુલ વસંતભાઇ સંચાણી દોડ મુકી ઓફીસની બારીમાંથી ઠેકડો મારી ભાગવા જતા પોલીસે તેને પકડી લીધો હતો. પરંતુ તેને પગમાં દુઃખાવો થતો હોઇ સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયો હતો. ઓફીસમાં હર્ષદ અને વિશાલ જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્‍યુ છે. આ કામગીરી પીઆઇ. કે.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.ડી.વસાવા, હેડ કોન્‍સ અરવીંદભાઇ મકવાણા, કોન્‍સ રોહીતદાનભાઇ ગઢવી અને નિલેશભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.

(3:39 pm IST)