Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઓછા માર્જિનવાળી સૌરાષ્‍ટ્રની ૧૦ બેઠક પર અપક્ષ ઉમેદવારો નિર્ણાયક : જીતેલી બાજી હરાવી શકે

ગત ચૂંટણીમાં ભાજપના ફાળે દ્વારકા, મહુવા, રાજકોટ (ગ્રામ્‍ય), ગારીયાધાર, પોરબંદર, બોટાદ તો ઉના, મોરબી, તળાજા અને વાંકાનેરમાં કોંગ્રેસે ટૂંકા માર્જીનથી બાજી મારેલ : ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં જીતના માર્જીન થી વધુ કે તેના જેટલા મતો અપક્ષોના ફાળે હતા

રાજકોટ, તા. ર૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ચાર દિવસ જ બાકી છે. એવામાં તમામ રાજકીય પક્ષો રાત કે દિવસ જોયા વિના સભા ઉપર સભા અને રોડ શો યોજી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્‍ય રાજકીય પક્ષોના ઉમેદવારો વચ્‍ચે સીધો જંગ ખેલાતો હોય છે. તેની વચ્‍ચે અપક્ષ ઉમેદવારો પણ ઘણી જગ્‍યાએ તેમના વર્ચસ્‍વ, પરિસ્‍થિતિને લઈને ફાવી જતા હોય છે. જેમાં સૌરાષ્‍ટ્રની ૧૦ વિધાનસભા બેઠકો એવી છે. આ બેઠકના પરિણામોમાં અપક્ષ ઉમેદવારો હારજીતની બાજી પલટી શકે છે.

૧૦ બેઠકોમાંથી ૬ બેઠકો પર ભાજપનો વિજય

ગત ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્‍ટ્રની ૧૦ બેઠકોમાંથી ૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્‍યા હતા, જ્‍યારે ૪ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જોકે, આ ભાજપની ૬ અને કોંગ્રેસે જીતેલી ૪ બેઠકમાંથી મોટાભાગની બેઠક પર જીતના માર્જીન કરતા અપક્ષોએ મેળવલા મતની સંખ્‍યા વધારે હતી.

સૌરાષ્‍ટ્રની આ ૧૦ બેઠકો વિશે વિગતવાર વાત કરીએ તો દ્વારકા, મહુવા, રાજકોટ ગ્રામ્‍ય, ગારીયાધાર, પોરબંદર અને બોટાદમાં ભાજપના ઉમેદવારો જીત્‍યા હતા. જ્‍યારે ઊના, મોરબી, તળાજા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસે બાજી મારી હતી. સૌથી મહત્‍વની વાત એ છે કે આ તમામ ૧૦ બેઠકો પર ૧૦ કરતા વધુ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો

જીતના માર્જીન આસપાસ અપક્ષોને મળ્‍યા મત

વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર જીત્‍યા હતા. દ્વારકામાં જીતનું માર્જીન ૫૭૩૯ મતોનું હતું, આ બેઠક પર ૨૦૧૭માં અપક્ષોએ તેનાથી વધુ  મત પ્રાપ્ત કર્યા હતા. આવી જ રીતે મહુવામાં ૫૦૦૯ની લીડ સામે અપક્ષોના ફાળે ૫૨,૮૧૫ મત હતા. તો રાજકોટ ગ્રામ્‍યમાં ૨૧૭૯ની લીડ સામે ૩૯૬૧ મત અપક્ષોએ મેળવ્‍યા હતા. આ બેઠક પર ૧૧ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.

ગારીયાધાર બેઠક પર ૧૮૭૬ની લીડ સામે અપક્ષોને ૨૭૩૯ મત મળ્‍યા હતા. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર ૧૮૫૫ની લીડથી જીત્‍યા હતા. જોકે, અપક્ષોને ૨૦૮૭ મત મળ્‍યા હતા. બોટાદમાં પણ ૧૪ ઉમેદવારોએ પોતાની કિસ્‍મત અજમાવી હતી, પરંતુ બાજી ભાજપે જીતી લીધી હતી. ભાજપના ઉમેદવાર માત્ર ૯૦૬ લીડથી જીત્‍યા હતા. જ્‍યારે અપક્ષોને ૧૩,૫૬૭ મતો મળ્‍યા હતા.

વાંકાનેરમાં રેકોર્ડ

 હવે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસના ઉમેદવારે ઊના બેઠક કબજે કરી હતી. ઊનામાં જીતનું માર્જીન ૪૯૨૮ મતનું હતું. જેમાં ૨૦૧૭માં ૧૦ ઉમેદવાર હતા. આ બેઠક પર ૨૦૧૭માં અપક્ષોએ ૨૭૬૬ મત પ્રાપ્ત કર્યા હતા. આવી જ રીતે મોરબી, તળાજા અને વાંકાનેરમાં ક્રમશ ૩૪૧૯, ૧૭૭૯, ૧૩૬૧ની લીડ સામે અપક્ષોએ ક્રમશ ૩૦૩૫, ૩૬૭૮ અને ૨૪૧૫ મત મેળવ્‍યા હતા. તેથી કહી શકાય કે આ ૧૦ વિધાનસભા બેઠકના પરિણામોમાં અપક્ષ ઉમેદવારો હારજીતની બાજી પલટી શકે છે.

(3:30 pm IST)