Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વધુ બે ‘ડૂપ્‍લા ડોક્‍ટર' ઝબ્‍બેઃ મનોજના ૨૮ વર્ષથી અવિરત અખતરાઃ શૈલેષ બે વર્ષથી ડીગ્રી વગર દાક્‍તરી કરતો'તો

ક્રાઇમ બ્રાંચના અમિત અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ કોમ્‍પ્‍લેક્ષ પાસે સ્‍નેહી ક્‍લિનીકમાં તથા એસઓજીના ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ શુક્‍લા અને રણછોડભાઇ આલની બાતમી પરથી ગંજીવાડા-૭૭માં દરોડો : મનોજ જોટંગીયા ૨૦૧૩માં ગંજીવાડામાં દવાખાનુ ચલાવતાં પકડાયો, છુટયા પછી શેરી બદલી ફરી એ જ કામ ચાલુ કર્યુ!: નકલી ડોક્‍ટરીનો ૨૮ વર્ષનો અનુભવ : મુળ બગસરાનો શૈલેષ સુચક અગાઉ કપડા વેંચતોઃ પછી મેડિકલ સ્‍ટોરમાં નોકરી કરી, હવે ડોક્‍ટર બની ગયો! : પીઆઇ વી. કે. ગઢવી અને પીઆઇ આર. વાય. રાવલની ટીમોએ પખવાડીયામાં કુલ ૪ નકલી ડોક્‍ટરો પક્‍ડયાઃ આજીડેમ પીઆઇ વી. જે. ચાવડાની ટીમે એકને દબોચ્‍યો

 

રાજકોટ તા. ૨૮: શહેરમાં નકલી ડોક્‍ટરોને જાણે લોકોની જિંદગી સાથે રમત રમવાનો ઇજારો મળી ગયો હોય તેમ ઠેકઠેકાણે વગર ડીગ્રીના ડૂપ્‍લા ડોક્‍ટરો દવાખાના ખોલી ખોલીને બેસી ગયા છે. શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચ અને એસઓજી તથા આજીડેમ પોલીસે છેલ્લા એક પખવાડીયામાં જ આવા ડીગ્રી વગરના પાંચ ડોક્‍ટરો પકડી લીધા છે. ગત રાતે ક્રાઇમ બ્રાંચે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસેથી મુળ બગસરાના બાર ચોપડી ભણેલા શખ્‍સને દવાખાનુ ચલાવતાં દબોચી લીધો હતો. તો એસઓજીએ ગંજીવાડામાં દરોડો પાડી નકલી દાક્‍તરીમાં ૨૮ વર્ષનો અનુભવ ધરાવતાં પ્રોૈઢને પકડી લીધો હતો. નવાઇની વાત એ છે કે આ ડૂપ્‍લીકેટ ડોક્‍ટર અગાઉ પણ પકડાયો હતો. છુટયા પછી એ જ વિસ્‍તારમાં શેરી બદલી  ફરી અખતરા ચાલુ કરી દીધા હતાં!

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ કોમ્‍પલેક્ષ પાસે સ્‍નેહી ક્‍લિનીક ચલાવતો મુળ બગસરાનો શૈલેષ વૃજલાલભાઇ સુચક (ઉ.વ.૪૬) ડીગ્રી વગર દવાખાનુ ધમધમાવતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના અમિતભાઇ અગ્રાવત, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને મળતાં દરોડો પાડી તેની પાસે ડીગ્રી નથી તેની ખાત્રી કર્યા બાદ ગુનો નોંધી ધરપકડ કરી દવાઓ, ઇન્‍જેક્‍શન, તબિબી સાધનો કબ્‍જે કરાયા હતાં. આ શખ્‍સ હાલમાં રાજકોટ કિસાનપરા ચોક શક્‍તિ કોલોની-૧ કૃષ્‍ણસાગર એપાર્ટમેન્‍ટ ત્રીજા માળે મોનજભાઇ વૃજલાલભાઇ સુચકના મકાનમાં ભાડેથી રહે છે. અગાઉ બગસરામાં તે કપડા વેંચતો હતો, એ પછી મેડિકલ સ્‍ટોરમાં નોકરી કરી હતી. અહિથી દવાઓની જાણકારીનો અનુભવ મેળવ્‍યા બાદ રાજકોટ આવી બે વર્ષથી દવાખાનુ ચાલુ કરી દીધુ હતું. દર્દી દિઠ રૂા. ૫૦ ફી વસુલતો હતો.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્‍સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા અને પ્રદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

બીજો દરોડો

એસઓજીની ટીમે રાત્રીના હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. અજયભાઇ શુક્‍લા અને રણછોડભાઇ આલની બાતમી પરથી ગંજીવાડા શેરી નં. ૭૭માં દરોડો પાડી મનોજ ભાનુભાઇ જોટંગીયા (ઉ.વ.૫૨-રહે. કિશન સોસાયટી-૧૧, કોઠારીયા રોડ)ને ડીગ્રી વગર દાક્‍તરી કરતો પકડી લઇ દવાઓ, ઇન્‍જેક્‍શન, સાધનો કબ્‍જે કરી તેની સામે થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં  આ કામગીરી થઇ હતી. બાતમી મળી તેની સાથે હેડકોન્‍સ. મોહિતસિંહ જાડેજા પણ કામગીરીમાં જોડાયા હતાં. મનોજ જોટંગીયા ૨૦૧૩માં પણ ગંજીવાડામાં જ ડીગ્રી વગર દવાખાનુ ચલાવતાં પકડાયો હતો. છૂટયા બાદ ફરીથી ગલી બદલી નાંખી હતી અને હવે ૭૭ નંબરની ગલીમાં ક્‍લિનીક ખોલી બેસી ગયો હતો. તેની પાસે નકલી ડાક્‍ટરીનો  ૨૮ વર્ષનો અનુભવ છે. સ્‍લમ એરિયામાં જ તે ડીગ્રી વગર પ્રેકટીશ કરતો હોઇ જેથી ઝડપથી કોઇની નજરે ચડયો નહોતો.

ઝડપાયેલા બંને ડૂપ્‍લા ડોક્‍ટરો બાર બાર ચોપડીઓ ભણેલા છે. દવાઓના અનુભવને આધારે દર્દીઓની જિંદગી સાથે ગંભીર ચેડા કરવામાં આ બંનેને જરાપણ ભય લાગતો નહોતો. પોલીસે દબોચી વિશીષ્‍ટ ઢબની સારવાર આપવા તજવીજ કરી હતી.

નોંધનીય છે કે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કોરોના કાળમાં નકલી ડોક્‍ટરો પ્રેકટીશ કરતાં હોય તો શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત છેલ્લા પંદર દિવસમાં આવા પાંચ નકલી ડોક્‍ટર પકડી લેવાયા છે. જેમાં ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ બબ્‍બે તથા આજીડેમ પોલીસે એક નકલી ડોક્‍ટરને પકડયો છે.

(11:00 am IST)