Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

‘કોંગ્રેસ સાથ માઁ કે દ્વાર' યાત્રાનો રાજકોટથી પ્રારંભ

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્‍યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ : વિશાળ યાત્રા

રાજકોટ : કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્‍યારે આજે સવારે રાજકોટથી સિદસર સુધી ‘કોંગ્રેસ સાથ માં કે દ્વાર' યાત્રાનો રેસકોર્ષના સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍ટેચ્‍યુ ખાતેથી પ્રારંભ થયો છે. આ યાત્રા શાપર, ગોંડલ, વિરપુર અને ત્‍યાંથી ખોડલધામ જશે. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે. ખોડલધામથી જેતપુર, જૂનાગઢ, ગાંઠીલા ઉમિયા માતાજીના મંદિરે બાદમાં વંથલી, માણાવદર, પાટણવાવ, ઉપલેટા, ભાયાવદર, પાનેલી અને સીદસર પહોંચી ઉમિયા માતાજીના દર્શન કરવામાં આવશે. આ યાત્રા સૌરાષ્‍ટ્રની ૨૪થી વધુ વિધાનસભા સીટોને આવરી લેશે. આ યાત્રામાં વિશાળ સંખ્‍યામાં કાર્યકરો અને લોકો જોડાયા છે. આજે સવારે આ યાત્રાનો પ્રારંભ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્‍યસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશનભાઇ ઓઝા તથા ધારાસભ્‍ય લલિતભાઇ કગથરા સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્‍યો હતો. આ યાત્રામાં પ્રદેશ કોંગી આગેવાન ગાયત્રીબા વાઘેલા, અર્જુનભાઇ ખાટરિયા, મહેશ રાજપૂત તથા ગોપાલ અનડકટ તેમજ સૌરાષ્‍ટ્ર કોંગ્રેસના આગેવાનો તથા જિલ્લા - તાલુકા કોંગ્રેસના કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(12:02 pm IST)