Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

એક્‍સપોર્ટ-ઇમ્‍પોર્ટના ધંધાર્થીઓ સાથે ૧૯.૫૯ કરોડની છેતરપીંડીમાં જતીન અઢીયા ૬ દિવસના રિમાન્‍ડ પર

માડાગાસ્‍કર બેઠા બેઠા ભારતથી ખાંડ, ચોખા, મેંદો, ઘઉં સહિતનો ટનબધ્‍ધ માલ મંગાવી વેપારીઓને ધૂંબો મારી દેતાંક્રાઇમ બ્રાંચ પીઆઇ બી. ટી. ગોહિલ અને ટીમે વેપારી રીકી પાબારીની ફરિયાદ નોંધ્‍યા બાદ બીજા છેતરાયેલા લોકો પણ સામે આવ્‍યા'તાઃ જતીનની પત્‍નિ ફોરમની ધરપકડ બાકી

રાજકોટ તા. ૨૩: મુળ જુનાગઢના અને વર્ષોથી ઇસ્‍ટ આફ્રિકા માડાગાસ્‍કરમાં રહેતાં યુવાને અને તેની પત્‍નિએ મળી રાજકોટના એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટના એક વેપારી પાસેથી ટનબંધ ચોખા-ખાંડ મંગાવી રૂા. ૩ કરોડ ૫૯ લાખ ૭૬ હજાર ૩૫૦નું પેમેન્‍ટ ન ચુકવી તેમજ અન્‍ય વેપારીને ૧ કરોડ ન ચુકવી અને માડાગાસ્‍કરમાં પણ એક વેપારીને ધંૂબો મારી દીધો હોઇ તેમજ પેમેન્‍ટ ચુકવી દીધાની ખોટી રસીદો બનાવી કાવત્રુ ઘડી ઠગાઇ કરતાં અને વેપારી રાજકોટથી ત્‍યાં ઉઘરાણીએ જતાં એ યુવાનની પત્‍નિને ગાળો દઇ ‘તારે અહિથી જીવતા જવું હોય તો તું પૈસા ભુલી જા' કહી ધમકી આપતાં તેમજ હાલમાં તેણી રાજકોટ આવી હોઇ વેપારીએ ઉઘરાણીનો ફોન કરતાં તેણીએ ‘હું તને છેડતીના ગુનામાં ફસાવી દઇશ, તું રૂપીયા ભુલી જ જજે' કહી ધમકી આપતાં વેપારીએ ફરિયાદ નોંધાવતા ડીસીબી પોલીસે તપાસ આરંભી હતી. તપાસમાં ૧૧ લોકો સાથે આ દંપતિએ રૂા. ૧૯ કરોડ ૫૯ લાખ ૭૬ હજાર ૩૫૦ની ઠગાઇ કર્યાનું ખુલ્‍યું છે. આરોપી પતિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં ૬ દિવસના રિમાન્‍ડ મંજુર થયા છે.

આ બનાવમાં ડીસીબી પોલીસે રેસકોર્ષ રોડ પર શ્રેયસ સોસાયટી-૨માં રહેતાં અને નાના મવા સર્કલ પાસે ધ મિલેનીયમ બિલ્‍ડીંગમાં બારમા માળે ઓફિસ નં. ૧૨૦૬માં લેગેસી ઇમ્‍પેક્ષ પ્રા.લિ. નામે ઇમ્‍પોર્ટ એક્‍સપોર્ટનો ધંધો કરતાં રીકી મુકેશભાઇ પાબારી (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી જતીન હરેશભાઇ અઢીયા તથા ફોરમબેન જતીન અઢીયા (રહે. બંને આલાપ હેરીટેઝ, સત્‍યસાઇ હોસ્‍પિટલ પાસે  મકાન નં. ડી.-૭) તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી, ૧૧૪, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ કાવત્રુ રચી વધુ પૈસા કમાવવાની લાલચ આપી રૂા. ૨,૬૬,૯૨,૮૦૦ના ૭૬૫ ટન ચોખા તથા રૂા. ૭૯,૧૮,૨૦૦ની ૫૩૦ ટન ખાંડ મળી કુલ રૂા. ૩,૫૯,૭૬,૩૫૦નો જથ્‍થો મંગાવી પૈસા પરત નહિ આપી ઉઘરાણી કરતાં ગાળોદઇ મારી નાખવાની ધમકી આપતાં તેમજ અન્‍ય બે ધંધાર્થી સાથે પણ ઠગાઇ કર્યાનો ગુનો નોંધાયો હતો.

હાલમાં જતીન અને તેની પત્‍નિ રાજકોટ રહેવા આવી ગયા હોઇ વેપારીએ ફરીથી ફોન કરી પોતાના રૂપિયાની ઉઘરાણી કરતાં જતીનની પત્‍નિ ફોરમ અઢીયાએ જો હવે પૈસાની ઉઘરાણી કરીશ તો તને છેડતીના ગુનામાં ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ મામલે ડીસીબી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હાલ એક આરોપી જતીન હરેશકુમાર અઢીયા (ઉ.વ.૩૯-રહે. આલાપ હેરીટેઝ, સત્‍યસાઇ હોસ્‍પિટલની બાજુમાં ડી-૭)ની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્‍યા મુજબ અન્‍ય લોકો સાથે પણ ૮ કરોડની ઠગાઇ થઇ હોઇ કુલ ૧૯,૫૯,૭૬,૩૫૦ની ઠગાઇ થયાની વિગતો સામે આવી હતી. જતીન અઢીયાને કોર્ટમાં રજૂ કરાતાં છ દિવસના રિમાન્‍ડ મળ્‍યા છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાના માર્ગદશર્નમાં પીઆઇ બી. ટી. ગોહિલ અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. અન્‍ય આરોપી ફોરમ જતીન અઢીયાની ધરપકડ બાકી છે. આરોપી માડાગાસ્‍કર ખાતે એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનો ધંધો કરતાં હોઇ અલગ અલગ દેશમાંથી ચોખા, ખાંડ, ઘઉ, મેંદો, હાર્ડવેર મટીરીયલ્‍સ વગેરે મંગાવી પૈસા ન ચુકવી ઠગાઇ કરતાં હતાં. તેમજ કોઇ ઉઘરાણી કરે તો જતીન અને તેની પત્‍નિ ગાળો દેતાં તેમજ વેપારીઓને ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપતાં હતાં. આ દંપતિથી હજુ પણ કોઇ છેતરાયા હોય તો ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:13 pm IST)