Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સામાજીક સહિત વિશેષતઃ હાસ્‍ય નાટય લેખક સ્‍વ.દામુ સાંગાણી

આજે વિશ્વ રંગભુમિ દિન

આજે વિશ્વ રંગભુમિ દિને સ્‍મરણ થઇ આવ્‍યુ છે. એક એવા હાસ્‍યનાટય લેખકનું, જેના લગભગ દસેક નાટકોમાં આ લખનારે કામ કરવાનું બન્‍યુ હતું. યસ, એ હતા સ્‍વ.દામુ સાંગાણી. તેઓએ લોકોને સતત હસાવતા રાખવા માટે એકસોથી વધુ નાટકો સહિત, વાચકો માટે એવી જ થોડી હાસ્‍ય નોવેલ્‍સ તથા નવલિકાઓ પણ આપી હતી. આવા બધા સર્જનોમાં પાત્રોની નબળાઇઓ, દુર્ગુણો, કુટેવો પર કટાક્ષો તેમજ પરિસ્‍થિતિજન્‍ય અને શાબ્‍દિક નિર્દોષ હાસ્‍ય નિષ્‍પન્ન કરવાની ખુબી હતી. તા.૨૦/૧૧/૧૯૧૨ના દિવસે એ જન્‍મ્‍યા. ૧૯૩૫માં પાલીતાણા ભકિત પ્રદર્શન નાટક કંપનીમાં જોડાયા પછી, લક્ષ્મી કલાકેન્‍દ્ર, મુંબઇ તેમજ ચીમનલાલ ભોજકની ચેતન નાટક કંપનીના નાટય લેખનથી જાણીતા બન્‍યા. તે પછી તો ગુજરાતભરની તથા મુંબઇની ઘણી જુની-નવી સ-અવતેનીક નાટય સંસ્‍થાઓ માટે પ્રમાણમાં સર્જવા સહજ બની રહે તેવા કરૂણરસના સામાજીક સહિત વધુ  કહીને પ્રહસનીક તથા ફારસીકલ પોતાના જ મૌલિક નાટકો જેવાં કે કોની લક્ષ્મી, કુટુંબ કાજે, ઘરસંસાર, કુળની લાજ, ભવના સોદા, ઇશ્વરે ઘર બદલ્‍યું, અમે એવા નથી, શું હતા ને શું થઇ ગયા, આવ્‍યા એવા ગયા, મોટા ઘરના જમાઇ, લાવલાવને લાવ, ટાળો ટાળો તોયે ગોટાળો, માન માન મારૂ માન, ઘરના જ ફરી ગયા (કિસ્‍સા લગનકા), ગળે પડયા(નોકરી છોકરી તોબાતોબા, જે માટ ે ભરત યાજ્ઞિક-કલા નિકેતનને સ્‍પર્ધામાં ઘણા પારિતોષિક, ૧૯૭૪માં મળેલ) હું ઘેર નહિ આવું, છતમાં છકી ગયા કુંવારાની લીલા અને ડાર્લીગ નહિ જોઇએ વિ.વિ.આ તમામ માહેના થોડા નાટકોને મુંબઇની સંસ્‍થાએ વિદેશોમાં પણ રજુ કર્યા.

 તેઓના ઉપરોકત તથા અન્‍ય સહિત સંખ્‍યાબંધ નાટકો ગુજરાતભરની તથા કોલેજોના વાર્ષિકોત્‍સવમાં લગભગ બે દાયકાઓ સુધી સતત ભજવાતા રહયા છે. જ મહિનાઓમાં નટ-નટી શૂન્‍ય પણ રહેતા. રાજકોટના તત્‍કાલીન પીઢ નાટયકર્મી સ્‍વ.શ્રી સુરેશ રાવલ તેમજ અમદાવાદના પી.ખરસાણીએ પણ દામુભાઇના નાટકો કદાચ સવિશેષ ભજવ્‍યાનો પાકકો ખ્‍યાલ છે.

દામુભાઇનું એક નોખીજ ભાતનું સામાજીક નાટક ઇશ્વરે ઘર બદલ્‍યુ રાજકોટના જ સ્‍વ.ગિજુભાઇ વ્‍યાસની સંસ્‍થા સૌરાષ્‍ટ્ર કલારાસોત્‍સવ મંડળે ૧૯૬૦-૬૫ના અરસામાં ઠીકઠીક પ્રયોગો કર્યા હતા. જેમાં તે વખતના પ્રખ્‍યાત હાસ્‍યકલાકાર અને રાજકોટ આકાશવાણીના નાટય નિર્માતા હરસુખ કિકાણી, ઇલાબેન માંકડ, લાલુભાઇ વ્‍યાસ, જગદીશ બુચ અને હાલજે અમદાવાદ સ્‍થાયી છે તે જનક દવે વિ.એ ભાગ લીધાનો અણસાર છે. પછીથી જીજ્ઞાસાવસ ગિજુભાઇ પાસેથી વાંચવા મેળવેલ એ નાટકની સ્‍ક્રીપ્‍ટ આજે પણ હસ્‍તગત છે. જેના કેટલાક પાત્રો અને  પ્રસંગો તથા સંવાદોપણ વર્તમાન પ્રવાહ અને પરિસ્‍થિતિએ એકદમ પ્રસ્‍તુત લાગે તેમ લાગ્‍યા વિના રહે નહિ.

માનવજીવનમાં અનેક પ્રસંગોએ માણસનું મો હસતુ હોય તો દેખાય, પણ માહયલો જાણે રડી રહયો હોય. આવા પ્રસંગો દૃષ્‍યોનું પણ પોતાના કોઇ કોઇ સીરીયલો-કોમેડી નાટકમાં અસરદાર નિરૂપણ જોવા મળતું. અને હા, તેના લગભગ દરેક નાટકોમાં વ્‍યકિતગત કે સામાજીક રૂઢીઓ પર પણ કટાક્ષરૂપી ધારદાર કલમ ફરી મળતી જ હોય. દામુભાઇના આવા લગભગ સર્વનાટકો, નવલકથાઓને રાજકોટના બહુ જ પ્રસ્‍થાપિત અને જાણીતા પ્રકાશક નવયુગ પુસ્‍તક ભંડાર સતત પ્રસ્‍તુતિ આપતારહેતા.

અલબત સમય પલ્‍ટો આવતા પ્રબોધ જોષી, મુળરાજ રાજડા ધનસુખલાલ મહેતા વિ.જેવા ઘણા નવા પ્રવાહ અને શૈલીના હાસ્‍ય નાટય લેખકોનો આ ક્ષેત્રે પ્રવેશ પછીથી દામુભાઇની શૈલી નવયુવા રંગકર્મીઓને ભટ્ટી, સ્‍થુળ અને રીપીટેશનલ જણાવા લાગી અને આ કારણે જ કદાચ તેની કલમ થંભી ગઇ હશે

દેહાવસાન સુધીમાં વિશેષતઃ તેઓ રાજકોટમાં જ સ્‍થાયિ રહયા. રાજકોટના સાંગણવા ચોકના પલાણ પાનની દુકાને જયંત પલાણ જેવા તે વખતના જાણીતા કવિ, સાહિત્‍યકારો અને કલાકારો સાથે તેઓની બેઠક રહેતી. સતત આર્થિક ખેંચ વચ્‍ચે પણ દામુભાઇ પોતાના રચેલા પાત્રો માફક હસતા હસાવતા જ રહેતા. તેઓનું નાટક ભજવ્‍યા પછી તમોને અમે આ રોયલ્‍ટી ન આપીએ તો શું તમે અમારા પર કેસ કરો ખરા? એવું સહજ ભાવે પુછતા ત્‍યારે તે હસતા જવાબ દેતાની મારે કેસ કરવો હોય તમારા પર, તો તેના ખર્ચના પૈસા ય મારે તમારા જેવા નાટકવાળાઓ પાસેથી જ માગવા પડે આવા હસ્‍તા અને સીને હસાવનાર જુની-નવી રંગભૂમિના મૌલીક હાસ્‍ય નાટય લેખકને તેની આ સેવા માટે ગુજરાત સંગીત અકાદમીએ ૧૯૭૨માં સન્‍માનિત કર્યાના આનંદનો ઓડકાર લીધા પછીના ત્રણેક વર્ષ બાદ તા.૧૭/૪/૭૫માં દામુભાઇએ પોતાનું ઘર બદલી ઇશ્વરના ઘરને વ્‍હાલુ કર્યુ. કદાચ તેને પણ હસાવવા!!                            

આલેખન

કૌશિક સિંધવ મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

 

(3:39 pm IST)