Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રવિવારે વેરાવળમાં વિજ્ઞાન જાથાનો ચમત્‍કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ તા. ૨૭ : ગીર સોમનાથ વેરાવળ લોકજાગૃતિ મંચના ઉપક્રમે અંધશ્રધ્‍ધા નિવારણ અર્થે તા. ૨ એપ્રિલના રવિવારે સાંજે પ વાગયે વેરાવળ ટાવર ચોક પાસે, પબ્‍લીક ગાર્ડનમાં ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્‍કારોથી ચેતો' જનજાગૃતિ કાર્યક્રમ યોજેલ છે.

જેનું વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ઉદ્દઘાટન લોકજાગૃતિ મંચના પ્રમુખ બીપીનભાઇ શાહ, સેક્રેટરી અનિલભાઇ પુરોહીત, ઉપપ્રમુખ દીનેશભાઇ વૈદ્ય, કીરીટભાઇ ઉનડકટ, દીપકભાઇ ટીલાવત, કિરીટભાઇ જાની, પ્રોજેકટ ચેરમેન જીતેન્‍દ્રભાઇ કતીરા, મહેન્‍દ્રભાઇ ધાનક, સંજયભાઇ દાવડા અને મહેમાનોની હાજરીમાં થશે.

જેમાં જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા વ્‍હેમ, અંધશ્રધ્‍ધા, ચમત્‍કાર ઉપર ધારદાર વકતવ્‍ય આપશે. જયારે તેમની ટીમના સદસ્‍યો દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ-લોહી નિકળવું, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવું, હાથ માથા ઉપર દીવા રાખવા, બોલતું તાવીજ, બેડી તુટવી વગેરેનું સ્‍થળ પર જ નિદર્શન કરી લોકોને શીખવી દેવામાં આવશે.

આ પ્રયોગોમાં જાથાના અંકલેશ ગોહીલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, વિપુલભાઇ ગોસ્‍વામી, રામભાઇ આહીર, હર્ષાબેન પંડયા, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, સુરત સત્‍ય શોધક સભાના સિધ્‍ધાર્થ દેગામી, ભારતીબેન દેગામી ભાગ લેશે. આવા કાર્યક્રમો યોજવા ઇચ્‍છુકો વિજ્ઞાન જાથા કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી શકે છે.

(4:35 pm IST)