Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

પુરવઠાનો થોરાળામાં દરોડોઃ ગેસ રિફિલિંગનું તોતીંગ કૌભાંડ ઝડપી લીધુઃ પ૦૦થી વધુ બાટલા-રીક્ષા-મોટર-કાંટા કબ્‍જે

લાંબા સમય બાદ આળસ મરડતુ તંત્રઃ ઇન્‍ચાર્જ DSO સૂરજ સૂથાર-ઇન્‍સ્‍પેકટર કિરીટસિંહ ઝાલાનો સફળ દરોડોમુખ્‍ય કૌભાંડકાર સલીમ ગુલમામદ દિલ્‍હીથી નાના-બાટલા મંગાવતોઃ ગો-ગેસ અને ઇન્‍ડીયન ઓઇલ કંપનીના બાટલારાજકોટની ર થી ૩ એજન્‍સીની સંડોવણી હોવાની શંકાઃ કૌભાંડકારની પુછપરછ ચાલુઃ સવારથી ફરી પુરવઠાની ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇગેસ ભરી રૂા. ૪પ૦ માં બાટલાનું વેચાણ થતું હતું: કલેકટરને રીપોર્ટ કરાયોઃ મંજૂરી બાદ ફોજદારી

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે લાંબા સમય બાદ આળસ મરડી, શહેરના થોરાળા વિસ્‍તારમાં રહેણાંક - કારખાના વિસ્‍તારમાં ચાલતુ ગેસ રિફીલીંગનું તોતીંગ કૌભાંડ ઝડપી લઇ લાખો રૂપિયાની કિંમતના ૪૧૦ ખાલી બાટલા અને ૧૯ અને ર૧ કિલો ગેસ ભરેલા ૯ર મોટા બાટલા સહિત કુલ પ૧૦ બાટલા સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે કલેકટરને ઇન્‍ચાર્જ ડીએસઓ શ્રી સૂરજ સૂથારે રીપોર્ટ કરી દિધો છે, તેમજ પોલીસ ફરીયાદ અંગે કલેકટર મંજૂરી આપે બાદમાં કાર્યવાહી થશે.

ચોંકાવનારી બાબત એ છે કે થોરાળાના જે ગોદામ-ગોડાઉનમાંથી ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું તેની બાજુમાં જ મસ્‍જિદ આવેલી છે, ડેલામાં ૯ર બાટલા ભરેલા હતા, જો અકસ્‍માતે બ્‍લાસ્‍ટ થયો હોત તો મોટી જાનહાની સર્જાવાની ભીતિ ઉદભવી હતી.

પુરવઠા તંત્રે બાતમી બાદ ડીએસઓ શ્રી સૂરજ સૂથાર, ઇન્‍સ્‍પેકટરો કિરીટસિંહ ઝાલા, અમિત પરમાર અને ટીમ માજોડીનગરના ગોદામમાં ધસી ગયા હતા, અને સલીમ ગુલમામદ નામના શખ્‍સને ઝડપી લઇ પુછપરછ કરતાં. ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવ્‍યું હતું, જેમાં ૯ર ભરેલા બાટલા અને ૪૧૦ નાના બાટલા મળી આવ્‍યા હતા, કૌભાંડ કરનાર શખ્‍સે ૪ મજૂરો રાખ્‍યા હતાં, આ લોકો મોટા સિલિન્‍ડરમાંથી ઇલેકટ્રીક મોટર વડે નાના બાટલામાં ગેસ ભરતા હતાં.

મુખ્‍ય કૌભાંડકારના લેવાયેલ નિવેદનમાં તેણે દિલ્‍હીથી નાના સિલિન્‍ડર મંગાવતો હતો અને ગેસ ભરી રેંકડીવાળાઓ - ગંજીવાડા-થોરાળા  વિસ્‍તારના મજૂરોને ૪પ૦ ના ભાવે વેચતો હતો, અધિકારી સુત્રો ૩ મહિનાથી આ કૌભાંડ ચાલતુ હોવાનું ઉમેરી રહ્યા છે.

અધિકારી સુત્રોએ આજે સવારે ‘અકિલા' ને જણાવ્‍યું હતું કે આ શખ્‍સ પાસે કોઇ લાયસન્‍સ-પરવાનગી નહોતી, રાજકોટની ર થી ૩ એજન્‍સીઓની સંડોવણી ખૂલી રાહે છે, રાત્રે ૧૧ વાગ્‍યા સુધી કામગીરી ચાલી હતી, આજે એજન્‍સી બાબતે પુછપરછ થશે, હાલ કૌભાંડી શખ્‍સે કોઇનું નામ નથી આપ્‍યું, બાટલા ગો-ગેસ અને ઇન્‍ડીયન ઓઇલ કંપનીના હતા, સ્‍થળ ઉપરથી બાટલા ઉપરાંત ૬ મોટર, ૬ વજનકાંટા, એક રીક્ષા જપ્ત કરાયા હતા, દરોડાની આ કાર્યવાહીમાં પૂર્વ મામલતદાર રૂદ્ર ગઢવી પણ જોડાયા હતાં. આજે સવારે ૧૧ વાગ્‍યાથી પુરવઠાની ટીમો ફરી સ્‍થળ ઉપર પહોંચી છે, તપાસનો ધમધમાટ ચાલુ કરાયો છે.

(11:20 am IST)