Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સ્‍વાતંત્રય સેનાની તરીકેનું પેન્‍શન ચાલુ કરાવવા મનસુખભાઇ પંચાલ ૩૦ મીએ રાજયપાલ અને મુખ્‍યમંત્રીને મળશે

રાજકોટ તા. ૨૫ :  સાયકલ ઉપર ચાર ચાર વખત ભારત ભ્રમણ કરી ચુકેલા સ્‍વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ પંચાલ હાલ ૯૮ ની વયે પહોંચ્‍યા છે અને પેન્‍સન શરૂ કરવા માટે વારંવાર સરકારને અરજ કરી રહ્યા હોવા છતા બહેરા કાને અવાજ અથડાતો નથી. તાજેતરમાં રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાની વ્‍યથા ઠાલવી હતી. તેમ છતા હજુ સુધી કોઇ ન્‍યાયી વલણ અપનાવાયુ નથી. ત્‍યારે હવે આગામી તા. ૩૦ માર્ચના રાજભવન ગાંધીનગરમાં રાજયપાલશ્રી અને મુખ્‍યમંત્રીશ્રીને રૂબરૂ મળીને હજુ એક વખત રજુઆત કરનાર છે. બાદમાં ગાંધીનગરથી હરીભાઇ પટેલ અને અરવિંદભાઇ પંચાલ સાથે ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રપતિશ્રી સમક્ષ રજુઆત કરવા જનાર હોવાનું તેઓએ એક યાદીમાં જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે મુળ રાજકોટ પાસેના સરધારના વતની એવા મનસુખભાઇ શાળાઓમાં પ્રવચનો આપતા રહે છે. સાયકલ તેમનું પ્રિય વાહન છે. સાડા અગીયાર કિ.મી. નો સાયકલ પ્રવાસ ખેડી ચુકયા છે. સારા લેખક, કવિ પણ છે. ‘કવિ કુંદન' ઉપનામથી તેઓ સર્જન કરતા રહે છે. જીવનના પાછલા દિવસો વ્‍યતિત કરી રહેલ મનસુખભાઇ પંચાલ કહે છે મારૂ સ્‍વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્‍શન તાકીદે શરૂ કરવામાં આવે તે એક જ મારી માંગણી છે. જો ન્‍યાય નહીં મળે તો અન્નશન શરૂ કરવાની પણ મારી પુરી તૈયારી છે.

(11:37 am IST)