Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દિવાળી તહેવારમાં સતર્ક-જાગૃત રહેવા આંગડિયા પેઢી સંચાલકો-વેપારીને પોલીસ અધિકારીઓએ સમજ આપી

ગાંધીગ્રામ, પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ, એ-ડિવીઝન અને બી-ડિવીઝન પોલીસ મથક હેઠળના પેઢી સંચાલકો-વેપારીઓ સાથે એસીપી દિયોરા-એસીપી ટંડેલે ગોષ્ઠી કરી મહત્વની સુચના આપી

રાજકોટઃ દિવાળીના તહેવાર અંતર્ગત આંગડિયા પેઢીના સંચાલકો-માલિકો અને વેપારીઓને ચોર ગઠીયાઓથી સતર્ક રહેવા અને કઇ રીતે તકેદારી રાખી શકાય તે અંગેની સમજ આપવા માટેની બેઠક ગાંધીગ્રામ, પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના આંગડિયા પેઢીના સંચાલકો-વેપારીઓ સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી. જેમાં એસીપી પી. કે. દિયોરાએ મહત્વની સુચનાઓ અને જાણકારી આપી પેઢી સંચાલકો, વેપારીઓને ચેતતા રહેવા સતર્ક રહેવા સમજ આપી હતી. પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એલ. એલ. ચાવડા, પીઆઇ કે. એન. ભુકણ પણ હાજર રહ્યા હતાં.

ઉપરાંત એ-ડિવીઝન અને બી-ડિવીઝન પોલીસ મથક હેઠળ આવતી બજારોના સોના ચાંદીના વેપારીઓ, ઇમીટેશનના ધંધાર્થીઓ-વેપારીઓ, આંગડીયા પેઢીના સંચાલકો સાથેની બેઠક પણ એસીપી એસ. આર. ટંડેલની હાજરીમાં યોજાઇ હતી. જેમાં પીઆઇ સી. જી. જોષી, પીઆઇ એમ. બી. ઓૈસુરા પણ હાજર રહ્યા હતાં. વેપારીઓને ચોરી-લૂંટ-ગઠીયાગીરીથી તહેવારના દિવસોમાં કઇ રીતે બચી શકાય તે માટેની સમજ અધિકારીઓએ આપી હતી. પોલીસ સતર્ક રહેશે જ, તમારે પણ જાગૃત રહેવું પડશે તે મુજબની સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી ઝોન વાઇઝ આવી બેઠકો યોજી વેપારીઓ, આંગડિયા પેઢીના સંચાલકોને સમજ અપાઇ હતી. તસ્વીરમાં બેઠક યોજાઇ તેના દ્રશ્યો જોઇ શકાય છે.

(3:05 pm IST)