Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પાર્ટીઓ માટે કોઇને મંજુરી નહિ

૩૧મીની ઉજવણીને કોરોના અને કાયદાની થપાટ

રાતે કર્ફયુ અને દિવસે સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતના નિયમો-જાહેરનામાનો કડક અમલ કરાવવા શહેર પોલીસ કમિશનરની રાહબરીમાં ટીમો સતત સક્રિય રહેશેઃ દર વર્ષે થતાં ડાન્સ-ડીજે-ડિનર પાર્ટીના આયોજનો પણ ઠપ્પ રહ્યાઃ શહેર અને જીલ્લા પોલીસમાં મંજૂરી માટે કોઇપણ અરજી આવી નથી

રાજકોટ તા. ૨૫: ઉત્સવપ્રેમી રાજકોટવાસીઓ હમેંશા ઉજવણી માટેની તક શોધતા હોય છે. કોઇપણ તહેવાર હોય અહિ મોજમજા માટે સમગ્ર નગરજનો સતત તૈયાર હોય છે. પરંતુ છેલ્લા નવ મહિનાથી કોરોના મહામારીને કારણે રાજકોટવાસીઓની હાલત ખરાબ થઇ ગઇ છે. કેટલાય તહેવારોની ઉજવણી કોરોના અને તેને લગતા કાયદાઓને કારણે જતી કરવી પડી છે. દિવાળી જેવા તહેવારમાં થોડી વધુ પડતી છુટ લઇ લીધા પછી રાજકોટવાસીઓને કોરોના વધુ કેસોનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રાત્રી કર્ફયુ લાદવાની બીજા શહેરોની માફક અહિ પણ તંત્રને ફરજ પડી હતી. હાલમાં નાતાલનો તહેવાર શરૂ થયો અને ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે પણ લોકો અધીરા છે. પરંતુ આ વર્ષે થર્ટી ફર્સ્ટ નાઇટ તો ઠીક થર્ટી ફર્સ્ટનો દિવસનો સમય પણ ઉજવણી માટે ઠીક નહિ રહે. કારણ કે કોરોનાને લગતા કાયદા-જાહેરનામા મુજબ દિવસે પણ ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. રાત્રે કર્ફયુ પણ અમલમાં જ છે. આમ રાત્રે તો ઠીક દિવસે પણ વધુ લોકો એકઠા થઇ ઉજવણી કરી શકશે નહિ. ડાન્સ-ડીજે-ડિનરની કોઇ પાર્ટીઓને મંજુરી આપવામાં આવશે નહિ.

 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા શહેરમાં ૨૧/૧૧થી લાગુ કરવામાં આવેલા રાત્રી કર્ફયુનો શહેર પોલીસ કડક અમલ કરાવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે કર્ફયુમાં જાહેરનામાનો ભંગ કરવાના ૪૬૨૬ કેસ દાખલ કર્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સના ૨૩૩ કેસ પણ કર્ફયુના ગાળામાં થયા છે. તેમજ ૪૦૦૫ વાહનો ડિટેઇન કરાયા છે. અનલોક-૭ દરમિયાન જાહેરમાં થુંકવાના અને માસ્ક નહિ પહેરવાના ૧૬૮૮૮ કેસ પોલીસે દાખલ કર્યા છે. તેમજ કરોડોનો દંડ પણ વસુલ્યો છે.

કોરોના અને તેને લગતા કાયદાઓને જોતાં આ વખતે ૩૧મી અંતર્ગત યોજાતી પાર્ટીઓ, ડાન્સ વીથ ડીજે એન્ડ ડીનર તેમજ બીજા ઉજવણીના કાર્યક્રમો આપોઆપ ઠપ્પ રહે તેવો માહોલ છે. શહેર પોલીસ કે ગ્રામ્ય પોલીસ પાસે હજુ સુધી ૩૧મીને લગતી પાર્ટીઓના આયોજન માટે એકપણ અરજી આવી નથી. જો કે મંજુરી આપવામાં જ નહિ આવે. પોલીસ રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવશે આથી રાતે કોઇપણ જાહેર સ્થળે ઉજવણી શકય નથી. તો દિવસે પણ આયા આયોજન એટલે કે ભીડ એકઠી કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવા કોઇ આયોજન કરી શકાશે નહિ. કારણ કે આમ કરવાથી ચારથી વધુ લોકો આવા કાર્યક્રમોમાં એકઠા થશે તો સોશિયલ ડિસ્ટન્સ ભંગ હેઠળ પોલીસ રાબેતા મુજબ કાર્યવાહી કરશે.

શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમો અને અન્ય ઝોનના એસીપીશ્રીઓની રાહબરીમાં તમામ પોલીસ મથકના ઇન્ચાર્જશ્રીઓ પોતાની ટીમો સાથે રાતે નવથી સવારના છ સુધી કર્ફયુનું અને દિવસના સમયે પણ ખોટી ભીડ એકઠી ન થાય અને જાહેરમાં કોઇ થુંકે નહિ, માસ્ક પહેર્યાવગર ન નીકળે તે સહિતના કાયદાઓનું પાલન કરાવે છે. ૩૧મીના દિવસના સમયે અને રાતે પણ આ કાર્યવાહી યથાવત જ અને કદાચ વધુ આકરી રહેશે. આથી લોકો આ વર્ષે ઘરમાં બેસીને જ અથવા તો શહેર બહાર વ્યવસ્થા કરીને સાવચેતી, સલામતિ, સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઉજવણી કરે એ જ યોગ્ય ગણાશે તેમ સમજાય છે.

રાત્રે બીનજરૂરી બહાર ન નીકળવા અને લગ્ન કે બીજી ઉજવણીના પ્રસંગોમાં ૧૦૦થી વધુ લોકો એકઠા ન થવાના નિયમો પણ અમલમાં જ રહેશે. છેલ્લા નવ મહિનામાં જેટલા તહેવારોની મજા કોરોના અને તેને લગતાં કાયદાઓએ બગાડી છે એ જ રીતે હવે થર્ટી ફર્સ્ટ નાઇટની ઉજવણીને પણ થપાટ લાગી છે.  શહેર કે શહેરની ભાગોળે આવેલા પાર્ટીપ્લોટ, હોટેલ, રિસોર્ટ એમ કોઇપણ સ્થળોએ ખાનગીમાં ઉજવણીઓ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ કે બીજા કાયદાઓનો ભંગ ન થાય તે માટે પોલીસ ખાનગી રાહે પણ અત્યારથી જ નજર રાખી રહી છે. આથી હાલના દિવસોમાં રાતના નવ પહેલા ઘરે પહોંચી જવું યોગ્ય ગણાશે અને દિવસે જ્યાં હો ત્યાં કોરોનાને લગતાં કાયદાનું પાલન કરવાનું જ હિતમાં રહેશે.

(4:00 pm IST)