Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

એડવોકેટ રીપન ગોકાણીને મારી નાખવા પ્રયાસઃ ટોળકી સામે રાયોટીંગ, હત્‍યાની કોશિષ, ધાડ, આર્મ્‍સ એકટ હેઠળ ગુનોઃ ૪ આરોપી પકડાયા

રાજકોટના રૈયા રોડ શ્રીજીનગર રામેશ્વર ચોકમાં બનાવઃ એડવોકેટ રીપનભાઇના પડોશી શાંતિલાલ જોષીનો ભાણેજ પ્રસિધ્‍ધ માઢક ફોનમાં જોર જોરથી ગાળો બોલતો હોઇ તેને સમજાવતાં ‘હમણા આવુ છું' કહી શેરીના ખુણે ગયોઃ પછી તેના પિતા જસ્‍મીન માઢક સહિત ૬-૭ની ટોળકીએ સ્‍કોર્પિયોમાં આવી આતંક મચાવ્‍યો : હુમલાખોર જસ્‍મીન માઢકના પત્‍નિ મહિલા પોલીસમાં એએસઆઇ છેઃ ક્રાઇમ બ્રાંચે ગણતરીના સમયમાં જસ્‍મીન, ભૂપત બાંભવા, ભાવીન દેવડા અને જસ્‍મીનના સગીર પુત્રને શોધી કાઢયાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યોઃ બીજા આરોપીઓની શોધખોળ : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ સહિતના આગેવાનો બનાવ સ્‍થળે દોડી આવ્‍યા :ઓનલાઇન ઓર્ડર આપી ‘ગોલા' મંગાવ્‍યા હોઇ રીપન ગોકાણી અને મિત્રો હિતેષ, મનન ઘર બહાર બેસી ડિલીવરીની રાહ જોતા'તાઃ રીપન કારમાંથી પર્સ લેવા જતાં ત્‍યાં પડોશી શાંતિલાલ જોષીનો ભાણેજ પ્રસિધ્‍ધ માઢક ફોનમાં ગાળો બોલતો હોઇ તેને રીપન ગોકાણીએ ગાળો ન બોલવા સમજાવતાં તે ઉશ્‍કેરાયો અને પોતાના પિતા સહિતને બોલાવ્‍યા બાદ આતંક મચ્‍યો : ટોળકીએ શેરીમાં રાખેલા વાહનમાં પણ હથીયારો ફટકારી તોડફોડ કરીઃ ભારે આતંક અને દેકારાના પગલે બધા રહેવાસીઓ ઘર બહાર આવી ગયા અને ભયભીત થઇ ગયા :કોર્પોરેટર જયમીન ઠાકરે સીપી, ડીસીપીને ફોનથી જાણ કરતાં પોલીસના ધાડા ઉતર્યા :એક શખ્‍સે છરી કાઢી ઘા ઝીંકતા રીપન ગોકાણી દૂર હટી જતાં બચી ગયાઃ ટી-શર્ટમાં કાપો પડી ગયો : એ પછી જસ્‍મીન માઢકે નેફામાંથી તમંચો કાઢી તાંકતા જીવ બચાવવા રીપન ગોકાણી ભાગ્‍યા :એક શખ્‍સ રીપન ગોકાણીના ગળામાંથી અઢી તોલાનો સોનાનો ચેઇન લૂંટી લીધો



 જાણીતા ધારાશાષાી તુષાર ગોકાણીના ઘર પર ટોળકીનો આતંક : રવિવારે રાત્રે શહેરના જાણીતા ધારાશાષાી તુષારભાઇ ગોકાણીના ઘર પર હુમલાની ઘટનાની જાણ થતાં મોટી સંખ્‍યામાં વકિલો દોડી ગયા હતાં. લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ સહિતના પણ પહોંચ્‍યા હતાં. જ્‍યાં હુમલો થયો હતો તે રૈયા રોડ આમ્રપાલી પાછળ શ્રીજીનગરમાં આવેલુ ગોકાણી પરિવારનું રહેણાંક અને રાત્રે ઘટના સ્‍થળે પોલીસના ધાડા તથા લોકો જોઇ શકાય છે. નીચેની તસ્‍વીરમાં તુષારભાઇના પિતાજી મહેશભાઇ ગોકાણી, જેના પર હુમલો થયો તે તુષારભાઇના નાના ભાઇ રીપનભાઇ ગોકાણી, પિત્રાઇ ગોૈરાંગ ગોકાણી અને પોલીસ બંદોબસ્‍ત જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૫: રૈયા રોડ પર જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગરમાં રહેતાં જાણીતા એડવોકેટ તુષારભાઇ ગોકાણીના નાના ભાઇ એડવોકેટ રીપનભાઇ ગોકાણી, પિતા મહેશભાઇ ગોકાણી, તુષારભાઇના પત્‍નિ હેતલબેન અને પિત્રાઇ ગોૈરાંગ ગોકાણી તેમજ એક પડોશી પર મહિલા એએસઆઇના પતિ સહિતની ટોળકીએ કાળી સ્‍કોર્પિયોમાં આવી છરી, બેઝબોલના ધોકાથી હુમલો કરી આતંક મચાવી તેમજ રીપનભાઇનો સોનાનો ચેઇન લૂંટી લઇ તેને છરી ઝીંકવાનો પ્રયાસ કરી, તમંચો તાંકી મારી નાંખવાનો પ્રયાસ કરી ભયાનક આતંક મચાવતાં આખી શેરીના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. મહિલા એએસઆઇના પુત્રને ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હોઇ બસ એ કારણે આ ધમાલ મચાવાઇ હતી. પોલીસે રાયોટ, હત્‍યાની કોશિષ, ધાડ, આર્મ્‍સએક્‍ટનો ગુનો નોંધ્‍યો છે. ક્રાઇમ બ્રાંચે રાતે જ મુખ્‍ય આરોપી સહિત ચારને સકંજામાં લઇ લીધા છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ જુની આમ્રપાલી સિનેમા પાછળ શ્રીજીનગર શેરી નં. ૭ ‘શ્‍યામગોવિંદ' નામના મકાનમાં રામેશ્વર મહાદેવ મંદિર સામે રહેતાં શહેરના ખુબ જાણીતા એડવોકેટ રીપનભાઇ મહેશકુમાર ગોકાણી (લોહાણા) (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી પ્રસિધ્‍ધ માઢક, જસ્‍મીન માઢક અને બીજા છ થી સાત શખ્‍સો સામે આઇપીસી ૩૦૭, ૩૯૫, ૩૯૭, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્‍સ એક્‍ટની કલમ ૨૫ (૧), બીએ તથા જીપીએક્‍ટ ૧૩૫ (૧) મુજબ રાયોટીંગ, હત્‍યાની કોશિષ, ધાડ અને તમંચો બતાવી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધી ત્રણ મુખ્‍ય આરોપીઓને રાતોરાત ક્રાઇમ બ્રાંચે રેસકોર્ષ રીંગ રોડ પરથી દબોચી લીધા છે.
બનાવની પ્રાપ્‍ત વિગત મુજબ રવિવારે રાત્રીના સવા દસ સાડા દસેક વાગ્‍યે એડવોકેટ તુષારભાઇ ગોકાણીના ઘરે હુમલો થયાની જાણ થતાં અને ટોળકીએ અડોશી પડોશીના ઘરમાં પણ ધમાલ મચાવી વાહનમાં તોડફોડ કર્યાની જાણ થતાં ભાજપના વોર્ડ નં. ૨ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ કમિટીના સભ્‍ય જયમીનભાઇ ઠાકર સહિત દોડી ગયા હતાં. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલને જાણ કરતાં થોડીવારમાં જ એસીપી પી. કે. દિયોરા, પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જનકસિહ રાણા, હીરાભાઇ રબારી સહિતનો કાફલો અને ડી. સ્‍ટાફની ટીમો તથા ક્રાઇમ બ્રાંચ એસીપી ડી. વી. બસીયા, પીઆઇ જે. વી. ધોળા સહિતની ટીમોના ધાડેધાડા ઉમટી પડયા હતાં અને તપાસ શરૂ કરી હતી.
છરી, ધોકાથી હુમલો થયો હોઇ ઘાયલ થયેલા એડવોકેટ તુષારભાઇ ગોકાણીના પિતા મહેશભાઇ ગોવિંદભાઇ ગોકાણી (ઉ.વ.૬૬), ભાઇ રિપનભાઇ મહેશભાઇ ગોકાણી (ઉ.૩૬), તુષારભાઇના પત્‍નિ હેતલબેન ગોકાણી (ઉ.૩૯), રીપનભાઇના પડોશી મનન હેમાંગભાઇ જાની (ઉ.૨૫) અને પિત્રાઇ ગોૈરાંગ પ્રફુલભાઇ ગોકાણી (ઉ.૨૯)ને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગાંધીગ્રામ પોલીસમાં એન્‍ટ્રી નોંધાવી હતી. અહિ પ્રાથમક પુછતાછમાં પોતાના પર પ્રસિધ્‍ધ માઢક, જસ્‍મીન માઢક અને અજાણ્‍યાએ કાળી સ્‍કોર્પીયોમાં આવી ઝઘડો કરી છરી, ધોકા, ધારીયાથી હુમલો કર્યાનું જણાવ્‍યું હતું.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાએ એડવોકેટ રીપનભાઇ ગોકાણીની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે જસ્‍મીન બાલાશંકરભાઇ માઢક (ઉ.વ.૪૫) (રાજગોર બ્રાહ્મણ), તેની સાથેના ભૂપત લીંબાભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.૩૦), ભાવીન બહાદુરસિંહ દેવડા (રજપૂત) (ઉ.૨૨) અને જસ્‍મીનના સગીર પુત્રને રેસકોર્ષ રીંગ રોડ પરથી સકંજામાં લઇ લીધા હતાં.
રીપનભાઇ ગોકાણીએ વિગતો જણાવતાં કહ્યું હતું કે હું મારા પિતા મહેશભાઇ, માતા ચંદ્રાબેન, મોટા ભાઇ એડવોકેટ તુષારભાઇ, તેમના પત્‍નિ હેતલબેન સાથે સંયુક્‍ત પરિવારમાં રહુ છું અને ૧૪ વર્ષથી વકિલાત કરુ છું. મારી ઓફિસ ધરમ સિનેમા પાસે પ્રશમ બિલ્‍ડીંગમાં ઓફિસ નં. ૬૦૬માં આવેલી છે. રવિવારે ૨૪/૪ના રાતે સાડા દસેક વાગ્‍યે હું તથા મારા પડોશી હિતેષ ધનવાણી, મનન હેમાંગભાઇ જાની એમ બધા મારા ઘર બહાર બેઠા હતાં. મેં ઝોમેટો મારફત ગોલાનો ઓર્ડર આપ્‍યો હોઇ હોમ ડિલીવરીની રાહ જોતાં હતા. ગોલા આવવાના હોઇ જેથી હું ઉભો થઇ મારી ગાડીમાંથી મારુ પર્સ લેવા ગયો હતો.
ત્‍યાં પડોશી શાંતિભાઇ જોષીનો ભાણેજ પ્રસિધ્‍ધ માઢક બાઇક નં. જીજે૦૩કેએમ-૨૨૮૮ લઇને ફોનમાં જોર જોરથી ગાળો બોલતો હોઇ મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્‍કેરાઇ ગયો હતો અને  ‘તું ઉભો રહે, હું હમણા આવું છું' તેમ કહી ફોનમાં વાત કરતો કરતો શેરના ખુણા પર જઇ ઉભો રહી ગયો હતો. એ પછી મારા ઘરમાંથી મારા પિતાજી મહેશભાઇ, ભાભી હેતલબેન અને મારા પિત્રાઇ ગોૈરાંગ ગોકાણી   ઘરની બહાર આવી ગયા હતાં.
થોડીવાર બાદ એક કાળા કલરની સ્‍કોર્પીયો જીજે૦૩એલબી-૨૨૮૮ આવી હતી અને અમે અમારા ઘર પાસે બેઠા હોઇ ત્‍યાં ઉભી રહી હતી. તેમાંથી પ્રસિધ્‍ધ માઢકના પિતા જસ્‍મીન માઢક તથા બીજા છ સાત શખ્‍સો હાથમાં બેઝબોલના ધોકા, છરી, ધારીયા સાથે નીચે ઉતર્યા હતાં. અમે કંઇ બોલીએ, સમજીએ એ પહેલા જ આ લોકોએ ગાળો દઇ મારા પર તથા મારા પિતાજી મહેશભાઇ, પિત્રાઇ ગોૈરાંગ અને ભાભી હેતલબેનને ઢીકાપાટુનો માર મારી બેઝબોલના ધોકાના ઘા ફટકારવાનું ચાલુ કરી દીધું હતું. અમને બચાવવા માટે પડોશી હિતેષભાઇ ધનવાણી, મનન જાની વચ્‍ચે પડતાં તેઓને પણ આ શખ્‍સોએ ઢીકાપાટુ અને બેઝબોલના ધોકાથી ફટકાર્યા હતાં.
હુમલાખોરો પૈકી એક શખ્‍સના હાથમાં છરી હતી. તેણે મારાપેટમાં જમણી તરફ પડખા પાસે ઘા કરતાં હું ખસી જતાં મને ઘા લાગ્‍યો નહોતો. મારા ટી-શર્ટમાં કાપો પડી ગયો હતો. આ છરીવાળા શખ્‍સે મારા ગામાંથી અઢી તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી લીધો હતો. આ શખ્‍સો ‘આજે તો રીપન વકીલને પુરો કરી દેવો છે' એવું બોલતાં હતાં. એ દરમિયાન જસ્‍મીન માઢકે તેના પેન્‍ટના નેફામાંથી તમંચો કાઢી મારી સામે તાંક્‍યો હતો. જેથી હું જીવ બચાવવા દોડીને ભાગતાં આ લોકો હથીયારો સાથે મારી પાછળ દોડયા હતાં. આ શખ્‍સોમાંથી બે ત્રણ જણા દોડાદોડીમાં નીચે પડી ગયા હતાં. માણસો ભેગા થતાં પોતાની પાસે રહેલા હથીયારોથી શેરીમાં પડેલા વાહનમાં હથીયાર ફટકારી તોડફોડ કરી હતી.
ભારે દેકારો થતાં શેરીના બધા રહેવાસીઓ બહાર નીકળી ભેગા થઇ જતાં આ બધા શખ્‍સો ભાગી ગયા હતાંઉ મને વાંસા અને ગળાના ભાગે, સાથળના ભાગે મુંઢ ઇજાઓ થઇ હતી. મારા પિતાશ્રી, ભાભી અને પિત્રાઇ ભાઇ તથા પડોશી મનને પણ મુંઢ ઇજાઓ થઇ હતી. જેથી અમને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
એડવોકેટ રીપનભાઇ ગોકાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે હું અને મિત્રો ઘર પાસે બેઠા હતાં ત્‍યારે પડોશી શાંતિભાઇ જોષીનો ભાણેજ પ્રસિધ્‍ધ માઢક અમારા ઘર પાસે ફોનમાં બેફામ ગાળો બોલતો હોઇ તેને ગાળો નહિ બોલવા કહેતાં તે ઉશ્‍કેરાયો હતો અને થોડીવાર બાદ તેના પિતા સહિતના શખ્‍સો ટોળકી રચીને આવ્‍યા હતાં અને આતંક મચાવી ઢીકા પાટુ, બેઝબોલના ધોકાથી માર મારી, મારો સોનાનો ચેઇન લૂંટી લઇ તેમજ છરીથી હુમલો કરી અને જસ્‍મીને નેફામાંથી તમંચો કાઢી મારી સામે તાંકી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
પીઆઇ જે. ડી. ઝાલા, પીએઅસાઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધ્‍યો હતો. જસ્‍મીન માઢક સહિત ચાર આરોપીને ક્રાઇમ બ્રાંચે સકંજામાં લઇ લીધા છે. જસ્‍મીનના પત્‍નિ મહિલા પોલીસ સ્‍ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. બનાવની જાણ થતાં લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, બાર એસોસિએશનના સભ્‍યો સહિતના વકિલો મોટી સંખ્‍યામાં બનાવ સ્‍થળે અને હોસ્‍પિટલે દોડી ગયા હતાં. પડોશીઓના કહેવા મુજબ જે રીતે જસ્‍મીન માઢક સહિતે આતંક મચાવ્‍યો હતો એ જોઇ તમામ રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસ આરોપીઓને કબ્‍જો સંભાળી બીજા આરોપીઓની તપાસ કરશે. (૧૪.૬)

હુમલામાં પાંચને ઇજા થઇ
હુમલામાં રીપનભાઇ ગોકાણી, તેમના પિતા મહેશભાઇ ગોકાણી, ભાભી હેતલબેન તુષારભાઇ ગોકાણી, પિત્રાઇ ગોૈરાંગ ગોકાણી અને પડોશી મનન જાનીને મુંઢ ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતીઃ વહેલી સવારે તમામને રજા આપવામાં આવી

મહિલા એએસઆઇના પતિ જસ્‍મીન માઢક પાસે તમંચો ક્‍યાંથી આવ્‍યો? તેની તપાસ
એડવોકેટ રીપન ગોકાણીએ જણાવ્‍યા મુજબ જસ્‍મીન માઢકે નેફામાંથી તમંચો કાઢી તેની સામે તાંકી દીધો હતો અને મારી નાંખવા પ્રયાસ કરતાં પોતે દોટ મુકી ભાગ્‍યા હતાં. મહિલા એએસઆઇના પતિ જસ્‍મીન પાસેનો તમંચો ગેરકાયદે હોઇ તે અંગે પણ પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.

 

(11:18 am IST)