Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજકોટમાં ધોળકીયા સ્કુલના યજમાનપદે નેશનલ સાયન્સ ફેરનો પ્રારંભ

૩૧ મી સુધી આયોજન : દેશભરની શાળાઓ દ્વારા ૧૯ પ્રોજેકટ રજુ : ૪ પ્રોજેકટ ધોળકીયા સ્કુલના બાળ વિજ્ઞાનીકોના : શ્રેષ્ઠ પરફોર્મ કરનારને ઇન્ટરનેશનલ ફેરમાં મોકલાશે

રાજકોટ તા. ૨૮ : સાયન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના શાળા કક્ષાના બાળકોમાં રહેલ વિજ્ઞાન ક્ષેત્રની ખુબીઓને બહાર લાવવા 'ઇન્સેફ નેશનલ સાયન્સ ફેર'નું આયોજન કરવામાં આવે છે. જેમાં પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રોજેકટસ વિશ્વ લેવલે રજુ થાય છે. ત્યારે આવો નેશનલ કક્ષાનો સાયન્સ ફેર રાજકોટ ખાતે ધોળકીયા સ્કુલના યજમાનપદે આજથી પ્રારંભ થયો છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધોળકીયા સ્કુલની ટીમે જણાવ્યુ હતુ કે તા. ૨૮ થી તા. ૩૧ જાન્યુઆરી સુધી કે. જી. ધોળકીયા સ્કુલ ખાતે યોજાયેલ આ નેશનલ સાયન્સ ફેરમાં દેશભરની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૯ પ્રોજેકટ રજુ થનાર છે. જેમાં ૪ પ્રોજેકટ ખુદ યજમાનપદ સંભાળનાર ધોળકીયા સ્કુલના વિદ્યાર્થીઓના હશે.

આ નેશનલ ફેરમાં શ્રેષ્ઠ પરફોર્મ કરનારને આગળ ઇન્ટરનેશનલ કક્ષાએ ભાગ લેવાની તક પુરી પાડવામાં આવશે.

આવા સાયન્સ ફેરમાં દર વર્ષે ધોળકીયા સ્કુલ ભાગ લ્યે છે. ત્યારે આજથી રાજકોટમાં શરૃ થયેલ સાયન્સ ફેરમાં ધોળકીયા સ્કુલના ૬ વિદ્યાર્થીઓ ચાર પ્રોજેકટસ રજુ કરનાર છે. ધો.૮ માં અભ્યાસ કરતી કુ. યશ્વી ચિકાણી અને કુ. મોક્ષા સોઢાત્રાએ પેપર ટુથ બ્રશનો પ્રોજેકટ તૈયાર કર્યો છે. તો ધો.૯ માં અભ્યાસ કરતી કુ. જીયા ભીમાણીએ બાયો પ્લાસ્ટીકનો પ્રોજેકટ તેમજ ધો. ૯ ના મણવર વર્મા અને મણવર રીધમ દ્વારા વેસ્ટ પ્લાસ્ટીક અને રેતીની મદદથી તૈયાર થી વોટર પ્રુફ ટાઇલ્સનો પ્રોજેકટ મુકવામાં આવ્યો છે. જયારે ધો.૯ ના ઘઘડા ધ્યાનેશે ટ્રાફીક મેનેજમેન્ટનો પ્રોજેકટ રજુ કર્યો છે.

તમામ પ્રોજેકટની વિશેષ ખાસીયાતો છે. જે મુલાકાતીઓને રૃબરૃ નિદર્શન કરીને બતાવાશે.

એસએસઆઇ છેલ્લા ૧૨ વર્ષથી આવા ફેર યોજે છે. ઇન્સેફ દેશના ટોચના વિજ્ઞાન મેળામાં સ્થાન ધરાવે છે. ત્યારે ઇન્સેફ નેશનલ ફેર ૨૦૨૩ નું યજમાનપદ રાજકોટની ધોળકીયા સ્કુલને મળ્યુ હોય  અનેરા ઉત્સાહભેર આજથી નેશનલ ફેરનો આરંભ થઇ ચુકયો છે. દેશભરના બાળ વૈજ્ઞાનિકો રાજકોટના મહેમાન બન્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધોળકીયા સ્કુલના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા અને બાળ વૈજ્ઞાનિકો ધ્યાનેશ ઘઘડા, કુ. જીયા ભીમાણી, મર્મ મણવર,  રીધમ મણવર, કુ. યશ્વી ચિકાણી, કુ. મોક્ષા સોઢાત્રા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:33 pm IST)