Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

આકાશમાંથી વરસતી અગનવર્ષા તાપમાનનો પારો ઉંચો

સવારથી ધોમધખતો તાપ : લોકો ગરમીથી ત્રાહીમામ : બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર અગનવર્ષા થઇ રહી છે અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચે જવા લાગ્‍યો છે.

અમદાવાદ સહિત રાજ્‍યના અનેક શહેરોમાં હીટ વેવની સ્‍થિતિ વચ્‍ચે ગરમી સતત વધી રહી છે ત્‍યારે શનિવારની સરખામણીમાં રવિવારે ગરમીનો પારો ઉંચકાયો હતો. મહત્તમ તાપમાન ૪૩.૩ ડિગ્રીએ પહોંચી જતા અમદાવાદ રાજ્‍યનું સૌથી ગરમ શહેર બન્‍યું હતું.

ગરમીના રૌદ્ર રૂપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્‍યારે ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી પર પહોંચી ગયો હતો.

રાજ્‍યના સૌરાષ્‍ટ્ર, ગીર, સોમનાથ, વલસાડ, કચ્‍છ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં હીટ વેવની વકી છે. જેના કારણે આગામી દિવસો દરમિયાન રાજ્‍યના વિવિધ શહેરના તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની શક્‍યતા છે. હવામાન વિભાગની આગાહી જોતા આગામી દિવસો દરમિયાન લોકોને કાળઝાળ ગરમીથી કોઇ રાહત મળે તેવી શક્‍યતા દેખાઇ રહી નથી. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ની આસપાસ રહે તેવી શક્‍યતા છે.

રાજ્‍યના મોટાભાગના શહેરના મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ લોકોએ કર્યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૯.૫ મહત્તમ, ૨૫ લઘુત્તમ, ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(4:21 pm IST)