Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

લક્ષ્મીવાડીના અમિતે એલઆઇસી એજન્‍ટ ઉપરાંત અન્‍ય ત્રણ લોકોને છેતર્યાનું ખુલ્‍યું

પ્રધાનમંત્રી આવાસમાં ક્‍વાર્ટરની લાલચ આપી ચાર લોકોને છેતરનારો પાંચ દિવસ રિમાન્‍ડ પર : બાળકોને રમવા માટેના આલ્‍ફાબેટમાંથી ‘રાજકોટ મહાનગરપાલિકા'નો સિક્કો બનાવ્‍યોઃ ફોર્મ ઝેરોક્ષ કોપી કરીને ઉપયોગમાં લેતો હતોઃ ઠેકઠેકાણે ફરતો રહી ક્‍વાર્ટર લેવા ઇચ્‍છુકોને શોધીને ફસાવી લેતો : એસીપી બી. વી. જાદવ, પીઆઇ એમ. એમ. સરવૈયાએ વિગતો જણાવી

રાજકોટ તા. ૨૬: ગીતાંજલી સોસાયટી-૩માં ભાડેથી રહેતાં એલઆઇસી એજન્‍ટ મુળ યુપીના આઝમગઢના ચોૈબાહા ગામના રવિશંકર સુરેશકુમાર ગોૈતમ (ઉ.વ.૨૭)ને મધુરમ્‌ હોસ્‍પિટલ નજીક ચાના થડે ભેટી ગયેલા એક શખ્‍સે પોતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્‍વાર્ટર અપાવી શકે છે, મહાનગર પાલિકાના સાહેબ ઓળખે છે તેમ કહી જાળમાં ફસાવી ફોર્મ ભરાવી, કટકે કટકે ૯૦ હજાર મેળવી લઇ પૈસા ભરાઇ ગયાની પહોંચ પણ આપી દીધી હતી. પરંતુ બાદમાં રવિશંકરે તપાસ કરતાં પહોંચમાં રાજકોટ મહાનગરપાલિકાનો સિક્કો નકલી હોવાનું જણાતાં છેતરાયાની ખબર પડી હતી. ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ કરી આરોપી લક્ષ્મીવાડી શેરી નં. ૧૫/૨૧માં મનમોહન એપાર્ટમેન્‍ટમાં રહેતાં અમિત ભાવસિંહભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૫)ને પકડી લીધો હતો. તેની પાસેથી નકલી સિક્કો, ઝેરોક્ષ કરેલું ફોર્મ, તેણે સિક્કો જેમાંથી બનાવ્‍યો હતો તે અંગ્રેજી આલ્‍ફાબેટ સહિત કબ્‍જે કર્યા છે. પાંચ દિવસના રિમાન્‍ડ મળતાં વિશેષ પુછતાછ થતાં વધુ ત્રણ લોકોને તેણે શિકાર બનાવ્‍યાનું સામે આવ્‍યું છે.

રવિશંકર ગોૈતમને ઘરનું ઘર લેવું હોઇ તે વિમાના ગ્રાહકો શોધવા ઢેબર રોડ પર ગયેલ ત્‍યારે વાત વાતમાં એક શખ્‍સે પોતે મહાપાલિકાના આવાસ કવાર્ટર અપાવી શકે છે તેવી વાત કરી પોતાનું નામ અમિત ચોૈહાણ હોવાનું કહી વિશ્વાસ કેળવી રવિશંકર પાસેથી નેવુ હજાર મેળવી લઇ ખોટી પહોંચી આપી દીધી હતી અને ઠગાઇ કરી હતી. આ મામલે ગુનો દાખલ થતાં ભક્‍તિનગર ડી. સ્‍ટાફની ટીમે તપાસ શરૂ કરતાં હેડકોન્‍સ. સંજયભાઇ ચાવડા, પ્રભાતભાઇ મૈયડ, કોન્‍સ. મનિષભાઇ ચાવડા અને વિશાલભાઇ દવેની બાતમી પરથી આરોપી અમિત ચોૈહાણને શોધી કઢાયો હતો. તેની પાસેથી એક જ સિરીઝના રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજવનાના ત્રણ ફોર્મ, રાજકોટ મહાનગરપાલિકાનો સ્‍ટેમ્‍પ તથા આ સ્‍ટેમ્‍પ બાળકોને અંગ્રેજી આલ્‍ફાબેટ શીખડાવવા માટે વપરાતાં ટોયઝમાંથી બનાવ્‍યો હોઇ આ  આલ્‍ફાબેટ પણ કબ્‍જે કરી તેની ધરપકડ કરી હતી.

અમિતે કબુલ્‍યું હતું કે બીજા ત્રણ લોકોને પણ તેણે ક્‍વાર્ટર અપાવી દેવાના બહાને છેતર્યા છે. જેમાં જંગલેશ્વર એકતા કોલોનીના અકતરઅલી સૈયદ પાસેથી ૧ લાખ ૨૦ હજાર, રૈયા ચોકડી નાયરા પંપ નજીક રહેતાં એક મહિલા પાસેથી ૭૦ હજાર અને કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારના એક વ્‍યક્‍તિ પાસેથી ૩૦ હજાર મેળવી લઇ છેતરપીંડી કરી હતી. મોજશોખ માટે પોતે આવું કરતો હતો. તે અલગ અલગ જગ્‍યાએ રખડતો રહેતો હોઇ જ્‍યાં કોઇ ક્‍વાર્ટરની વાત કરતું હોઇ ત્‍યાં તેની સાથે વાત કરી પોતાની મહાનગર પાલિકામાં ઓળખાણ છે તેવી વાતો કરી ફસાવી નાણા પડાવી લેતો હતો. હજુ વધુ કોઇ અમિતનો શિકાર બન્‍યું છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. અમિતને કોર્ટમાં રજૂ કરાતાં પાંચ દિવસના રિમાન્‍ડ મળ્‍યા છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી.વી. જાદવની રાહબરીમાં પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ એચ. એન. રાયજાદા, હેડકોન્‍સ. સંજયભાઇ ચાવડા, પ્રવિણભાઇ સોનારા, પ્રભાતભાઇ મૈયડ, કોન્‍સ. મનિષભાઇ ચાવડા, વિશાલભાઇ દવે અને હિતેન્‍દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. તસ્‍વીરમાં ઝડપાયેલો અમિત ચોૈહાણ, કબ્‍જે થયેલી ચીજવસ્‍તુઓ અને તેની પુછતાછ કરી રહેલા એસીપી બી. વી. જાદવ તથા પીઆઇ એમ. એમ. સરવૈયા અને સાથે ટીમ જોઇ શકાય છે.

(3:33 pm IST)