Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટમાં ભારતની નાગરિકતા મેળવનાર ૧૩૫ જેટલા પાકિસ્‍તાની નિરાશ્રિતો પ્રથમ વખત મતદાન કરશે

રાજકોટ તા. ૨૮ : પાકિસ્‍તાન છોડી અમે રાજકોટમાં કેટલાય વર્ષોથી નિરાશ્રિતોની જેમ રહેતા, જયારે અમને ભારતીય નાગરિકત્‍વ મળ્‍યું ત્‍યારે ખુબ ખુશી થઈ હતી, પરંતુ હવે આ દેશના નાગરિક તરીકે અમને મતદાનનો પણ અધિકાર પ્રાપ્ત થતા અમારી ખુશી બેવડાઈ ગઈ હોવાનું નિરાશ્રિત શક્‍તિ માતંગ અને તેમના પરિવારજનોએ ઉમેર્યું હતું.

રાજકોટમાં પાકિસ્‍તાનથી સ્‍થળાંતરીત થયેલ અનેક લોકો સ્‍થાયી થવા લાગ્‍યા છે. જેમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્‍તારમાં ઘણા પરિવારોને ભારતીય નાગરિકત્‍વ મળી ચૂક્‍યું છે. સાથે તેઓને મતદાન કાર્ડ પણ મળી  જતા ૧૩૫ જેટલા પાકિસ્‍તાની ભારતીય કે જેઓ હવે ભારતીય નાગરિક છે તેઓ પ્રથમ વખત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ માં મતદાન કરશે.

પાકિસ્‍તાનના કરાંચીમાંથી રાજકોટ આવેલા શક્‍તિ માતંગની સાથે તેમના અન્‍ય છ પરિવારજનોને પણ  મતાધિકાર  મળતા રાજીપો  વ્‍યક્‍ત  કરી જણાવ્‍યું હતું કે, ચૂંટણી કાર્ડ અમારી  સાચી ઓળખ છે. અમે હવે વધુ આત્‍મવિશ્વાસ સાથે જીવન જીવી  શકીએ છીએ. લોકો હવે અમને માનથી જુએ છે. અમે હવે નિヘંિતપણે હરીફરી શકીએ છીએ.  

જયારે ૨૨ વર્ષીય યુવતી કેશર પાતરીયા યુવાનોને મતદાનનું મહત્‍વ સમજાવતા કહે છે કે, મતાધિકાર સાથે યોગ્‍ય વ્‍યક્‍તિને ચૂંટી  દેશના ભવિષ્‍ય નિર્માણ કરવાનું આપણા હાથમાં છે, ત્‍યારે આપણે સૌએ મતદાન ચોક્કસ કરવું જોઈએ. બી.એ. નો અભ્‍યાસ કરતી કેશર અને તેમનો પરિવાર ભારત સ્‍થાયી થવા અંગે જણાવે છે  કે અમને અહીં ઉજજવળ ભવિષ્‍ય દેખાય છે. અમારી કારર્કીદી બનાવવા માટે અહીં ખુબ સારું વાતાવરણ છે.

હજુ  બે મહિના પહેલા જ જેમને વોટર આઈડી મળેલું  છે તેવા  સુનિલ મહેશ્વરી કે જેઓ ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરી સન્‍માનપૂર્વક જીવન વિતાવે છે. તેઓ મતદાર કાર્ડનું મહત્‍વ સારી રીતે  જાણે છે. મતાધિકાર સાથે તેઓ સંપૂર્ણ ભારતીય હોવાનું ગર્વ અનુભવે છે    

આ સાથે રામજીભાઈ બૂચિયા, કિશનલાલ મહેસ્‍વરી સહીત આ વસાહતમાં રહેતા અન્‍ય લોકોએ પણ મતાધિકાર મળતા વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ માં આગામી તા. ૧લી ડિસેમ્‍બરના રોજ ઉત્‍સાહપૂર્વક મતદાન કરવાનો કોલ આપ્‍યો હતો.ચૂંટણી કમિશન, ગુજરાત તેમજ રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુ અને તેમની ટીમ દ્વારા મોટી સંખ્‍યામાં લોકો મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અર્થે સુંદર પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા છે ત્‍યારે, પાકિસ્‍તાનથી ભારત આવેલા નાગરિકોને લોકશાહીમાં મતાધિકાર સાથે તેમની સહભાગિતા થવાથી બ્રાન્‍ડ એમ્‍બેસેડર સમાન પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

(11:38 am IST)