Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વિજયભાઇ રૂપાણીના સુશાસન સપ્તાહની ઉજવણી : રાજકોટમાં ૧૫ ઇલેકટ્રીક બસનું લોકાર્પણ

૨જી ઓગસ્ટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં રાજકોટમાં 'સંવેદના દિન' ઉજવણીની તડામાર તૈયારીઓ : કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આયોજનની બેઠક યોજાઇ

રાજકોટ,તા. ૨૮ : રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂરા થતા હોય સરકાર દ્વારા  ૧ થી ૯ ઓગસ્ટ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી થનાર છે. જે અંતર્ગત રાજકોટમાં મ.ન.પા.માં ઉપક્રમે શરૂ થનારી ઇલેકટ્રીક બસ સેવા માટે ૧૫ ઇલેકટ્રીક બસ કે જેમાં એર કંન્ડીશન અને ૨૭ બેઠકો સહિત ૫૦ જેટલા મુસાફરોની ક્ષમતા છે. તે તમામ બસનું લોકાર્પણ થશે.

પાંચ વર્ષ આપણી સરકારના - સૌનો સાથ સૌનો વિકાસ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧ ઓગસ્ટ થી થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજકોટ શહેર તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

તા. ૨ જી ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં 'સંવેદના દિન'ની રાજયવ્યાપી ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સાથે ઇલેકિટ્રક બસનું લોકાર્પણ સહીત મહાનગરના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧ ઓગસ્ટ ના રોજ યોજાનાર જ્ઞાન શકિત દિન, તા. ૨ ઓગસ્ટના રોજ સંવેદના દિન, તા. ૪ ઓગસ્ટના રોજ મહિલા સશકિતકરણ દિન, તા. ૫ ઓગસ્ટના રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા. ૬ ઓગસ્ટના રોજ યુવા શકિત દિન, તા. ૭ ઓગસ્ટના રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા. ૮ ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિન, તેમજ તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની રાજયવ્યાપી ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

આ બેઠકમા નગરપાલિકા કમિશનર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર ડેપ્યુટી કમિશનર રાજકોટ નગરપાલિકા વિસ્તાર ચૌધરી, પ્રાંત અધિકારીઓશ્રી ચરણસિંહ ગોહિલ, સિદ્ઘાર્થ ગઢવી, વિરેન્દ્ર દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, અધિકારી શ્રી ટોપરાણી સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ વિડીયો કોન્ફ્રન્સથી જોડાયા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની માહિતી પુરી પાડી હતી. 

(3:42 pm IST)