Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

‘‘બિન બુલાયે મહેમાન'' બની આવેલા ચોર-ગઠીયા લગ્ન પ્રસંગમાંથી ૩ લાખના દાગીના સાથેનું પર્સ ચોરી ગયા

૧પ૦ ફૂટ રીંગ રોડ પરના કલ્‍યાણ પાર્ટી પ્‍લોટમાં બનાવઃ દિકરીના લગ્ન કરવા રાજકોટ આવેલા માતાનું પર્સ તફડાવનાર અજાણ્‍યા ૩ ની શોધખોળ

રાજકોટ, તા. ર૬ : ૧પ૦ ફૂટ રીંગ રોડ પર અયોધ્‍યા ચોક પાસે આવેલા કલ્‍યાણ પાર્ટી પ્‍લોટમાં  અમદાવાદથી પુત્રીના લગ્ન કરવા માટે રાજકોટ આવેલા સંધી પરિવાર ના માતાનું ૩ લાખના દાગીના સાથેનું પર્સ  મહેમાનના સ્‍વાંગમાં આવેલા ત્રણ ગઠીયાઓ તફડાવી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગત મુજબ અમદાવાદ નરોડા કુબેર રોડ ઉપર સોના પેલેસ ફલેટ નં. બી-૧ માં રહેતા અને કાપડની દલાલીનું કામ કરતા મયુરભાઇ ખેમચંદભાઇ કૃપલાણી ઉ.વ.રપ એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદમાં જણાવ્‍યું છે કે ગઇકાલે પોતાના બહેન દિશા બહેનના લગ્ન રાજકોટ નિવાસી દિનેશભાઇ જનકભાઇ મુળચંદાણી સાથે રાજકોટ ખાતે રાખેલ હોય જેથી પોતે તથા પિતા ખેમચંદભાઇ, માતા સુનીતાબેન અને બહેન દિશાબેન  સહિતના પરિવારજનો રાજકોટ આવ્‍યા હતા. ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર શીતલપાર્ક પાસે કલ્‍યાણ પાર્ટી પ્‍લોટમાં લગ્નનું આયોજન કરાયુ હોય તેથી બપોરે આશરે દોઢ  થી ત્રણ વાગ્‍યા દરમિયાન કિર્તનની વિધિ ચાલુ હોય અને પોતાની માતાએ કીર્તની વિધિ દરમિયાન તેનું ગ્રે કલરનું રૂા.ર.૯૧ લાખ ના દાગીના ભરેલું પર્સ તેમની બાજુમાં સ્‍ટેજ પર નીચે મુકેલ હતું વિધિ પુરી થયા બાદ માતાએ તેમનું પર્સ જતા પર્સ મળી ન આવતા માતા સુનીતાબેને પોતાને વાત કરતા તુરંત જ પાર્ટી પ્‍લોટની ઓફીસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા આશરે ર૦ વર્ષનો એક શખ્‍સ જેને કાળો શર્ટ અને બ્‍યુ કલરનું પેન્‍ટ પહેલ હોય તે પર્સ લઇને જતો જોવા મળ્‍યો હતો.  તપાસ કરતા  આ પ્રસંગમાં ત્રણ શખ્‍સો આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું આ અંગે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જાણ કરતા પી.એસ.આઇ. પી.કે. ક્રીયિન સહિતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી મયુરભાઇની ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)