Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જાણો, કુટુંબ પેન્‍શનની રકમની ગણતરી કેવી રીતે થાય છે...

રાજકોટ : છેલ્લે આપણે ચાલુ સેવા દરમિયાન અવસાનનાં કિસ્‍સામાં કુટુંબ પેન્‍શનની રકમ કેટલી અને કેવી રીતે નક્કી થાય છે તે અંગેની જાણકારી મેળવી હતી.તે જ શ્રેણી હેઠળ આજે આપણે અહીં નિવૃત્તિ બાદ અવસાનનાં કિસ્‍સામાં એટલે કે કર્મચારી નિવૃત્ત થઈ પોતે પોતાનું પેન્‍શન મેળવતા હોય અને એ દરમિયાન એમનું અવસાન થાય ત્‍યાર બાદ કુટુંબ પેન્‍શનને માટે પાત્ર હોય તેવા કુટુંબ પેન્‍શનરને કુટુંબ પેન્‍શન તરીકે કેટલી રકમ અને ક્‍યાં સુધી આ રકમ મળવાપાત્ર થાય તે અંગેની ટુંકમાં માહિતી  સરળ શબ્‍દોમાં મેળવીએ.

મિત્રો,આપ જાણો છો તે મુજબ ગુજરાત સરકારશ્રી દ્વારા તેમના કર્મચારીઓ કે જેઓ તા.૦૧/૦૪/૦૫ પહેલા રાજય સરકારશ્રીની સેવામાં જોડાયેલા હોય અને રાજય સરકારશ્રીની જૂની પેન્‍શન યોજના હેઠળ જેમનો સમાવેશ કરવામાં  આવેલ હોય તેવા બધા પેન્‍શનરો માટે સરકારશ્રી દ્વારા ‘કુટુંબ પેન્‍શન યોજના ૧૯૭૨'લાગુ પાડવામાં આવી છે. અને તે અંગેનું નિયમન ગુજરાત મુલકી સેવા (પેન્‍શન)નાં નિયમો ૨૦૦૨ થી કરવામાં આવે છે. આ નિયમોનાં નિયમ નં ૯૦(૨)માં  નિવૃત્તિ બાદ અવસાનનાં કિસ્‍સામાં કુટુંબ પેન્‍શનની રકમ કેટલી,કયા દરે અને ક્‍યાં સુધી મળવા પાત્ર થાય છે તે અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે.જે આપણે આજે અહીં સરળ શબ્‍દોમાં સમજીએ. સહુ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે કુટુંબ પેન્‍શનની રકમ બાબતે આ નિયમોમાં બે પ્રકાર પાડવામાં આવેલ છે.

(૧) ઊંચા દરે (કુટુંબ પેન્‍શન ભાગ -૧) અને

(૨) નીચા દરે (કુટુંબ પેન્‍શન ભાગ-૨) હવે, આપણે આ બંને પ્રકારના કુટુંબ પેન્‍શનના દર અને સમય મર્યાદા અંગે ની વિગતો ચકાસીએ

(૧)  ઊંચા દરે કુટુંબ પેન્‍શન નો દર- (કુટુંબ પેન્‍શન ભાગ-૧) : કર્મચારીની નિવૃત્તિની તારીખે કર્મચારીને મળતા છેલ્લા મૂળ પગાર નાં ૫૦% જેટલો.પરંતુ આ રકમ કોઈ પણ સંજોગોમાં કર્મચારીની નિવૃત્તિ સમયે મૂળ પેન્‍શનરનાં મંજૂર થયેલ પોતાનાં પેન્‍શન કરતાં વધારે ન હોવી જોઈએ

(૨) નીચા દરે કુટુંબ પેન્‍શન નો દર- (કુટુંબ પેન્‍શન ભાગ-૨) : કર્મચારીની નિવૃત્તીનીતારીખે કર્મચારીને મળતા મૂળ પગારનાં ૩૦% જેટલો (અ)  ઊંચા દર (ભાગ-૧) નાં કુટુંબ પેન્‍શન અંગેની સમય મર્યાદાઃ- કર્મચારીનાં અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા કર્મચારીએ જે તારીખે પાંસઠ(૬૫) વર્ષની વય પ્રાપ્ત કરી હોત તે તારીખ સુધી,એ બે માંથી જે તારીખ વહેલી હોય તે તારીખ સુધી.

નીચો દર(ભાગ-૨)નાં કુટુંબ પેન્‍શન અંગે ની સમય મર્યાદાઃ- ઉપર મુજબ (અ) માં દર્શાવ્‍યા મુજબ ની મુદત પૂરી થાય ત્‍યાર પછીના દિવસથી આજીવન.(અન્‍ય શરતો પૂરી થતી હોય તો, આ અન્‍ય શરતો અંગેની જોગવાઈઓ આપણે અગાઉનાં લેખમાં કુટુંબ પેન્‍શન માટે પાત્રતા ધરાવનાર કુટુંબ પેન્‍શનરો અંગેની વિગતોમાં જ દર્શાવેલ છે.)

આ બાબતને આપણે એક સરળ ઉદાહરણથી સમજીએ.

ધારો કે કોઈ એક કર્મચારીની જન્‍મ તારીખ ૨૦/૧૦/૧૯૬૩ છે અને તેની નિવૃત્તિની તારીખ ૩૧/૧૦/૨૦૨૧ છે તેથી તેની પાંસઠ વર્ષની વય પૂરી થવાની તારીખ ૧૯/૧૦/૨૦૨૮ થાય.પરંતુ એ પહેલાં ધારો કે આ કર્મચારીનું અવસાન તા. ૨૦/૧૦/૨૦૨૨ નાં રોજ થયેલું છે. તો આ તારીખમાં સાત વર્ષ ઉમેરતા તા. ૧૯/૧૦/૨૦૨૯ની તારીખ આવે.આ કિસ્‍સામાં કર્મચારી જો જીવિત હોત તો તેની પાંસઠ વર્ષ પૂર્ણ કરવાની તા.૧૯/૧૦/૨૦૨૮ થાય તેથી પ્રસ્‍તુત કિસ્‍સામાં તેમના અવસાનની તારીખથી સાત વર્ષ સુધી એટલે કે તા.૧૯/૧૦/૨૦૨૯ સુધી નહિં પરંતુ પાંસઠ વર્ષ પૂરા થવાની સંભવિત તારીખ ૧૯/૧૦/૨૮ સુધી અને ત્‍યારબાદ તા૨૦/૧૦/૨૦૨૮ થી આજીવન કુટુંબ પેન્‍શન ભાગ-૨ ચૂકવવા પાત્ર થશે. આ તકે આપણે એ બાબત ખાસ યાદ રાખીએ કે આ ઉંમરની તારીખ મૂળ પેન્‍શનરની ધ્‍યાને લેવાની છે જયારે કુટુંબ પેન્‍શનની રકમ તેમના કુટુંબ પેન્‍શનરને ચૂકવવા ની થાય છે.

હવે, આપણે સહુથી અગત્‍યની અને બધા કુટુંબ પેન્‍શનરોને જે બાબત જાણવાની ખૂબ જ ઉત્‍સુકતા હોય  એ બાબતની ચર્ચા કરીએ.

ઉપર દર્શાવેલ વિગતો ધ્‍યાને લઇને કુટુંબ પેન્‍શન અંગેની રકમની ગણતરી ઘેર બેઠા કેવી રીતે ચકાસી શકાય તે જોઈએ. તો સહુ પ્રથમ તો આપણે એ બાબત જાણી લઈએ કે જયારે કર્મચારી નિવૃત્ત થાય ત્‍યારે તેમના પેન્‍શન મંજૂરી હુકમો કે જેને આપણે પી.પી.ઓ.એવા નામ થી ઓળખીએ છીએ. પી.પી.ઓ. બુકનાં પ્રથમ પાના પર નાં કોલમ નંબર ૩૩ ઉપર જે તે સમયે જ કુટુંબ પેન્‍શન ઊંચા અને નીચા દરે તેમજ બંન્ને પેન્‍શનના દર ની પાત્રતાની તારીખો પણ દર્શાવેલ હોય જ છે.

પરંતુ, હવે પ્રશ્ન એ છે કે શું પી.પી.ઓ. બુકમાં દર્શાવેલ આ કુટુંબ પેન્‍શનની જે તે સમયે મંજૂર/અધિકૃત કરેલ આ રકમમાં સમયાંતરે  ફેરફાર  હોય શકે ખરો?તો હા,હોય શકે પણ ખરો.!! તો હવે  આપણે આવા ફેરફારિત દરની ચકાસણી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તે પણ આપણે ચકાસીએ.

તો આ બાબતે આપણે નીચેની વિગતો યાદ રાખીએ

(૧) કોઈ પણ કારણોસર પેન્‍શનરનાં પગારમાં પાશ્ચાદ અસરથી સુધારો થવાને કારણે કુટુંબ પેન્‍શનનાં બંને ભાગની રકમના દર બદલાયેલ હોય શકે. તો આવા કિસ્‍સામાં કુટુંબ પેન્‍શનરનાં મૂળ કર્મચારીની નિવૃત્તિ સમયની કચેરી દ્વારા સુધારેલ પેન્‍શનની અધિકૃતિ માટે ડી.પી.પી.કચેરીને મોકલવામાં આવેલ સુધારેલ પેન્‍શન અંગેની દરખાસ્‍ત ને આધારે ડી.પી.પી.કચેરી દ્વારા પેન્‍શન સુધારણા અધિકૃતિ હુકમ ફોર્મ નંબર.૧૦ ની એક નકલ સબંધિત  પેન્‍શનરનાં રહેઠાણનાં નોંધાયેલ સરનામા ઉપર પણ જાણ કરવાંમાં આવે છે.તેમાં આ અંગેની સુધારેલ કુટુંબ પેન્‍શનનાં બંને ભાગની રકમ તથા તારીખો દર્શાવેલ હશે .જેને આધારે આ અંગેની વિગતોની માહિતી મળી શકશે. પરંતુ, (૨) અમુક કિસ્‍સામાં પગારમાં કોઈ સુધારો ન થયેલ હોય અને સરકારશ્રી દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતા પગાર પંચની ભલામણો અનુસાર તિજોરી કક્ષાએ થી જ બારોબાર  મૂળ પેન્‍શનની રકમમાં સુધારો કરવામાં આવેલો હોય ત્‍યારે કુટુંબ પેન્‍શનરોએ પોતાનું કુટુંબ પેન્‍શન તિજોરી કક્ષાએ કેવી રીતે સુધારવામાં આવેલ હશે તે અંગે નીચે મુજબની ફોર્મ્‍યુલા યાદ રાખવી. (૧) મૂળ પી.પી.ઓ.માં દર્શાવેલ કુટુંબ પેન્‍શન તા.૦૧/૦૧/૦૬ પછી પરંતુ ૦૧/૦૧/૨૦૧૬ પહેલાનાં કિસ્‍સામાં મંજૂર/અધિકૃત થયેલ હોય ત્‍યારે આ કુટુંબ પેન્‍શનની મંજૂર/અધિકૃત થયેલ રકમનો ૨.૫૭ વડે ગુણાકાર કરવાથી તા.૦૧/૦૧/૧૬ થી સાતમા પગાર પંચ મુજબનાં નવા મૂળ કુટુંબ પેન્‍શનની રકમ જાણી શકાશે અને જો આવી જે તે સમયે અધિકૃત થયેલ રકમ (૨)  તા.૦૧/૦૧/૨૦૦૬ પહેલા મંજૂર /અધિકૃત થયેલી હશે તો આ રકમ નો ૨.૨૬ વડે ગુણાકાર કરવાથી તા.૦૧/૦૧/૨૦૦૬ નું મૂળ કુટુંબ પેન્‍શન જાણી શકાય છે. તો મિત્રો, આ હતી પેન્‍શનરોનાં નિવૃત્તિ બાદનાં કિસ્‍સામાં મળવાપાત્ર થતાં કુટુંબ પેન્‍શનની રકમની ગણત્રી.

 નરેન્‍દ્ર વી.વિઠલાણી

નિવૃત્ત અધિક તિજોરી અધિકારી

પેન્‍શન ચુકવણા કચેરી. રાજકોટ

મો. ૯૮૨૪૪ ૮૮૬૬૭

(5:31 pm IST)