Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

'હિટ એન્ડ રન': રોંગ સાઇડમાં ધસી આવેલુ બાઇક મોપેડ સાથે અથડાતાં પ્રદિપભાઇ પ્રજાપતિનું મોત

મોરબી રોડ જકાતનાકા નજીક રવિવારે રાતે બનાવઃ અકસ્માત સર્જી ચાલક બાઇક લઇને ભાગી ગયોઃ લોકોએ ફોટા પાડી લેતાં નંબર મળી ગયાઃ સત્યમ્ પાર્કના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ જકાતનાકા પાસે પેટ્રોલ પંપ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સાથે રોંગ સાઇડમાં ધસી આવેલુ બાઇક અથડાતાં સત્યમ્ પાર્કના પ્રજાપતિ આધેડ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ચાલક બાઇક લઇને ભાગી ગયો હોઇ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે આ બનાવમાં મૃત્યુ પામનાર પ્રદિપભાઇના ભાઇ બકુલભાઇ મગનભાઇ દેથરીયા (પ્રજાપતિ) (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી જીજે૦૩જેપી-૩૩૩૭ નંબરના બાકઇના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. બકુલભાઇએ જણાવ્યું હતું કે હું સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરુ છું અને અમે પાંચ ભાઇ-બહેનો છીએ. જેમાં સોૈથી મોટા પ્રવિણભાઇ, એ પછી કિશોરભાઇ, મીતાબેન અને મારાથી નાના પ્રદિપભાઇ (ઉ.વ.૪૮) હતાં. પ્રદિપભાઇને સંતાનમાં એક પુત્ર અંકિત અને એક પુત્રી પ્રિન્સી છે. પ્રદિપભાઇ મોરબી રોડ પર સત્યમ્ પાર્કમાં પરિવાર સાથે રહેતાં હતાં અને ચાંદીકામ-છોલકામ કરતાં હતાં.

રવિવારે હું સિવિલ હોસ્પિટલે મારી નોકરી પર હતો ત્યારે પોણા નવેક વાગ્યે  મારા નાનાભાઇ પ્રદિપભાઇના દિકરા અંકિતનો ફોન આવ્યો હતો કે મોરબી રોડ જકાતનાકા પાસે પેટ્રોલ પંપ નજીક મારા પપ્પાના પ્લેઝર સાથે રોંગ સાઇડમાં આવેલા બાઇક નં. જીજે૦૩જેપી-૩૩૩૭ના ચાલકે અકસ્માત સર્જી દીધો છે અને મારા પપ્પા રોડ પર પડી જતાં નાક-માથામાંથી લોહી નીકળે છે.

આથી મેં તેને તુરત ૧૦૮માં સિવિલ હોસ્પિટલે લઇ આવવા કહ્યું હતું. થોડીવારમાં મારા ભાઇને સિવિલે લાવવામાં આવ્યા હતાં. પરંતુ તેને ડોકટરે મૃત જાહેર કર્યા હતાં. મારા ભાઇના પ્લેઝર વાહન નં. જીજે૦૩ઇબી-૭૮૦૫ પાસે રોંગ સાઇડમાં આવેલા બાઇકના ચાલકે અકસ્માત સર્જાયો હોઇ અને તેનું બાઇક લઇને ભાગી ગયો હોઇ તેની મને ખબર પડતાં ફરિયાદ નોંધાવી હતી. પીએઅસાઇ પી. બી. ત્રાજીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃત્યુ પામનારના પુત્રએ જણાવ્યું હતું કે અકસ્માત સર્જનારા બાઇકના નંબરના ફોટા પાડી લેવાયા હતાં. તેમજ બાઇકમાં પણ થોડુ નુકસાન થયું હોઇ તેનો એકાદ પાર્ટ પણ તૂટીને રોડ પર પડી ગયો હતો. ત્યાં એક કંઇક પ્રવાહી ભરેલી શીશી પણ પડી હતી. મારા પિતાજી ચાંદીના દાગીનાનું છોલકામ કરતાં હોઇ કામ આપીને ઘરે પરત આવતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.

(3:50 pm IST)