Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મુખ્‍યમંત્રી-નાયબ મુખ્‍યમંત્રી રાજકોટમાં :કોરોના અંગે સમીક્ષા

જીલ્લાના કલેકટર સહિતના હાઇલેવલ અધીકારીઓ-સાંસદો-ધારાસભ્‍યો-પદાધીકારીઓ-ડોકટરો સાથે ત્રણ તબકકામાં મીટીંગનો દોરઃ મુખ્‍ય સચિવ અને અન્‍ય સચિવો પણ આવ્‍યાઃ બપોરે ૧ વાગ્‍યાથી પત્રકાર પરીષદઃ કલેકટર કચેરીમાં પોલીસના ધાડાઃ મીટીંગના દોરમાં કોઇને પણ નો એન્‍ટ્રીઃ પત્રકારોને પ્રથમ માળે પણ ન જવા દેવાયાઃ વધુને વધુ ટેસ્‍ટ વધારવા અંગે આદેશો

રાજકોટ તા. ર૯ : રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના મહામારી વકરતા અને એવરેજ રોજના ૬૦ થી ૭૦ કેસો આવી રહ્યા હોય લોકડાઉન અને અનલોક-ર બાદ રાજકોટમાં વતન ધરાવતા અને રાજયના સંવેદનશીલ મૂખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજયના આરોગ્‍ય મંત્રી અને નાયબ મૂખ્‍યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આજે સવારે ૧૦ વાગ્‍યે રાજકોટ આવી પહોંચ્‍યા બાદ કલેકટર કચેરી ખાતે જીલ્લાના હાઇલેવલ અધીકારીઓ સાથે સમીક્ષા બેઠક શરૂ કરી છે.

મૂખ્‍યમંત્રી સાથે રાજયના મૂખ્‍ય સચિવશ્રી અનીલ મુકિમ, મહેસુલ અગ્રસચિવશ્રી પંકજકુમાર, રાજયના આરોગ્‍ય અગ્રસચિવ શ્રી જયંતિ રવી તથા અન્‍ય સચિવો પણ આવ્‍યા છ.ે

કલેકટર કચેરી ખાતે મીટીંગ હોય, કલેકટર કચેરીની અંદર-બહાર પોલીસના ધાડા, ટાઇટસિકયુરીટી એમ્‍બ્‍યુલન્‍સ, કયુઆરસીવાન મેડીકલ ટીમ, ૧૦૮, ફાયર બ્રિગેડ સહિતની જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવી દેવાઇ હતી.

કલેકટર કચેરીમાં અરજદારો તો ઠીક, પત્રકારોને પણ મીટીંગ સંર્દભે કલેકટર કચેરીના પ્રથમ માળે પણ જવા દેવાયા ન હતા. એકદમ ટાઇટ સિકયુરીટી રખાઇ હતી.

સવારે૧૦-૩૦ વાગ્‍યે મૂખ્‍યમંત્રી -નાયબ મૂખ્‍યમંત્રીએ કલેકટરશ્રી રેમ્‍યા મોહન, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, મ્‍યુ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, ડીડી.ઓશ્રી રાણાવસીયા, ડીએસપી શ્રી બલરામ મીણા તથા અન્‍યો સાથે મીટીંગ યોજી હતી.

કોરોનાના નીકળી રહેલા કેસો હોસ્‍પીટલો, ખાનગી હોસ્‍પીટલો થઇ રહેલા ટેસ્‍ટ, કોન્‍ટ્રેક ટ્રેલીંગ, ધનવંતરી રથ તથા કોરોના જેમને નીકળી રહ્યો છે, તેમના નામો આપવાનું બંધ કરાયું તે તમામ બાબતે સમીક્ષા હાથ ધરાઇ હતી.

આ ઉપરાંત હોસ્‍પીટલોમાં દર્દીઓની સારવાર, દવાનો સ્‍ટોક, વેન્‍ટીલેટર, આવી રહેલ તહેવારો અંગે લેવાયેલ પગલા વિગેરે બાબતે સમીક્ષા કરાઇ હતી.

અધીકારીઓ સાથેની મીટીંગ બાદ મૂખ્‍યમંત્રીએ રાજકોટ શહેર-જીલ્લાના પદાધીકારીઓ સાથે મહત્‍વની મંત્રણા કરી હતી, તો ત્‍યારબાદ રાજકોટના ઇન્‍ડીયન મેડીકલ એસો.ના ૪ થી પ ડોકટરો સાથે પણ મીટીંગ યોજી કોરોનાના કેસો-સારવાર અંગે સમીક્ષા કરી હતી.,

અધિકારીઓની મીટીંગ સમયે ધારાસભ્‍યો-સાંસદો પણ ખાસ હાજર રહ્યા હતા.

 

(10:51 am IST)