Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

હિરાસર એરપોર્ટના સ્‍ટોર રૂમમાં મોડી રાતે આગ ભભૂકીઃ સાડા ત્રણ કરોડનું નુકસાન

રન વે પર લગાવવાના મોંઘાદાટ કલરનો જથ્‍થો, કેમિકલ, એસી, પીવીસી પાઇપનો જથ્‍થો, વાયરીંગ, લાઇટો સહિતનો મોટો માલસામાન બળીને ખાખ થઇ ગયોઃ પોલીસે એફએસએલને સાથે રાખી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૭: શહેરના અમદાવાદ હાઈ-વે પર નવા બની રહેલા હિરાસર એરપોર્ટના સ્‍ટોરરૂમમાં રવિવારે રાત્રે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગ તો અડધા કલાકમાં કાબુમાં આવી ગઇ હતી. પરંતુ આગને કારણે સાડા ત્રણ કરોડ જેટલુ ખુબ મોટુ નુકસાન થયાનું જણાવાઇ રહ્યું છે. 

પ્રાપ્‍ત માહિતી મુજબ રાત્રીના અગિયારેક વાગ્‍યા આસપાસ હિરાસર એરપોર્ટના સ્‍ટોર રૂમમાં આગ લાગ્‍યાની જાણ થતાં એરપોર્ટ પોલીસની ટીમ દોડી ગઇ હતી. તેમજ રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતાં બંબા સાથે ફાયર ફાયટરો, અધિકારીઓ પહોંચ્‍યા હતાં. સ્‍ટોર રૂમમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમે અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી.

આગ ભભૂકતાંજ સ્‍થાનિક કર્મચારીઓએ માટી નાખી આગ બુઝાવવાનો પ્રયાસ કરી આગને આગળ વધતી અટકાવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરી હતી. એરપોર્ટના વ્‍હીકલ એન્‍ડ મશીનરી વિભાગમાં આગ સ્‍ટોર રૂમમાં શોર્ટ સરકીટ થવાને કારણે રાત્રે અગિયારેક વાગ્‍યા આસપાસ લાગી હતી. જેથી તત્‍કાલ ફાયરબ્રીગેડ ઉપરાંત એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરાઈ હતી.

આગ અડધો કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી પરંતુ તેમાં ખુબ મોટુ નુકશાન પહોંચ્‍યું હતું. પ્રોજેક્‍ટ ઓપરેશન વિભાગના જનરલ મેનેજર સબાસ્‍ટીયન જેમ્‍સએ જણાવ્‍યું હતું કે આગમાં રન-વે પર લગાવવાનાં મોંઘા પેઈન્‍ટ, ૧-૧ લાખની કિંમતની લાઈટ, લાઈટ માટેના વાયરો ઉપરાંત પાઈપનો જથ્‍થો, એસી સહિત બળીને ખાખ થઇ જતાં અંદાજે સાડા ત્રણ કરોડનું નુકસાન થયું છે.

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં એરપોર્ટ પોલીસના સ્‍ટાફે પહોંચી નોંધ કરી હતી અને એફએસએલને બોલાવી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. આગ શોર્ટ સરકિટને કારણે લાગી હોવાનું પણ સબાસ્‍ટીયન જેમ્‍સએ જણાવ્‍યું હતું.

(11:55 am IST)