Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ભારતનગરની પોણા લાખની ચોરીનો ભેદ ખુલ્‍યોઃ થોરાળા પોલીસે બિહારીને દબોચ્‍યો

મોજશોખ માટે ભરબપોરે બંધ મકાનના તાળા તોડી ચોરી કરવાની આદત : ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાધવની સુચના મુજબ પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ જે. એમ. પરમાર, એમ. એસ. મહેશ્વરીની ટીમની કામગીરી : હેડકોન્‍સ. જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામાની બાતમી :રાજાકુમાર શાહ અગાઉ પણ બે ચોરીમાં પકડાયો હતોઃ ૮૫ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૫: શહેરના થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના ભારતનગરમાં દસ દિવસ પહેલા હીનાબેન ઉત્તમભાઇ પટેલના બંધ મકાનના તાળા તોડી તસ્‍કરો રોકડા ૬૦ હવજાર, ચાંદીના સાંકળા, મોબાઇલ ફોન મળી ૭૫ હજારની ચોરી કરી ગયા હતાં. આ ચોરીનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા મુળ બિહારના બાકા જીલ્લાના રજોન તાબેના ગોપાલપુર ગામના અને હાલ વેલનાથ જડેશ્વર સોસાયટી-૨માં રહેતા રાજાકુમાર પ્રદિપભાઇ શાહ (ઉ.વ.૨૪)ને દબોચી લઇ રોકડા ૫૦ હજાર, ત્રણ મોબાઇલ ફોન, ચાંદીના સાંકળા મળી ૮૫ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ચોરીના અનડિટેક્‍ટ ગુના ઉકેલવા થોરાળા પોલીસની ટીમ કાર્યરત હતી ત્‍યારે હેડકોન્‍સ. જયદિપસિંહ જાડેજા તથા હસમુખભાઇ નિનામાને મળેલી બાતમી પરથી અમુલ સર્કલથી આગળ ૮૦ ફુટ રોડ પરથી પકડી લીધો હતો. અંગજડતી કરતાં રોકડ, સાંકળા વગરે મળતાં આ અંગે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. તેના નામને આધારે ઇ-ગુજકોપમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તે અગાઉ આજીડેમ પોલીસના ચોરીના બે ગુનામાં પકડાઇ ગયાની વિગતો ખુલી હતી. આથી આકરી પુછતાછ કરતાં દસ દિવસ પહેલા ભારતનગરના મકાનમાંથી ૬૦ હજારની રોકડ, સાંકળા મળી ૭૫ હજારની માલમત્તા મોજશોખ માટે ચોરી હોવાની કબુલાત આપતાં તેની ધરપકડ કરી હતી.

આ શખ્‍સ છુટક મજૂરી કામ કરે છે અને મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતો રહે છે. મોટે ભાગે તે બપોરના સમયે જ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ચોરી કરવાની આદત ધરાવે છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ જે. એમ. પરમાર, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ હિતુભા એમ. ઝાલા, આર. એસ. મેર, હેડકોન્‍સ. પ્રકાશભાઇ ખાંભરા, કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નિનામા, વિમલભાઇ ધાણજા, જયદિપસિંહ જાડેજા, કોન્‍સ. સંજયભાઇ અલગોતર અને પ્રકાશભાઇ ચાવડા તથા હોમગાર્ડ અક્ષીત વ્‍યાસે આ કામગીરી કરી હતી.

(3:40 pm IST)