Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

દર્શન કરીને આવતી વખતે કાર ટ્રકમાં અથડાઇઃ અકસ્‍માતઃ ધીરજલાલ રૂપાણીનું મોતઃ પુત્રને ઇજા

એરપોર્ટ રોડ પર અભિલાષામાં રહેતાં કપડાના વેપારી વિપુલભાઇ રૂપાણી અને પિતા ધીરજલાલ રૂપાણી જસદણના કોઠી ગામે ખેતલીયાદાદાના મંદિરે ગયા'તાઃ પરત આવતી વખતે બનાવ

રાજકોટ તા ૨૭: ત્રંબા નજીક બંધ ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતાં કારમાં બેઠેલા રાજકોટ એરપોર્ટ ફાટક પાસે રહેતાં કપડાના વેપારી યુવાન અને તેમના પિતાને ઇજાઓ થઇ હતી. જેમાં પિતાનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ એરપોર્ટ રોડ પર  અભિલાષા સોસાયટીમાં વર્ધમાન ખાતે રહેતાં વિપુલભાઇ ધીરજલાલ રૂપાણી (ઉ.વ.૪૫) તા. ૨૫ના રોજ સવારે પોતાની સેલ્‍ટોસ કિયા કાર જીજે૦૩એમએલ-૮૮૮૫ લઇને રાજકોટથી જસદણ પાસેના કોઠી ગામે ખેતલીયાદાદાના મંદિરે જવા નીકળ્‍યા હતાં. સાથે તેમના પિતા ધીરજલાલ રામજીભાઇ રૂપાણી (ઉ.વ.૭૩) પણ હતાં. જે બાજુની સીટમાં બેઠા હતાં.

કોઠી ગામે દર્શન કરી પિતા-પુત્ર સાંજે જસદણથી આટકોટ થઇ રાજકોટ તરફ આવતાં હતાં રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા પાસે પહોંચતા ટ્રક નં. જીજે૧૨બીવાય-૭૦૫૭ ઉભો હોઇ તેની પાછળ કાર અથડાઇ જતાં પિતા-પુત્ર બંનેને ઇજાઓ થઇ હતી.લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવતાં વિપુલભાઇ અને પિતા ધીરજલાલ રૂપાણીને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ પિતા ધીરજલાલ રૂપાણીએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ. એમ. મહેતાએ વિપુલભાઇ રૂપાણીની ફરિયાદને આધારે તેની જ સામે ગુનો દાખલ કર્યો હતો.

(3:34 pm IST)