Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

લોઠડા પીપલાણા ઇન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારોમાં બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, વીજ, રસ્તા અંગેના હકારાત્મક સૂચનો રજૂ કરતાં વિવિધ એસો .ના પ્રતિનિધિઓ

રાજકોટની ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા તેમજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જનસેવાની માળખાગત સવલતો ઉપલબ્ધ કરવા અંગે કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

રાજકોટ :રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય અને એક્સપોર્ટને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ સરકારી વિભાગોના સંકલનથી મળતી જિલ્લા કક્ષાની ડી.ઈ.પી.સી. કમિટી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંકલનથી યોજાતી સ્વીફટ મીટીંગ કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ મિટિંગમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ ધનસુખભાઈ વોરા, લોઠડા પીપલાણા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વિસ્તારના પ્રમુખ જયંતીભાઇ સરધારા સહિતના અગ્રણીઓએ સંબંધિત વિસ્તારોમાં રોડ, પી.જી.વી.સી.એલ.ના કનેક્શન, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ સેવાઓ, સિટી બસ સેવા, પાણી, ફોરેસ્ટ, પર્યાવરણ સહિતની કામગીરી અંગે જરૂરી હકારાત્મક સૂચનો કર્યા હતા. કલેકટરશ્રીએ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓના સૂચનો સાંભળી સબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ કચેરીના અધિકારી અભિષેક શર્માએ રાજકોટ અંગે જરૂરી માંગણી સૂચનો સાંભળી સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીએ મિટીંગનો એજન્ડા જણાવી વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત થયેલી કામગીરી સહિતની વિગતો આપી હતી.
કલેકટરએ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગ્રીનબેલ્ટ બનાવવા માટે પ્લાન્ટેશન કરવા અને ફોરેસ્ટ ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે સંકલન કરી પર્યાવરણ લક્ષી કામગીરી કરવા પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં રૂડા, આરએમસી, પીજીવીસીએલ ,અર્બન ડેવલોપમેન્ટ ટાઉન પ્લાનિંગ,જીપીસીબી, જિલ્લા પંચાયત, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, સહિતની કચેરી વિભાગોના અધિકારીઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:27 pm IST)