Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

કિંજલ દવેના લોકડાયરામાં બઘડાટીઃ સુરત-રાધનપુરમાં ખુરશીઓ અને ગાદલા ઉછાળતા કાર્યક્રમ થોડી વાર બંધ રાખવો પડયો

ધમાચકરડી મચાવનાર શખ્‍સો દારૂના નશામાં હોવાનો આયોજકોનો દાવો

રાજકોટઃ કિંજલ દવેના એક કાર્યક્રમમાં પ્રેક્ષકોએ ખુરશીઓ-પાણીની બોટલ ઉછાળી હતી. અનેક ખુરશીઓ તોડી નાખી હતી.

ગુજરાતમાં ડાયરા દરમિયાન નોટો કે ડોલરનો વરસાદ થવો તે કોઇ નવાઇની બાબત નથી. જો કે હવે લોકો ડાયરામાં ભાન ભુલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગત્ત રાત્રે કિંજલ દવેના એક કાર્યક્રમમાં દર્શકો દ્વારા ખુરશીઓ ફગાવવામાં આવી હતી. ચાહકો ઝુમી ઉઠ્યા હતા. ચાહકો દ્વારા ખુરશીનો મોટો ઢગલો કરીને તેની પર ચડ્યા હતા. આ ઉપરાંત વધેલી ખુરશીઓ ઉછાળવા લાગ્યા હતા. જેના કારણે કાર્યક્રમમાં સેંકડો ખુરશીઓનો ખુરદો બોલી ગયો હતો. છાકટા થયેલા લોકોએ અનેક ખુરશીઓ તોડી નાખી હતી.

આવી જ એક બીજી ઘટના સુરતમાં બની હતી. સુરતમાં પણ આયોજીત થયેલા એક ડાયરામાં પાણીની બોટલો અને ગાદલાઓ ઉછળ્યા હતા. અનેક અસામાજિક તત્વો દ્વારા ડાયરામાં પાણીની બોટલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આટલેથી નહી અટકતા લોકોને બેસવા માટે પાથરવામાં આવેલા ગાદલાઓ પણ ઉછાળવામાં આવ્યા હતા. જેના પગલે ડાયરાના આયોજકો દ્વારા થોડા સમય માટે ડાયરો અટકાવવાની ફરજ પડી હતી. આયોજકો દ્વારા આરોપ લગાવાયો કે આ લોકો દારૂ પીને આવ્યા હતા. કાર્યક્રમ બગાડવાના ઇરાદા સાથે જ આવ્યા હતા.

જો કે જે પ્રકારે પાણીની બોટલો અને ગાદલા ઉછળવા લાગ્યા હતા. તેના પગલે આયોજકો અને શ્રોતાઓ વચ્ચે માથાકુટ થઇ હતી. જેના પગલે ડાયરો અટકાવવાની પણ ફરજ પડી હતી. આ ઉપરાંત પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જો કે તેટલા સમયમાં જ આ તત્વો ફરાર થઇ ગયા હતા. ધમાચકડી મચાવનારા લોકો દારૂના નશામાં હોવાનો દાવો આયોજકો દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ તો આ ઘટનાક્રમ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

(5:38 pm IST)