Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

CBIને બિશ્‍નોઇના ઘરેથી ૯૯ લાખની રોકડ તથા ૯૯૦ ગ્રામ ચાંદી મળી આવી

ડીજીએફટી બિશ્‍નોઇ આપઘાત લાંચ કેસ : પત્‍નિએ રોકડ ભરેલી બે બેગ ફેંકી હતીઃ ૧ બેગ પાડશોનાં ઘરમાં પડી જેણે તે CBIને સોંપી

નવી દિલ્‍હી, તા.૨૭: ૫.૫ લાખ રૂપિયાની લાંચ કેસમાં સીબીઆઇ દ્વારા ધરપકડ પછી જોઇન્‍ટ ડીજીએફટી જાવરીમલ બિશ્‍નોઇના આપઘાત પછી સીબીઆઇએ દાવો કર્યો છે કે તેણે તેના ઘરમાંથી ૯૯ લાખ રૂપિયાની રોકડ અને ૯૯૦ ગ્રામ ચાંદી જપ્‍ત કરી છે.

સીબીઆઇ અધિકારીઓએ કહ્યું કે જયારે તેમણે બિશ્‍નોઇને ૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્‍યા ત્‍યારે બીજી એક ટીમ તેના ઘરે તપાસ માટે મોકલાઇ હતી. એક સીબીઆઇ અધિકારીએ કહ્યુ, ‘તેનું ઘર અંદરથી લોક હતું. બિશ્‍નોઇ દ્વારા તેની પત્‍નિને ઘણાં બધા કોલ કરાયા હતા જેનો જવાબ નહોતો અપાયો. સીબીઆઇની એક ટીમે તેમની સોસાયટીના ચેરમેનની હાજરીમાં તાળુ ખોલાવ્‍યુ હતુ અને જોયું કે ઘરની અંદર પણ બે રૂમો અંદરથી બંધ હતા.

તેમણે કહ્યું કે જયારે તેમણે આમાંનો એક રૂમ ખોલાવ્‍યો તો તેમાંથી બિશ્‍નોઇની પત્‍નિ મળી આવી હતી. અધિકારીએ કહ્યું, ‘જયારે સીબીઆઇ ટીમ શુક્રવારે મોડી સાંજે બિશ્‍નોઇના ઘરે પહોંચી, તેની પત્‍નિએ બાલ્‍કનીમાંથી રોકડ ભરેલી બે બેગો ફેંકી હતી. એક બેગ તેના એક સગાએ ઉપાડી લીધી હતી જે નીચે રાહ જોઇને ઉભો હતો, પણ બીજી બેગ પાડોશીના ઘરમાં પડી ગઇ હતી જેણે પછીથી તે સીબીઆઇને સોંપી દીધી હતી.' અધિકારીએ વધુમાં કહ્યું કે આ બેગોમાં ૯૯ લાખ રૂપિયાની રોકડ હતી. સીબીઆઇએ ઘટનાના સીસીટીવી ફુટેજ મેળવ્‍યા હતા જેમાં દેખાય છે કે પરિવારનો એક સભ્‍ય રૂપિયાથી ભરેલ બેગ લઇ રહ્યો છે.

તપાસ ચાલુ હતી ત્‍યારે બિશ્‍નોઇએ પોતાની ઓફીસ બિલ્‍ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આપઘાત પછી તેના પરિવારજનોએ સીબીઆઇ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. સીબીઆઇએ પોતાના સ્‍ટેટમેન્‍ટમાં કહ્યું કે બીશ્‍નોઇએ એક નિકાસકાર પાસેથી નો-ઓબ્‍જેકશન સર્ટીફીકેટ આપવા માટે ૯ લાખ રૂપિયા માંગ્‍યા હતા.(૨૩.૭)

 

 

 

(11:27 am IST)