Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આજથી ‘હોમવોટ' અભિયાન : ઘરે-ઘરે મતદાન લેવાનું શરૂ

૮પ વર્ષથી વધુ વયના અને દિવ્‍યાંગ મતદારોનું મતદાન લેવા બીએલઓ અને તેમની ટીમો ઉતરી પડીઃ ૪ દિવસનું ખાસ અભિયાન : પાસા-હદપારીના કેદીઓ જે જેલમાં હશે ત્‍યાં તેમનું પોસ્‍ટલ બેલેટથી મતદાન લેવાશેઃ રાજકોટ શહેર-જીલ્લા માટે અર્ધ લશ્‍કરી દળોની ૬-૬ કંપની મંગાઇ છે : ર૭ મીથી જે તે વિધાનસભાના પ્રાંત-મામલતદારો ચૂંટણીમાં રોકાયેલ સ્‍ટાફનું તાલીમ દરમિયાન પોસ્‍ટલ બેલેટથી મતદાન કરાવી લેશે...

રાજકોટ તા. રપ :.. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન કરાવવા અંગે કલેકટર તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે, કોઇપણ મતદાર મતદાનથી વંચિત ન રહે, અને નિર્ભયતાથી મતદાન કરી શકે તે અંગે તંત્ર વ્‍યવસ્‍થા કરી રહ્યું છ.ે

દરમિયાન ચૂંટણીના એડી. કલેકટર શ્રી નારણ મુછારે આજે ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્‍યું હતું કે આજથી અમારૂ ૪ દિવસ માટે ‘હોમવોટ' અભિયાન શરૂ કરાયું છે, જેમાં પંચના નિયમો મુજબ જે ૮પ વર્ષથી વધુ વયના છે, અને દિવ્‍યાંગ મતદારો છે, અને આ લોકોએ હોમવોટની મંજૂરી આપી છે, તે લોકોનું ઘરે-ઘરે મતદાન લેવાનું શરૂ કરાયું છે, આ માટે બીએલઓ અને તેમની ટીમો ઉતરી પડી છે, આ ૪ દિવસનું ખાસ અભિયાન રહેશે.

શ્રી નારણ મૂછારે જણાવેલ કે આવા લોકો અંદાજે ર હજાર આસપાસ મતદારો છે, જેમનું મતદાન લેવાઇ રહ્યું છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ શહેર - જીલ્લામાં ૮પ થી વધુ વયના ૧૮૯૪૧, તો દિવ્‍યાંગ મતદારો ૧ર૬૭૪ નોંધાયેલ છે, આમાંથી જેમણે ‘હોમવોટ' અંગે ફોર્મ ભરી મંજૂરી આપી છે તેવા ૧પ૦૦થી ર હજાર લોકોનું મતદાન કલેકટર તંત્ર આજથી કરાવી રહ્યું છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, પાસા-હદપારી અંગેના જે કેદીઓ જે જેલમાં હશે તેવા કેદીઓનું મતદાન પોસ્‍ટલ બેલેટથી કરાવી લેવાશે, પોલીસ - એસઆરપીનું પણ વોટીંગ કરાવી લેવા સુચના આપી છે.

તેમણે જણાવેલ કે રાજકોટ શહેર, જીલ્લામાં અર્ધ લશ્‍કરી દળોની ૬-૬ કંપની મંગાઇ છે, કેટલી ફાળવાશે તે હવે જાણ થશે.

કલેકટરે ઉમેર્યું હતું કે ર૭ મીથી જે તે વિધાનસભા બેઠકના પ્રાંત-મામલતદારો ચૂંટણીમાં રોકાયેલ સ્‍ટાફનું તાલીમ દરમિયાન પોસ્‍ટલ બેલેટથી મતદાન કરાવી લેશે, આ માટે તાલીમ સ્‍થળે તથા પ્રાંત કચેરી એમ બે સ્‍થળે મતકુટીએ ઉભી કરાશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે હીટવેવની ચેતવણી છે, મે મહિનામાં કેવી ગરમી રહેશે તે હવે ફોરકાસ્‍ટ મળશે, પરંતુ મતદાન મથકો બહાર મતદારો માટે છાંયડો નાખવા સહિતની બાબતો આવરી લેવાઇ છે, આ માટે એનસીસીના કેડેટોની વોલયન્‍ટર્સ તરીકે સેવા લેવાશે, પંચ દ્વારા પણ છાંયડો સહિતની કાળજી લેવા અંગે સૂચના અપાઇ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે બહારના જીલ્લાના જે રાજકોટમાં કર્મચારીઓ છે તેમનું આખુ એક લીસ્‍ટ ગાંધીનગર સેન્‍ટ્રલી એકસચેન્‍જ માં ર૭ મીએ જશે, ત્‍યાં આપલે થશે, અને ૧૧ મીએ આ પોસ્‍ટલ બેલેટથી થયેલ મતદાન ફરી સેન્‍ટ્રલી એકસચેન્‍જ મેળામાં આવશે. અને ત્‍યાંથી રાજકોટ સહિતના જીલ્લાઓમાં વિભાજન થશે.

(2:50 pm IST)