Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પરમાર્થ માટે ખજાનો ખુલ્લો મૂકનારા દાનવીર દીપચંદભાઇ ગારડીનો જન્‍મદિન

ભારત ભામાશાને શ્રધ્‍ધાસુમન અર્પતા મુકેશ દોશી

રાજકોટ : સૌરાષ્‍ટ્રના દાનવીર, જૈન શ્રેષ્ઠિ, ભારત ભામાશા પુ. દીપચંદભાઈ ગારડીનો આજે ૧૧૦ મો જન્‍મદીવસ છે ત્‍યારે સમગ્ર સૌરાષ્‍ટ્ર આજે પણ તેને ભાવથી યાદ કરે છે.  દીપચંદભાઈનું વતન પડઘરી હતું પણ આ તેઓએ સમગ્ર ભારતને પોતાનું વતન ગણી જયાં જરૂર જણાય ત્‍યાં દીન દુઃખીયાની સેવા કરી ભારતભરનાં અસંખ્‍ય રાજયોમાં આજે પણ પુ. દીપચંદભાઈની સેવા સતત ધબકે છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સ્‍કૂલો, હોસ્‍પિટલો, મંદીરો, મસ્‍જીદિો, અનાથ આશ્રમ, વળધ્‍ધાશ્રમ, ધર્મશાળાઓ, છાત્રાલયો, શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરી દીપચંદભાઈ એક મહામાનવ તરીકે ઉપસી આવ્‍યા.ગુજરાતનાં ૧૮ હજાર ગામડામાંથી ભાગ્‍યે જ કોઈ એવું ગામ હશે જયાં દીપચંદભાઈ ગારડીએ પોતાના દાનની સરવાણી વહાવી ન હોય. એટલે જ ગુજરાત સરકારે તેને સ્‍ટેટ ગેસ્‍ટ જાહેર કરેલ.

મધ્‍યપ્રદેશનાં ઉજૈન ખાતે શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડીનાં નામથી ૧૦૦૦ બેડની હોસ્‍પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા દીપચંદભાઈ ગારડી દ્વારા ઉભી કરવામાં આવી છે. અતિ પછાત અને અંતરીયાળ વિસ્‍તારમાં મેડીકલ સુવિધા મળી રહે એ માટે ઊભી કરવામાં આવેલ આ હોસ્‍પિટલમાં કેશ કાઉન્‍ટર જ નથી. તમામ પ્રકારની સારવાર વિનામુલ્‍યે દર્દીઓને મળી રહે છે. કદાચ ભારતભરમાં આવી હોસ્‍પિટલ સૌ પ્રથમ હશે. આજે પણ આ હોસ્‍પિટલમાં તેમનાં જયેષ્ઠ પુત્ર ડો. રશ્‍મીકાંતભાઈ ગારડી પોતાની સેવા આપી રહ્યા છે. સૌરાષ્‍ટ્રનું વિશ્વ વિદ્યાલય સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની સખાવત કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને ફોર સ્‍ટાર યુનિવર્સિટીનો દરજજો અપાવવામાં તેમનો સિંહ ફાળો છે. તત્‍કાલિન કુલપતિશ્રી ડો.કનુભાઈ માવાણી અને ત્‍યારપછીના કુલપતિશ્રીઓ સાથે રહી તેઓએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં અસંખ્‍ય ભવનોનું નિર્માણ આધુનિકરણ કરી કરોડો રૂપિયાનું સંખાવત કરી હતી.

સૌરાષ્‍ટ્રનાં માંગરોળ પાસે આવેલ શારદાગામ સ્‍થિત ભવ્‍ય શૈક્ષણિક સંકુલ, મહારાષ્‍ટ્રના સોલાપુર પાસે આવેલ પોસ્‍ટીટયુટનાં બાળકો માટે બનાવાયેલ આશ્રમ, અમદાવાદ, પુના અને મુંબઈ ખાતેનાં જૈન ભવનો સહીતનાં સેવા પ્રકલ્‍પો આજે પણ સતત પ્રવળતિથી ધમધમતા રહે છે. કરોડો લોકોના આશીવાઁદ મેળવી ૯૮ વર્ષેની જૈફ વયે છેલ્લે સુધી સતત પ્રવળત રહી આવનારી પેઢીને નવો રાહ બતાડનાર પુ. દીપચંદભાઈ ગારડી આજે હયાત નથી પણ તેને ભાવી પેઢી વર્ષો સુધી યાદ કરશે એ હકીકત છે.પુ. દીપચંદભાઈ ગારડીના પુત્રો રશ્‍મીકાંતભાઈ-હસમુખભાઈ પુત્રવધુઓ ચંદ્રીકાબેન-સુરેખાબને પૌત્રો બીનોય તેમજ હીતેનભાઈ અને સમગ્ર પરિવાર આજે પણ જયાં જરૂર પડે ત્‍યાં સેવાની જયોત જલતી રાખી તેને વારસામાં મળેલ સંસ્‍કારોને ઉજાગર કરે છે.

પુ.ગારડી સાથેનાં મારા વ્‍યક્‍તિગત વર્ષોનાં સંબધોને યાદ કરી આ યુગપુરૂષને શ્રધ્‍ધાસુમન કરી કોટી કોટી વંદન કરૂ છું

 

 

(3:10 pm IST)