Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

રાજકોટમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અભિયાન: 300થી વધુ આયોજકો ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરશે

આ અભિયાન માટે 100 ટન કરતા પણ વધુ ગોબરસ્ટિક તૈયાર કરવામાં આવી

રાજકોટ ; શહેરનાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન માટે 100 ટન કરતા પણ વધુ ગોબરસ્ટિક તૈયાર કરવામાં આવી છે. અને હોલિકા દહન કરતા 300 થી વધુ આયોજકો આ ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરી હોળીનાં તહેવારની અનોખી ઉજવણી કરશે. હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આત્મનિર્ભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

 

આ અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી વૈદિક હોળી યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. અને હવે ચોથા વર્ષે પણ વૈદિક હોળી માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રથમ વર્ષે શરૂઆતમાં 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી જે બાદ બીજા વર્ષે 70 ટન, ત્રીજા વર્ષે 90 ટન અને આ વર્ષે 100 ટનથી વધુ ગોબરસ્ટિક બનાવવામાં આવી છે. આ ગોબરસ્ટિક બનાવવા માટે છેલ્લા એકાદ મહિનાથી તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં જુદી-જુદી ગૌશાળા દ્વારા ગાયોના છાણને અલગ- અલગ સ્થળેથી એકત્રિત કરી સતત કામગીરી કરવામાં આવી રહી છે.

 

વૈદિક હોળીનાં ફાયદાઓ અંગે જણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય રીતે જે ગાય દૂધ નથી આપતી. તેનો નિભાવ ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર થતા નથી. ત્યારે આવી ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નિકળે છે. જેને લઈ આવી ગાયોને ખોરાક મેળવવા માટે ભટકવું પડતું નથી ગોબરસ્ટિકનું વિતરણ રાજકોટ ઉપરાંત નડિયાદ, વડોદરા અમદાવાદ અને જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે હોલિકાદહન માટે ગોબરસ્ટિકનો ઉપયોગ કરવા માંગતા લોકોને મોબાઈલ નં. 9409692691 અને 9409692693 પર સંપર્ક કરવાની અપીલ તેમણે કરી છે.

 

ઉલ્લેખનીય છે કે, ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ગોપી ગૌ ગુરુકુળ ગૌશાળા 12 વર્ષ પહેલા માત્ર 5 ગાય સાથે શરુ કરાઇ હતી. જેમાં હાલમાં 300થી વધુ ગાયોનું જતન થાય છે. આ ગૌશાળા દ્વારા છેલ્લા 10 વર્ષથી અર્ક, નાના છાણા, અગ્નિહોત્ર યજ્ઞ માટે છાણા, સજીવ ખેતીનું વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ ગાયના શુદ્ધ ઘી-દૂધ કાચની બોટલમાં ભરી વેચવામાં આવે છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી વૈદિક હોળી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેને ગુજરાતભરમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે

(9:55 pm IST)