Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કારમાંથી ફેંકાયેલા મવડીના કારખાનેદારના મોત પાછળ 'કાનાની કરતૂત' બહાર આવવાની શકયતા

મુળ કાલાવડના પીપરના કિશોરભાઇ સાવલીયા (ઉ.વ.૪૨) ગઇકાલે સવારે ૧૧ વાગ્યે એકટીવા લઇ વાવડીના કારખાનેથી નીકળ્યા બાદ રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા પાસે ઘાયલ મળ્યા, હોસ્પિટલે ખસેડાયા અને દમ તોડ્યો : ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં પછડાટથી ઇજા થતાં મોતનું તારણઃ મહિકાના કાના બાવાજીને શોધતી પોલીસઃ હોટેલ પાસે ગાળાગાળી ઝઘડો થયા બાદ કાના સહિતના ત્રણ જણા કિશોરભાઇને કારમાં બેસાડી લઇ ગયા, થોડે દૂર કાર પહોંચતા ચાલુ કારે ફેંકાયાઃ ભાગવા જતાં પટકાયા કે ધક્કો માર્યો? હત્યા કે સાપરાધ મનુષ્યવધની ઘટના?: તે સહિતના મુદ્દે આજીડેમ પોલીસની તપાસનો ધમધમાટ : કિશોરભાઇ ત્રણ બહેન, બે ભાઇમાં નાના હતાં: માતા-પિતા, પત્નિ, પુત્ર સહિતના સ્વજનો શોકમાં ગરકઃ વતન પીપર ગામે અંતિમવિધી

રાજકોટ તા. ૨૭: મવડી બાપા સિતારામ ચોક રોયલ પાર્ક પાસે પરમેશ્વર સોસાયટીમાં ભાડેથી રહેતાં મુળ કાલાવડના પીપર ગામના વતની પટેલ કારખાનેદાર કિશોરભાઇ ભીખાભાઇ સાવલીયા (ઉ.વ.૪૨) ગઇકાલે બપોરે રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા પાસે ચાલુ કારમાંથી ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં દમ તોડી દીધો હતો. આ ઘટનામાં મહિકાના વતની એવા કાના બાવાજીની કોઇ કરતૂત કારણભૂત હોવાનું ખુલી રહ્યું હોઇ કાનાને સકંજામાં લેવા આજીડેમ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કિશોરભાઇને મહિકા નજીક હોટેલ પાસે કાના સહિતના શખ્સો સાથે બોલાચાલી ગાળાગાળી થતાં હોટેલ માલિકે દૂર જવાનું કહેતાં તેને કાનો સહિતના શખ્સો કારમાં બેસાડી રવાના થયા બાદ હોટેલથી થોડે દૂર કાર પહોંચી ત્યારે કિશોરભાઇ કારમાંથી ફેંકાઇ ગયા હતાં. તેમને ધક્કો દેવાયો હતો કે ભાગવા જતાં પડી ગયા? એ સહિતના મુદ્દે તપાસ શરૂ થઇ છે.

ઘટનાની વિગતો એવી છે કે મવડીમાં રહેતાં કિશોરભાઇ સાવલીયા ગઇકાલે સવારે નિત્યક્રમ મુજબ પોતાનું એકટીવા લઇને વાવડી ઇલેકટ્રીક ચીજવસ્તુ બનાવવાના પોતાના કારખાને ગયા હતાં. ત્યાંથી તેઓ સવારે અગિયારેક વાગ્યે એકટીવા લઇને બહાર નીકળ્યાનું તેમના કારીગરોએ કહ્યું હતું. એ પછી પોણા એકાદ વાગ્યે તે રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકા નજીક ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

૧૦૮ના સ્ટાફની પુછતાછમાં તેમણે પોતાનું નામ કિશોરભાઇ સાવલીયા હોવાનું અને સરનામુ પણ જણાવતાં તેમજ પોતાના કાકાના દિકરાના મોબાઇલ નંબર આપતાં ૧૦૮ની ટીમે સગાને તુરત જાણ કરી હતી. એ પછી કિશોરભાઇને હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, કોૈશેન્દ્રસિંહ, શૈલેષભાઇ, જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ તેમજ ડી. સ્ટાફ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ નજીક આવેલી હોટેલ ખાતે પુછતાછક રતાં લક્કીરાજ ફાર્મ પાસે આવેલી ચાની હોટેલવાળાએ કહ્યું હતું કે ચાર લોકો હોટેલ પાસે ઉભા રહી ઝઘડો અને ગાળાગાળી કરતાં હોઇ ચારેયને ત્યાંથી જતાં રહેવાનું કહેતાં સફેદ રંગની નંબર વગરની અર્ટીગા કારમાં ચારેય ત્યાંથી નીકળી ગયા હતાં. એ પછી કાર થોડે આગળ વધી ત્યાં જ તેમાંથી એક ભાઇ ફેંકાયા હતાં. જે કિશોરભાઇ સાવલીયા હોવાનું નક્કી થયું હતું.

પોલીસે તપાસ કરતાં જેણે કિશોરભાઇ સાથે ડખ્ખો કર્યો તેમાં એક મહિકાનો કાનો બાવાજી અને બાકીના તેના મિત્રો કે સગા હોવાનું સામે આવતાં કાનાની શોધખોળ શરૂ કરી છે. કાના સાથે કિશોરભાઇને પૈસાની લેતીદેતીનો ડખ્ખો થયો હતો કે બીજા કોઇ અંગેનો ડખ્ખો હતો? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં કારમાંથી ભાગવાના પ્રયાસમાં તેઓ પડી જતાં મોત થયું કે પછી ઝપાઝપીમાં ધક્કો મારી દેવાયો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં માથામાં ઇજાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો છે. આ ઇજા રોડ પર પટકાવાના કારણે થઇ હોઇ શકે તેવી છે. આગળ કાર્યવાહી કરશે. કારખાનેદાર કિશોરભાઇના મોત પાછળ કાનાની કરતૂત સામે આવી રહી હોઇ તેની શોધખોળ હાથ ધરાઇ છે.

મૃત્યુ પામનાર કિશોરભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં નાના હતાં. મુળ પીપરના વતની હતાં. તેમના માતા-પિતા ત્યાં રહેતાં હોઇ અંતિમવિધી વતન પીપર ગામે કરવામાં આવશે. ઘટનાથી પત્નિ અસ્મિતાબેન, માતા સવિતાબેન, પિતા ભીખાભાઇ કરસનભાઇ સાવલીયા, પુત્ર, ભાઇઓ, બહેનો સહિતના સ્વજનો-મિત્રો શોકમાં ગરક થઇ ગયા છે.  મોતનું રહસ્ય ઉકેલવા પોલીસે મથામણ યથાવત રાખી છે.

(2:42 pm IST)