Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જયુડીશીયલ ઈન્કવાયરી સહિતની માંગણી સ્વીકારાતાં ૩૬ કલાક બાદ જવારીમલ બિશ્નોઇનો મૃતદેહ સ્વીકારાયો

લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારી શનિવારે સવારે કચેરીના ચોથા માળેથી કૂદી જતાં મોત થયું હતું : ફોરેન ટ્રેડ કચેરીના જોઇન્ટ ડાયરેકટર જનરલ જવારીમલ બિશ્નોઇના આપઘાત કેસમાં સીબીઆઇ હત્યાનો ગુનો નોંધવાની માંગણી સાથે બિશ્નોઇ પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૃમ ખાતે ધરણા પર બેસી ગયા હતાં

તસ્વીરમાં એસીપી ભાર્ગવ પંડ્યા સાથે મૃતકના પુત્ર નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં મૃતકના સ્વજનોએ માંગણીઓ સ્વીકારાયા બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૮: શહેરની ગિરનાર સિનેમા નજીક આવેલી ફોરેન ટ્રેડ કચેરીના જોઇન્ટ ડાયરેકટર જનરલ જવારીમલ બિશ્નોઇ પાંચ લાખ રૃપિયાની લાંચમાં ઝડપાઇ ગયા બાદ તેમની કચેરીમાં શનિવારે સવારે સીબીઆઇના અધિકારીઓ વિશેષ તપાસ કરી રહ્યા હતાં ત્યારે અધિકારી જવારીમલે ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ સીબીઆઇની ટીમ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દઇ સીબીઆઇ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગણી કરી હતી. જ્યુડિશીયલ ઇન્કવાયરીની ખાતરી મળતાં અંતે ૩૬ કલાક બાદ ગત મોડી રાતે મૃતદેહ સ્વીકારી લેવામાં આવતાં પોલીસ અને સીબીઆઇની ટીમે રાહતનો દમ લીધો હતો. અધિકારીનો મૃતદેહ તેમના વતન રાજસ્થાનના બિકાનેર ખાતે લઇ જવાયો હતો.

પેકેજડ ફુડની નિકાસ કરતી કંપનીની ૫૦ લાખની બેંક ગેરેન્ટી રીલીઝ કરવા માટે જવરીમલ બિશ્નોઈએ રૃ ૯ લાખની લાંચ માંગી હતી. કુલ ૬ ફાઈલ કલીયર કરવા માટે આ લાંચની રકમ માંગવામાં આવ્યાનું સીબીઆઈ દ્વારા જણાવાયું છે.  કંપનીના અધિકારીઓએ આ બાબતે સીબીઆઈમાં ફરિયાદ કરતા તેના અધિકારીઓએ બે દિવસ પહેલા બપોરે ટ્રેપ ગોઠવી જવારીમલ બિશ્નોઈને પાંચ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. એ પછી શનિવારે સીબીઆઇની ટીમ અધિકારી બિશ્નોઇને સાથે રાખી તેમની કચેરીએ વિશેષ તપાસમાં વ્યસ્ત હતી ત્યારે અચાનક જ જવારીમલ બિશ્નોઇએ નજર ચુકવી ચોથા માળની બારીમાંથી છલાંગ મારી દેતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને મૃત જાહેર કરાયા હતાં.

હોસ્પિટલ ખાતે જવારીમલ બિશ્નોઈના પરીવારજનોમાં રોષ વ્યાપી ગયો હતો. તેમણે સીબીઆઈની ટીમે પૂર્વયોજીત કાવતરૃ રચી હત્યા કર્યાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહી સીબીઆઈની ટીમ સામે હત્યાનો ગુનો નોંધાય પછી જ મૃતદેહ સ્વીકારશું તેવું કહી દેતાં પોલીસ અધિકારીઓ, સીબીઆઇની ટીમ મુંજવણમાં મુકાયા હતાં. બિશ્નોઇ સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલના પોસ્ટમોટમ રૃમ ખાતે એકત્રીત થઈ ગયા હતા. એટલુ જ નહી પોતાની માંગણીઓ સ્વીકારાય તે માટે ધરણાં પણ શરૃ કરી દીધા હતા. જવારીમલ બિશ્નોેઈના પરીવારને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મૃતદેહ સ્વીકારવા માટે ઘણી વિતંતી કરી હતી. પરંતુ તેમણે જયાં સુધી સીબીઆઈની ટીમ સામે ખુનનો ગુનો નોંધાઇ પછી જ મૃતદેહ સ્વીકારશું તેમ કહી દીધું હતું.

દરમિયાન રવિવારે સવારે જવારીમલના પરીવારજનો અને તેમના વકીલ ઝોન-૨ ના ડીસીપી સુધિરકુમાર દેસાઈ અને એસીપી ભાર્ગવ પંડયાને મળ્યા હતા. બંને પક્ષો વચ્ચે આખો દિવસ ચર્ચાઓ-વાટાઘાટો થઈ હતી. અંતે બિશ્નોઇ પરીવારના સભ્યોને જે પણ આક્ષેપોહોય તે લેખિતમાં આપવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત જયુડીશીયલ ઈન્કવાયરીની માંગ પણ સ્વીકારાતા રાત્રે મૃતદેહ સંભાળવા તૈયાર થઈ ગયા હતા. આ પહેલા જવારીમલ બિશ્નોઇના પત્નિ અને પુત્રનું એસીપીની હાજરીમાં નિવેદન લેવાયું હતું. આ વખતે પણ હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. આ આક્ષેપોની હવે તપાસ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવતાં મૃતદેહ સંભાળાયો હતો.

કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં અગાઉ નિયમ મુજબ મેજીસ્ટેરીયલ તપાસ થતી હતી. પરંતુ માનવ અધિકાર પંચે હવેથી આવા કેસોની જયુડીશીયલ ઈન્કવાયરીનો હુકમ કર્યો હોવાથી નિયમ મુજબ જવારીમલ બિશ્નોઈના સીબીઆઈ કસ્ટડીમાં થયેલા મોતના મામલે પણ જયુડીશીયલ ઈન્કવાયરી થશે. રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ટુંક સમયમાં જયુડીશીયલ ઓફિસરની આ માટે નિમણુંક કરશે. આ ઉપરાંત તેની સાથે રાજકોટના એસીપી રેન્કના અધિકારી પણ ઈન્કવાયરી કરશે. તેમ જણાવાયું હતું. રવિવારે રાતે મૃતદેહ સ્વીકારાતાં અંતે પોલીસ, સીબીઆઇ ટીમે રાહત અનુભવી હતી.

(12:38 pm IST)