Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી અંતર્ગત પોલીસની ઝુંબેશઃ નશામુકત થવા સંકલ્પ

શાળા-કોલેજોમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓનો વ્યસન મુકિત અંગે સેમીનાર યોજી લોકજાગૃતી ફેલાવી : અઢી વર્ષમાં નાર્કોટીકસના ૫૦ ગુના શોધી ૧૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા

રાજકોટઃ ૨૬ જુનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ નશાકારક પદાર્થની યુવા વર્ગ દુર રહે અને આવા નશકારક પદાર્થના સેવનથી યુવાધનને શરીરીક તથા માનસીક રીતે ખુબ જ નુકશાન તથા તેઓના પરીવારની આર્થીક પાયમાલી સર્જાતી હોય છે. જેથી નશાકારક પદાર્થનું સેવન નહી કરવા અને આ બાબતે લોકો જાગૃત થાય અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થનું સેવન ન કરે તેવા હેતુથી જાગૃતી ફેલાવવા માટે આજરોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શહેર પોલીસ પણ યુવાનોને નશાકારક પદાર્થોનું સેવન ન કરે અને જાગૃત થાય તે માટે લોકજાગૃતીના અગાઉ સેમીનાર પણ રાખવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ સદંતર બંધ થાય અને યુવાધન નશાકારક પદાર્થોનું સેવન કરતા અટકે તે માટે જાગૃતી કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને કાયદેસરનીકાર્યવાહી પણ કરવામાં આવે છે. શહેરમાં ર૦૧૬ થી ર૦૧૮ દરમ્યાન એન.ડી.પી.એસ. એકટ હેઠળ કુલ ૬ ગુન્હા શોધી કાઢવામાં આવ્યા હતા. જયારે ર૦૧૯ થી ર૦ર૧ દરમ્યાન પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ કુલ પ૦ એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુન્હાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૧૦ આરોપીઓને પકડી લઇ રૂ. ૧,૯૮,૭૪,૧૮૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જેમાં ગાંજો, કોકેઇન, એમ્ફેટેમાઇન, ચરસ, એમ.ડી. વગેરે નશાકારક પદાર્થોનું વેચાણ તથા હેરાફેરી કરતા શખ્સો પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ર૦ર૦માં કુલ ૬ શખ્સોને ચાલુ વર્ષમાં કુલ આઠ આરોપીઓને અલગ-અલગ જેલમાં ધકેલી દેવાયા છે. અગાઉ શહેર પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવસ્ર્ટિી તથા ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા 'કોપ' કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલી શાળા-કોલેજોમાં સેમીનાર યોજી ૧૪ થી ર૪ વર્ષના એક લાખ વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા.

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે નશામુકત થવા સંકલ્પ પત્ર સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ દ્વારા સંકલ્પપત્ર ઉપર સહી કરી પ્રારંભ કરવામાં આવેલ તેમજ શહેરમાં અલગ-અલગ જગ્યાએ બેનરો લગાવી લોકજાગૃતી ફેલાવવામાં આવી હતી. હાલમાં કોરોના વાયરસના કારણે શાળા-કોલેજો બંધ હોઇ જેથી આવનારા સમયમાં પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વર્ચ્યુઅલ સેમીનાર યોજી વ્યસન મુકતી અંગે લોકજાગૃતી  ફેલાવવામાં આવશે.

(3:32 pm IST)