Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

તહેવારો આવી ગયા પણ ગરીબોને વધારાની ખાંડ અને કપાસીયા તેલ હજુ નથી મળ્યું: કયારે આવશે તે નકકી નથી!!

૩ લાખ ગરીબ કાર્ડ હોલ્ડરોમાં દેકારોઃ સાતમ-આઠમના તહેવારની ખાંડ હવે અપાય છે બોલો...!!

રાજકોટ તા. રપ :.. રાજયનું પુરવઠા ખાતું ગોટે ચડી ગયું છે, એક બાજુ મગફળીનું રજીસ્ટ્રેશન ચાલુ છે, તો બીજી બાજૂ રાજકોટ શહેર-જીલ્લાના ૩ લાખ એનએફએસએ કાર્ડ હોલ્ડરોને વડાપ્રધાન યોજનાનો અને દર મહિને રાહત દરે આપવાના થતા ઘઉં - ચોખા - તુવેરવા-મીઠૂ-ખાંડનું વિતરણ ચાલુ છે.

આ વિતરણ ચાલુ છે છતાં ૩ લાખ ગરીબ કાર્ડ હોલ્ડરોમાં ભારે દેકારો મચી ગયો છે, કારણ કે સરકારે મોટા ઉપાડે દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાહતદરે રૂ. ૯૩ ના ભાવે ૧ કિલો કપાસીયા તેલ તથા રાહતદરે ૧ કિલો વધારાની  ખાંડ આપવાની જાહેરાત કરી હતી.

પરંતુ તહેવારો આવી ગયા... માંડ ૬ થી ૭ દિવસ બાકી છે, પરંતુ હજુ સુધી રાજકોટ શહેર-જીલ્લા માટેનો ખાંડ અને તેલનો વધારાનો જથ્થો હજુ આવ્યો નથી, પરીણામે આ જથ્થાનું વિતરણ નહી થતા ગરીબોમાં  ભારે દેકારો બોલી ગયો છે, એટલુ જ નહી આ ખાંડ અને તેલ કયારે આવશે તે પણ નકકી નથી, પરીણામે જો આવે તો પણ તહેવારો ઉપર કંઇ કામ ન લાગે તેવી સ્થિતિ સર્જાશે, આશ્ચર્યની વાત એ છે કે હાલ જે ખાંડ અપાય છે તે પણ સાતમ-આઠમના તહેવારની અપાય છે.

પુરવઠાના અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છે કે, દિવાળીના તહેવારોનો જથ્થો આપવાનો છે, પરંતુ કયારે આવશે તે નકકી નથી બોલો...!! 

(3:45 pm IST)