Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રેસકોર્ષ લાફીંગ કલબ દ્વારા મંગળવારે સિલ્‍વર જયુબેલી સમારોહ ઉજવાશે : વડીલ વંદના અને ડીરેકટરીનું વિમોચન

રાજકોટ તા. ૨૭ : છેલ્લા ૨૫ વર્ષથી અહીંના રેસકોર્ષ ખાતે કાર્યરત ‘લાફીંગ કલબ' દ્વારા આગામી તા. ૩૧ ના સ્‍થાપના દિવસની સિલ્‍વર જયુબેલીની ઉજવણી કરાશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાફીંગ કલબના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તંદુરસ્‍ત રહેવા માટે હાસ્‍ય થેરાપી અકસીર ઇલાજ છે. ત્‍યારે રેસકોર્ષની લાફીંગ કલબ લોકોને સુખાકારી આપવાનું કાર્ય કરી રહી છે. દરરોજ સવારે ૬ વાગ્‍યે કલબના સભ્‍યો એકત્ર થાય છે અને હાસ્‍યની વિવિધ કસરતો કરે છે.

પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ ત્રણ સાયકલમાં જુદા જુદા હાસ્‍યના પ્રયોગો કરવામાં આવે છે. જેમાં યુવા વર્ગથી લઇ વૃધ્‍ધાઅવસ્‍થાએ પહોંચેલા વડીલો દરરોજ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે છે. યુગલ હોય તેવા સભ્‍ય મિત્રો પણ નિયમિત હાસ્‍ય પ્રાણાયામનો લાભ લ્‍યે છે.

સમયાંતરે સ્‍નેહ મિલન, શરદ પૂર્ણીમા, નવરાત્રી તેમજ રાષ્‍ટ્રીય તહેવારોની ઉજવણી ઉપરાંત સભ્‍યો માટે જુદા જુદા પ્રવાસો તેમજ દર વર્ષે સ્‍થાપના દિવસે વડીલ વંદનારૂપે મોટી ઉંમરના વડીલોનું સન્‍માન કરવામાં આવે છે.

હાલ ૧૬૫ સભ્‍ય સંખ્‍યા ધરાવતી આ કલબે કલરફુલ માહીતી સભર ડીરેકટરી પણ બહાર પાડી છે. જેનું વિમોચન તા. ૩૧ ના મંગળવારે સીલ્‍વર જયુબેલી ઉજવણી  સમયે કરાશે. આ તકે ૭૫ થી મોટી વયના વડીલોને શાલ, પ્રશસ્‍તીપત્ર અને મોમેન્‍ટો આપી સન્‍માનીત કરાશે. જેમાં ૯ બહેનો અને ૫ ભાઇઓનો સમાવેશ થયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાફીંગ કલબના સર્વશ્રી ડો. બાનુબેન ધકાણ, જયંતિભાઇ માંડલિયા, દિનેશભાઇ લીંબડ, મયુરભાઇ બારાઇ, દિલીપભાઇ ચંદારાણા, કિશોરભાઇ મકવાણા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:45 pm IST)