Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પ્રેમ અને ભાઇચારાનો સંદેશો પ્રસરાવતુ પર્વ 'નાતાલ'

નાતાલ એટલે ખુશીઓનું પર્વ! ઇશ્વરે જગત ઉપર એટલો પ્રેમ કર્યો કે તેમણે માનવજાતના ઉધ્ધાર માટે પોતાના એકાકી પુત્રની ભેટ આપી. ૨૪ ડીસેમ્બરની મધ્ય રાત્રે બાળ ઇશુનો જન્મ થયો. જેના માનમાં ૨૫ મી ડીસેમ્બરે નાતાલ અને ખિસ્ત જયંતિ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઇશુનો જન્મ થયો એ રાત્રી ભયાનક હતી. કડકડતી ઠંડી પડી રહી હતી. જાણે આપણા ગુન્હાઓને માફ કરવા એક મસીહા આ ધરતી પર અવતર્યા હતા. તેમના જન્મ સમયે કયાય જગ્યા ન મળી. ન હોસ્પિટલ, ન નર્સીંગરૂમ,  ન કોઇ મહેલ! એક સાધારણ ગમાણ જે બેથલેહેમમાં હતી. ત્યાં ભગવાને જન્મ લીધો. એક સામાન્ય કપડામાં લપેટાયેલા બાળ ઇશુને માતા મરીયમે ખોળામાં લીધા. જાણે દેવદુતો તેમની રક્ષા કરી રહ્યા હોય તેમ તેમના મુખ પર તેજ વર્તાઇ રહ્યુ હતુ. આ સમયે ત્યાં ઘેટાની ચોકી કરી રહેલ ભરવાડોએ આકાશમાં તેજ પ્રકાશ સાથેના દુતને જોયા. દુતે સમાચાર આપેલ કે તમારા સૌના કલ્યાણ માટે ભગવાન અવતરી ચુકયા છે. તેમને પ્રણામ કરજો. ચમકતા ત્રણ તારલા સમાન જયોતિષિઓ આગળ ચાલ્યા. જયાં બાળ ઇશુનો જન્મ થયો હતો તે ગભાણની પાસે આવીને થંભી ગયેલા. ઘુંટણીયે પડી બાળ ઇશુને પ્રણામ કર્યા. પોતાની પાસે રાખેલ સોનું બોર અને લોબાનની અતિ કિંૅમતી ભેટ અર્પણ કરી. એટલે નાતાલ પર ખ્રિસ્તીઓ તારાથી પોતાના મકાનોને સજાવે છે. ઇશુના જન્મ સમયે ખુબ ઠંડીના કારણે વૃક્ષો ઉપર બરફ પથરાઇ ગયા. હતા. જે આજે ક્રિસમસ ટ્રી તરીકે ઓળખાય છે. નાતાલ પર્વે સાન્તા કલોઝ લાલ કપડા પહેરી મોટો થેલો લઇને બાળકોને ભેટનું વિતરણ કરે છે. દરેક ખ્રિસ્તીના ઘરમાં તારો, ક્રિસમસ ટ્રી, સાન્તા કલોઝનું પોષ્ટર અચુક રાખીને સજાવટ કરે છે. ઇશુ કયારે સોના-ચાંદી કે ઝવેરાત નથી માંગતા. બસ તેઓ માત્ર પ્રેમના ભુખ્યા છે. સાધારણ માનવરૂપમાં અવતરી સૌને પ્રેમ અને ભાઇચારો રાખવાનો સંદેશો આપી ગયા.

મિસિસ આઇલીન રોબિન્સન, મો.૬૩૫૫૦ ૮૪૬૮૯

(2:58 pm IST)