Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

શહેર પોલીસે ૧૬ દિવસમાં ૧૦૩૦૯ સુપર સ્પ્રેડર્સને કોરોનાની વેકસીન અપાવી

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકાની સાથે મળી ૧૮ એન્ફોર્સમેન્ટ ટીમોની કામગીરી

રાજકોટ તા. ૨૬: લોકો કોરોના વાયરસની મહામારીથી સુરક્ષીત રહે તે માટે વેકસીનેસન ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા દરેક નાગરિક વેકસીન લઇ સુરક્ષીત બને તેમજ અન્યને પણ સુરક્ષીત બનાવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  આ કામગીરીમાં રાજકોટ શહેર પોલીસે પણ ખુબ જ નોંધપાત્ર કામગીરી કરી છે.

કોરોના કાળમાં લોકો પોતાના ધંધા રોજગારના સ્થળે તેમજ જાહેર જીવનમાં રોજીંદી કામગીરી સમયે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે જેમાં લારી, ગલ્લા, શાક માર્કેટ ખાતે લોકો ખરીદી કરતાં હોય છે તેમજ ઓટો રિક્ષા, ડિલેવરી બોયને કારણે પણ લોકો સંપર્કમાં આવતાં હોય છે. આવા સુપર સ્પ્રેડરને વેકસીન અપાવવા માટે શહેર પોલીસે ખાસ ભાર મુકી મહાનગર પાલિકાની સાથે સંયુકત જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમો બનાવી હતી. જેમાં ૧૮ ટીમો કામે લાગી હતી હતી અને લારી, ગલ્લાના સંચાલકો, ઓટો રિક્ષા ચાલકો, ડિલીવરી બોય, શાકભાજીના ધંધાર્થીઓને કોરોના વેકસીન લેવા માટે સમજાવી મહા અભિયાન શરૂ કરાયું હતું. આવા લોકોને ધંધાના સ્થળેથી વેકસીન સેન્ટર ખાતે લાવી વેકસીનેશન બાદ ફરીથી તેના સ્થળે મુકી આવવાની વ્યવસ્થા પોલીસે કરી હતી. જે અંતર્ગત તા. ૧૦ જુનથી આજ સુધીમાં મહાનગર પાલિકાની સાથે મળી પોલીસે લારી ગલ્લાવાળા ૩૮૨૧, શાક માર્કેટના તથા અન્ય ધંધાર્થીઓ મળી ૪૭૨૩, ફૂડ સહિતી હોમ ડિલીવરી કરતાં હોય તેવા ૩૮૪ બોય, ઓટો રિક્ષાના ૧૩૮૧ ડ્રાઇવર મળી કુલ ૧૦૩૦૯ લોકોને વેકસીન અપાવી છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ  આ કામગીરી થઇ છે. પોલીસની ટીમોએ લોકોને વેકસીન ફરજીયાત લેવી જોઇએ તે સમજાવવા ઉપરાંત તેના ફાયદાઓ વિશે પણ જાણકારી આપી હતી.

(2:48 pm IST)