Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

આઠ વર્ષથી ફરાર ‘લૂંટેરી દૂલ્‍હન' ગીતાને યુનિવર્સિટી પોલીસે છોટાઉદેપુરથી પકડી

૨૦૧૬માં ગુનો નોંધાયા પછી પાંચને પકડી લેવાયા હતાં: સુત્રધાર ફરાર હતી :પરણેલી યુવતિને કુંવારી હોવાનું કહી કાવત્રુ ઘડી લગ્નના નામે ૩ાા લાખની ઠગાઇ કરી હતીઃ ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અને પીઆઇ એન.આઇ. રાઠોડની રાહબરીમાં કાર્યવાહી : પીઆઇ સી. એચ. જાદવ, હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળાની બાતમી

રાજકોટ તા. ૨૮: લગ્નવાંચ્‍છુ યુવાનો સાથે પરપ્રાંતિય યુવતિને પરણાવી છેતરપીંડી કરવાના બનાવો અવાર-નવાર બનતાં રહે છે. રાજકોટ શહેરના એક યુવાન સાથે આ રીતે અઢી લાખની ઠગાઇ કરવામાં આવી હતી. આઠ વર્ષ પહેલાના આ બનાવમાં અગાઉ પોલીસે ટોળકીના પાંચ આરોપીને પકડી લીધા હતાં. પરંતુ લૂંટેરી દૂલ્‍હન એવી મહિલા હાથમાં આવી નહોતી. તેણીને યુનિવર્સિટી પોલીસે છોટુઉદેપુર પંથકમાંથી પકડી લીધી છે.

જે તે લગ્નવાંચ્‍છુ યુવાન કે જેના સગપણ થતાં ન હોઇ તે પરિચીતો મારફત કે બીજી કોઇપણ રીતે એજન્‍ટોના સંપર્ક કરી પરપ્રાંતની કન્‍યાઓ સાથે પરણતા હોય છે. આવા અનેક કિસ્‍સામાં કન્‍યાઓ ઇમાનદારીથી સંસારને આગળ ધપાવતી હોય છે. પરંતુ અમુક ટોળકીઓ લગ્નના નામે ઠગાઇ કરતી હોય છે. જે તે કન્‍યાને જે તે મુરતીયા સાથે પરણાવી તેની પાસેથી રોકડ મેળવી લેવાય છે. બાદમાં લગ્ન પછી બહાના કરી નવીનવેલી દૂલ્‍હન પતિના ઘરેથી નીકળી જાય છે અને જતાં જતાં ઘરમાંથી દાગીના રોકડ પણ ઉસેડતી જાય છે. આવો જ એક બનાવ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં વર્ષ ૨૦૧૬માં નોંધાયો હતો.

જેમાં એક યુવાનને લગ્ન કરવા હોઇ તેણે એજન્‍ટ મારફત સંપર્ક કરતાં નર્મદા જીલ્લાના તીલવાડા તાબેના ધણસીદા ગામની યુવતિ ગીતા ઉર્ફ સંગીતા પ્રવિણભાઇ તડવી સાથે તેના લગ્ન કરાવી દેવાયા હતાં. આ યુવતિ પરણેલી હોવા છતાં તે કુવારી છે તેવું કહી તેના લગ્ન યુવાન સાથે કરાવી દેવાયા હતાં અને તેના બદલામાં એક લાખ રોકડા મેળવી લેવાયા હતાં. લગ્નના બીજા જ દિવસે ગીતા ઉર્ફ સંગીતા માવતરે કામ ેછે તેમ કહીને નીકળી ગઇ હતી. બાદમાં ખબર પડી હતી કે તે ઘરમાંથી અઢી લાખના દાગીના પણ લઇ ગઇ છે.

આ મામલે જે તે વખતે સંગીતા ઉર્ફ ગીતા તેમજ તેની ટોળકીના ઇશ્વર ફુલજી તડવી, અનસુયા ઇશ્વર, જશી વેચા તડવી, મયુર ઝવેર ગોટી, રમણ રણછોડ પટેલ (રહે. તમામ જરીયા વાડી, સાવલી, સાણંદ) અને સામત જોગા જોગરાણા (રહે. રૈયાધાર રાધેશ્‍યામ ગોૈશાળા પાસે) વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૯૫, ૧૨૦-બી મુજબ ગુનો નોંધાયો હતો. જે તે વખતે પોલીસે અનસુયા, મયુર, જશી, ઇશ્વર અને રમણને પકડી લીધા હતાં. લૂટેરી દુલ્‍હન બનેલી ગીતા ઉર્ફ સંગીતા સાત વર્ષથી ફરાર હતી. તે હાલમાં છોટાઉદેપુરના સંખેડા તાબેના ખુનવાર ગામે હોવાની પાક્કી બાતમી પીઆઇ સી. એચ. જાદવ અને હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળાને મળતાં પીઆઇની સુચનાથી રઘુવીરસિંહ, કોન્‍સ. પ્રાદિત્‍યસિંહ ઝાલા, સિકંદરભાઇ ભટ્ટી, મહિલા કોન્‍સ. શ્રધ્‍ધાબા ચોૈહાણ ટીમ બનાવી સંખેડા પહોંચ્‍યા હતાં અને ગીતા ઉર્ફ સંગીતાને પકડી લાવ્‍યા હતાં.

આગળની તપાસ પીએસઆઇ એન. જે. મશાપુત્રા કરી રહ્યા છે. પીઆઇ એન.આઇ. રાઠોડ, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ બી.આર. ભરવાડ, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્‍સ. રઘુવીરસિંહ વાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ ડોડીયા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, પ્રાદિત્‍યસિંહ ઝાલા, સિકંદરભાઇ ભટ્ટી, શ્રધ્‍ધાબેન ચોૈહાણે આ કામગીરી કરીહતી.

(3:52 pm IST)