Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મગફળી ખરીદીનો પ્રારંભ : ખેડૂતોના ટોળા

પ્રારંભે સર્વર ઠપ્પ : ભારે દેકારો : પહેલે દિવસે માત્ર ર૦ ખેડૂતોને બોલાવાતા પ્રચંડ રોષ : અમારો વારો કયારે આવશે ?!: સરકારને બદલે ખૂલ્લા બજારમાં વેચવા ખેડૂતોનો ધસારોઃ સરકાર ૧૦પપના ભાવે ખરીદી કરે છે : ખુલ્લી બજારમાં ૧ર૦૦થી વધુના ભાવ

રાજકોટ, તા. ર૬ : આજથી રાજકોટ શહેર-જીલ્લા સહિત રાજયભરમાં મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે.

આજે રાજકોટના જુના માર્કેટ યાર્ડ સહિત જીલ્લામાં રર કેન્દ્રો ઉપર ૯૦ દિવસની મર્યાદામાં ૯૩ હજાર જેટલા ખેડૂતો પાસેથી ક્રમાનુસાર ૧૦પપના કવીન્ટલના ભાવે મગફળીની ખરીદી થશે. આ માટે સરકારે સુચના આપતા કલેકટર-પુરવઠા તંત્ર દ્વારા દરેક કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા, વિડીયોગ્રાફી, જડબેસલાક પોલીસ બંદોબસ્ત, બારદાન, મજૂરો, મગફળીનો ભેજ માપવા-માટી વિગેરે જોવા ગ્રેડરોની ટીમ, પ્રાંત મામલતદારોનું મોનીટરીંગ અને દરેક કેન્દ્રો ઉપર ૭ના સ્ટાફની વ્યવસ્થા કરી છે.

મગફળી વેચવા ખેડૂતો અધીરા બન્યા છે અને તેના પરિણામે દરેક કેન્દ્રો ઉપર ખેડૂતોના ટોળા એકઠા થયા છે. પહેલા દિવસે જ સર્વર ઠપ્પ થઇ જતા દેકારો મચી ગયો હતો. ખેડૂતોના ટોળા તો ગઇકાલથી જુના-નવા માર્કેટ યાર્ડ ખાતે વાહનોની થપ્પા લાગી ગયા છે. પ્રારંભે આજે પુરવઠા તંત્રને માત્ર ર૦ ખેડૂતોને બોલાવતા, પ્રચંડ રોષ વ્યાપી ઉઠયો છે. અન્ય ખેડૂતોએ પૂછપરછ શરૂ કરી હતી, અમારો વારો કયારે આવશે, અધુરામાં પુરૂ સર્વર જામ થતાં સવારે ૧૦ વાગ્યે શરૂ થનાર ખરીદી પણ મોડી થઇ હતી. એ ઉપરાંત ખુલ્લા બજારમાં ભાવ કવીન્ટલના ૧ર૦૦નો ભાવ છે, તો સરકારે ૧૦પપના ભાવે ખરીદી કરી રહી હોય ભાવ વધારવા માંગણી થઇ રહી છે. ખેડૂતોનો દેકારો હતો, પણ પોલીસનો સઘન બંદોબસ્ત હોય, કોઇ માથાકુટ સર્જાઇ ન હતી.

(11:50 am IST)