Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

વિમા કંપનીમાં નેટલોસ થયેલી કારોના એન્જીન-ચેસીસ નંબર ચોરાઉ કારોમાં લગાવી વેચી મારવાનું કૌભાંડઃ ૮ કાર કબ્જે

ખોડીયારનગરના ડેલામાં એન્જીન-ચેસીસ નંબર ફેરવી નખાતાઃ દિલ્હીના બે ઉઠાવગીર શમસાદ અને મોહસીન પાસેથી કાર મેળવતાઃ રાજકોટનો શાહબાજ અને અંકુર નેટલોસ કારો પાણીના ભાવે મેળવી ચોરાઉ ગાડીમાંથી મોટી કમાણી કરી લેતા : હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ અને સિરાજ ચાનીયાની બાતમી પરથી પીઆઈ આર.વાય. રાવલ અને પીએસઆઈ એમ.એસ. અન્સારીની ટીમની કામગીરી

પોલીસ-આરટીઓને આછેરી ભનક પણ ન આવે તે રીતે ચોરાઉ ગાડીઓ બજારમાં વેચી દેતી ગેંગના બે શખ્સોને રાજકોટ એસઓજીએ ઝડપી લઈ ૮ કારો કબ્જે કરી હતી. તસ્વીરમાં પીઆઈ આર.વાય. રાવલ, પીએસઆઈ અસલમ અન્સારી અને સફળ કામગીરી કરનાર સ્ટાફ નજરે પડે છે (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૬ :. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે એન્જીન-ચેસીસ નંબર બદલી ચોરાઉ કારો બજારમાં વેચી મારવાનું કૌભાંડ ઝડપી લઈ રાજકોટના શાહબાજ સુમરા અને અંકુર સુથારને ઝડપી લઈ ૮ કાર કબ્જે કરી છે.

હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, પેરોલ ફર્લો સ્કવોડના પ્રદિપસિંહ ગોહિલ અને પોલીસમેન સિરાજ ચાનીયાને બાતમી મળી હતી કે શાહબાજ સુમરા અને અંકુર સુથાર વિમા કંપનીઓમાં નેટલોસ થયેલી ગાડીઓ પાણીના ભાવે ખરીદી દિલ્હી અને અન્ય સ્થળેથી ચોરેલી ટનાટન કારોમાં તેના એન્જીન-ચેસીસ નંબર નાખી ચોરાઉ કારો વેચવાનુ કૌભાંડ આચરી રહ્યા છે. આ બાતમીના આધારે નાનામવા સર્કલ નજીક આવેલી આવાસ યોજનાના દરવાજા પાસેથી જીજે ૧૫ સીએફ ૧૫૫૯ નંબરની મારૂતિ સ્વીફટ ડીઝાયર લઈ નિકળેલા અંકુર કિરીટભાઈ સંચાણીયા (ઉ.વ.૨૪, રહે. આવાસ યોજના કવાર્ટર નં. ડી-૯૧૩) અને બાજુની સીટમાં બેઠેલા શાહબાઝ સતારભાઈ જોબણ (ઉ.વ. ૨૦, રહે. ગોંડલ રોડ ખોડીયારનગર, પ્યાસા પાન)ને કોર્ડન કરી એસઓજીની કચેરીએ દોરી લવાયા હતા. બન્નેની ઉંડી પૂછપરછ બાદ ચોરાઉ મનાતી આ કાર કબ્જે લેવામાં આવી હતી. વિશિષ્ટ ઢબની પૂછપરછમાં છેલ્લા ચારેક વર્ષ પહેલા દિલ્હીની ચોર ગેંગના શમશાદ અને મોહસીન પાસેથી ચોરાઉ ગાડીઓ ખરીદી ખોડીયારનગરના ડેલામાં વિમા કંપનીઓથી નેટલોસ થયેલી સેઈમ મોડલની ગાડીઓ ખરીદી તેના એન્જીન-ચેસીસ નંબર ચોરાઉ કારોમાં લગાવી દેતા હતા. જ્યારે વિમા કંપનીવાળી ગાડીઓ ભંગારમાં જવા દેતા હતા. આમ એક ગાડીએ ઓછામાં ઓછા ૩ લાખની કમાણી કરી લેતા હતા. ભેજાબાજોએ આવી કારો પૈકીની ચાર ગાડી રાજકોટમાં, એક હળવદમાં, એક મોરબીમાં અને એક પોરબંદરમાં વેચ્યાની કબુલાત આપી છે. ૪૧-૧ ડી મુજબ આ મુદ્દામાલ કબ્જે કરી એસઓજીએ ફરીયાદીઓને શોધવાનું શરૂ કર્યુ છે.

આ કામગીરી એસીપી ક્રાઈમ બ્રાન્ચના ડી.વી. બસીયા, પોલીસ ઈન્સ. આર.વાય. રાવલ, પો. સબ ઈન્સ. એમ.એસ. અંસારી, એ.એસ.આઈ. ઝહીરભાઈ ખફીફ, પો. હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, પો. કોન્સ. મહમદઅઝરૂદીન બુખારી, પો. કોન્સ. અનિલસિંહ ગોહીલ, પો. કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, પો. કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, પો. કોન્સ. સીરાજભાઈ ચાનીયા, સોનાબેન મુળીયા, પો. કોન્સ. શાન્તુબેન મુળીયાએ કરી હતી.

(2:47 pm IST)